22 March, 2025 03:01 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
વસઈ પોલીસ એક રીઢા ગુનેગારને બૅન્ગલોરથી પકડી લાવી છે. ૨૦૦૨થી લઈને ૨૦૦૮ સુધી તેણે પાંચ જણની હત્યા કરી હતી જેમાંની ૪ હત્યા પશ્ચિમ બંગાળમાં કરી હતી. મીરા-ભાઈંદર વસઈ-વિરાર પોલીસ હેઠળ આવતા ક્રાઇમ બ્રાન્ચના યુનિટ-ત્રણે નિરંજન કુમાર ઉર્ફે રંજન ઉર્ફે રાજુ ઉર્ફે અક્ષય વિજય શુક્લાને બૅન્ગલોરથી ઝડપી લીધો હતો.
અસિસ્ટન્ટ કમિશનર ઑફ પોલીસ (ક્રાઇમ) મદન બલ્લાળે આ વિશે માહિતી આપતાં કહ્યું હતું કે ‘નિરંજન કુમારે ૨૦૦૮ની ૨૭ માર્ચે વસઈમાં મનોજ રાજબિહારી શાહ સાથે કમ્પાઉન્ડ-વૉલ બાબતે ઝઘડો કરીને તેના ગળા ફરતે નાયલૉનની દોરી વીંટાળીને તેનું મર્ડર કર્યું હતું. એ પછી તે નાસી ગયો હતો. તેની સામે માણિકપુર પોલીસ-સ્ટેશનમાં હત્યાનો કેસ નોંધવામાં આવ્યો હતો. અમે ત્યારથી તેને શોધી રહ્યા હતા. ૨૦૦૨માં તેણે પશ્ચિમ બંગાળના મિદનાપુરમાં તેની સાવકી મા ગીતાકુમારી શુક્લા, ૬ વર્ષની સાવકી બહેન પ્રિયંકા કુમારી અને બે વર્ષના સાવકા ભાઈ માનની પણ હત્યા કરી હતી. એ પછી તે અલગ-અલગ નામ રાખીને દેશમાં અનેક જગ્યાએ રહ્યો હતો જેમાં નવી મુંબઈ, થાણે અને વસઈનો સમાવેશ છે. તે બૅન્ગલોરના મહાદેવપુરામાં રહેતો હોવાની પાકી માહિતી મળ્યા બાદ અમારી ટીમે તેની ધરપકડ કરી હતી. તેની વધુ પૂછપરછ ચાલી રહી છે.’