ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવેના ઐરોલીથી ઘાટકોપર સુધીના સર્વિસ રોડ પર સવારના 5થી 7.30 સુધી વાહનોની અવરજવર બંધ

09 June, 2024 07:22 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મૉર્નિંગ વૉક કરતા લોકોની સલામતી માટે ટ્રાફિક-પોલીસે લીધું પગલું

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

મુંબઈની ટ્રાફિક-પોલીસે ઐરોલી જંક્શનથી ઘાટકોપરના પંતનગર વચ્ચેના ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવેના સર્વિસ રોડ પર સવારના પાંચથી સાડાસાત વાગ્યા સુધી વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂક્યો છે. સર્વિસ રોડ પર મૉર્નિંગ વૉક કરતા લોકોની સલામતી નિશ્ચિત કરવા માટે ટ્રાફિક-પોલીસે આ પગલું લીધું છે. આ આદેશ પૂર્વ ઉપનગરીય ટ્રાફિક વિભાગના ડેપ્યુટી પોલીસ-કમિશનર રાજુ ભુજબળે શુક્રવારે આપ્યો છે જે ૨૦૨૫ની ૩૧ મે સુધી અમલમાં રહેશે.

આદેશમાં જણાવવામાં આવ્યું હતું કે એરોલી જંક્શનથી ઘાટકોપરના પંતનગર સુધી ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવેના સર્વિસ રોડનો લોકો સવારના પાંચથી સાડાસાત વાગ્યા વચ્ચે દોડવા, જૉગિંગ કરવા અને મૉર્નિંગ વૉક માટે ઉપયોગ કરે છે. આ જ સમયગાળા દરમ્યાન વાહનો પણ સર્વિસ રોડ પરથી જતાં હોય છે એટલે ત્યાં નાના-મોટા અકસ્માતો થઈ શકે છે જેને કારણે લોકોની સલામતી માટે વાહનોની અવરજવરમાં ફેરફાર કરવો જરૂરી છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે સવારના પાંચથી સાડાસાત વાગ્યા વચ્ચે ઘાટકોપરના ઐરોલી જંક્શનથી પંતનગર સુધી ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવેના સર્વિસ રોડ પર તમામ પ્રકારનાં વાહનોની અવરજવર પર ૨૦૨૫ની ૩૧ મે સુધી પ્રતિબંધ રહેશે.

mumbai traffic police airoli ghatkopar mumbai news mumbai