વસઈ રોડ રેલવે-ટર્મિનસનો પ્રસ્તાવ પાંચ વર્ષથી પેન્ડિંગ

23 December, 2022 12:19 PM IST  |  Mumbai | Priti Khuman Thakur

ભૂતપૂર્વ રેલવેપ્રધાનનું પોકળ આશ્વાસન : વસઈ ટર્મિનસ બનવાથી વેસ્ટર્ન રેલવે પરનાં અન્ય ટર્મિનસો પરની ભીડ ઘટાડવામાં મદદ મળી શકશે

વસઈ રોડ સ્ટેશન પર રેલવે-ટર્મિનસ ક્યારે બનશે?

વસઈ રોડ રેલવે-સ્ટેશન પર રેલવે-ટર્મિનસ બનાવવાનો પ્રસ્તાવ છેલ્લાં પાંચ વર્ષથી પેન્ડિંગ છે. ૨૦૧૮માં ભૂતપૂર્વ રેલવેપ્રધાન દ્વારા જાહેરાત કરવા છતાં ટર્મિનસનું કામ પૂરું થયું નથી. એથી રેલવેપ્રધાનની જાહેરાત પોકળ સાબિત થઈ હોય એવું જોવા મળી રહ્યું છે. ટર્મિનસ ન હોવાને કારણે પ્રવાસીઓએ મુંબઈ સેન્ટ્રલ અને બાંદરા સુધી ટ્રેનો પકડવા લાંબા થવું પડે છે. એમાં લોકોએ સમય અને પૈસાની સાથે-સાથે અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

વસઈ રોડ સ્ટેશનથી મીરા-ભાઈંદર અને વસઈ-વિરાર તેમ જ આસપાસના અન્ય વિસ્તારોમાં રહેતા લોકોને પ્રવાસ કરવામાં સરળતા રહે છે. વસઈ રોડ સ્ટેશન વેસ્ટર્ન રેલવે પરનાં મહત્ત્વનાં સ્ટેશનોમાંનું એક છે. ઉત્તર ભારત, મધ્ય ભારત અને દક્ષિણ ભારતનાં ઘણાં રાજ્યોની ટ્રેનો અહીંથી સેન્ટ્રલ લાઇનમાં જવા હૉલ્ટ કરતી હોય છે, પરંતુ અહીં ટર્મિનસ ન હોવાથી લોકોએ પ્રવાસ કરવા જવા માટે બાંદરા, કુર્લા, દાદર અને સીએસએમટી જવું પડે છે.

દરરોજ વેસ્ટર્ન રેલવેની લાંબા અંતરની ૧૦૩ ટ્રેન અહીંથી પસાર થતી હોય છે, જેમાંથી ૪૩ ટ્રેન મુંબઈ સેન્ટ્રલ અને બાંદરા ટર્મિનસ સ્ટેશનથી ઊપડે છે. આ તમામ ટ્રેનો વસઈ રોડ રેલવે સ્ટેશન પરથી પસાર થાય છે. આ સિવાય મહત્ત્વની વાત એ પણ છે કે વસઈ સ્ટેશન પર ૬૦ લાંબા અંતરની ટ્રેનો ક્રૉસ  થતી હોય છે. એમાં ઉત્તર તરફ જતી તેમ જ મધ્ય રેલવે તરફ જતી ટ્રેનોનાં એન્જિન બદલવામાં આવે છે. આ પ્રક્રિયામાં ૫૦ મિનિટથી વધુ સમય લાગે છે. આ સિવાય વસઈ સ્ટેશન પરથી દરરોજ લાંબા અંતરની ૪૦ માલગાડીઓ પસાર થતી હોય છે. આવાં અનેક કારણોસર વસઈ રોડ સ્ટેશન પર ટર્મિનસ બનાવવાની ઘણાં વર્ષોથી માગણી કરવામાં આવી રહી હતી. એની સાથે જ મહત્ત્વનું એ પણ છે કે વેસ્ટર્ન રેલવે પરનાં અન્ય ટર્મિનસો પરના ધસારાને ઘટાડવામાં પણ મદદ મળશે.

વસઈ રોડ સ્ટેશન પર ટર્મિનસ બનાવવાનો પહેલો પ્રસ્તાવ ૨૦૧૩માં આવ્યો હતો, પરંતુ એનો અમલ થઈ શક્યો નહોતો. ત્યાર બાદ ૨૦૧૭માં બીજો પ્રસ્તાવ તૈયાર કરવામાં આવ્યો હતો. જોકે ૨૦૧૮માં ભૂતપૂર્વ કેન્દ્રીય રેલવેપ્રધાન પીયૂષ ગોયલે વસઈ રોડ રેલવે ટર્મિનસના નિર્માણની જાહેરાત કર્યા બાદ એવું લાગતું હતું કે ટર્મિનસનું સપનું આખરે સાકાર થશે. આ ઉપરાંત ટર્મિનસનું કામ ૨૦૨૩ સુધીમાં પૂરું થઈ જશે એવી પણ જાહેરાત કરવામાં આવી હતી. એથી પ્રવાસીઓ ટર્મિનસનું કામ શરૂ થશે એની રાહ જોવા લાગ્યા હતા. બીજી બાજુ દર વર્ષે બજેટમાં પણ જોગવાઈ કરવામાં આવી હતી, પરંતુ ૨૦૨૨નું વર્ષ પૂરું થવા આવ્યું હોવા છતાં એનું કામ શરૂ પણ થયું નથી.

વેસ્ટર્ન રેલવેએ આ બાબતે એક પ્રસ્તાવ તૈયાર કર્યો છે. એ અનુસાર રેલવે ટર્મિનસનું બાંધકામ બે તબક્કામાં કરવાનો પ્રસ્તાવ છે. પ્રથમ તબક્કામાં અમુક ભાગનો વિકાસ કરવામાં આવશે, જ્યારે બીજા તબક્કામાં સંપૂર્ણ ટર્મિનસનું કામ પૂરું કરવામાં આવશે. આ માટે ૩૦૦ હેક્ટર જમીનની જરૂર છે. રેલવેલાઇન પાસેની જમીન સરકારને ટ્રાન્સફર કરવા માટે પત્ર આપવામાં આવ્યો છે, પરંતુ હજુ સુધી જમીન સંપાદિત કરવામાં આવી નથી.

રેલવેનું શું કહેવું છે?
વેસ્ટર્ન રેલવેના ડીઆરએમ નીરજ વર્માએ આ વિશે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘વસઈ રોડ સ્ટેશનને ટર્મિનસ બનાવવાની દરખાસ્ત કરવામાં આવી હતી, પરંતુ હજી સુધી કોઈ સુધી પહેલ કરવામાં આવી નથી. જલદી આ પ્રસ્તાવ પર કામ થાય એના પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે.’

mumbai mumbai news western railway vasai preeti khuman-thakur