કાયદા-કાનૂનનો ડર કોરાણે મૂકતી ઘટના બની વસઈમાં

22 December, 2022 11:52 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઘોળા દિવસે યુવક પર તલવારથી હુમલો કરવામાં આવ્યો અને આરોપીઓએ બંદૂકથી હવામાં ગોળીબાર પણ કર્યો હોવાથી લોકો ડરના માર્યા બચાવવાય ન ગયા : બચવા માટે હુમલાખોરો જખમી યુવકને પોતાની સાથે કારમાં નાખીને લઈ ગયા અને રસ્તા પર ફેંકી દીધો : હુમલાની ઘટના થઈ CCTVમાં કેદ

મારપીટનું સીસીટીવી કૅમરામાં કેદ થયેલું દૃશ્ય

વસઈ-પૂર્વમાં આવેલા વાલિવ વિસ્તારમાં મંગળવારે સાંજે છ વાગ્યે એક ચોંકાવનારી ઘટના બની હતી. અહીંના નાઈકપાડામાં જઈ રહેલી એક બોલેરો જીપને બીજી બોલેરો જીપે ટક્કર મારી હતી અને જીપમાંથી બહાર આવેલા ચાર-પાંચ લોકોએ બીજી બોલેરોના ડ્રાઇવરને બહાર કાઢીને તેના પર તલવાર અને લાકડીથી હુમલો કર્યો હતો. આ સમયે એકના હાથમાં પિસ્તોલ હતી એટલે કોઈ આ મારપીટની વચ્ચે નહોતું આવ્યું. મારપીટ બાદ આરોપીઓ જેના પર હુમલો કર્યો હતો તેને જીપમાં નાખીને ભાગી ગયા હતા. બાદમાં તેને રસ્તામાં ફેંકી દેવામાં આવ્યો હતો. માર ખાનારાને પોલીસે અહીંની એક પ્રાઇવેટ હૉસ્પિટલમાં ઍડ્‌મિટ કર્યો છે અને તેની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું હતું. આ આખી ઘટના સીસીટીવી કૅમેરામાં કેદ થયા બાદ વાઇરલ થતા અરેરાટી વ્યાપી ગઈ હતી. ડુક્કર પકડીને એને વેચતી ગૅન્ગ વચ્ચે ૨૦૧૮માં પણ આવી જ રીતે અથડામણ થઈ હોવાનું જાણવા મળ્યું હતું.

નાઈકવાડીમાં મંગળવારે સાંજે છ વાગ્યે બોલેરો જીપમાં આવેલા ચાર-પાંચ લોકોએ બીજી બોલેરો જીપ ચલાવી રહેલા દાદુ નામના યુવકને બહાર ખેંચીને તેની તલવાર અને લાકડીથી મારપીટ કરી હોવાની ઘટના બની હતી. આરોપીઓએ યુવક પર તલવારથી હાથ-પગ અને માથામાં હુમલો કરીને તેને ગંભીર રીતે ઘાયલ કરી દીધો હતો.

આ ઘટના નજરે જોનારા એમએનએસના નેતા જયેન્દ્ર પાટીલના જણાવ્યા મુજબ આરોપીઓમાંથી એકના હાથમાં પિસ્તોલ હતી અને તેણે કોઈ વચ્ચે આવશે તો ઉડાવી દેવાની ધમકી આપી હતી એટલે કોઈ વચ્ચે નહોતું પડ્યું. ખૂબ મારપીટ કર્યા બાદ દાદુ નામના યુવકને આરોપીઓ પોતાની બોલેરો જીપમાં નાખીને પલાયન થઈ ગયા હતા. આરોપીઓ અને જેની મારપીટ થઈ છે તે અહીં ડુક્કર પકડીને એમને માર્કેટમાં વેચવાનું કામ કરે છે. તેમની વચ્ચે કોઈ દુશ્મની હશે એટલે આ ઘટના બની હોવાની શક્યતા છે.

`વાલિવ પોલીસ સ્ટેશનના અસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર રવિ ઠાકુર આ કેસની તપાસ કરી રહ્યા છે. તેમણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જેની મારપીટ થઈ હતી તેનું નામ દાદુ હોવાનું જણાયું છે. નાઈકપાડામાં તેની મારપીટ કરીને જીપમાં બેસાડ્યા બાદ થોડે આગળ જઈને તેને ફેંકી દેવામાં આવ્યો હતો. સ્થાનિક રહેવાસીઓએ માહિતી આપ્યા બાદ પોલીસની ટીમે ઘટનાસ્થળે પહોંચીને ગંભીર રીતે ઘવાયેલા દાદુને અહીંની પ્લૅટિનમ નામની પ્રાઇવેટ હૉસ્પિટલમાં ઍડ્‌મિટ કર્યો હતો. દાદુની તબિયત સ્થિર છે. આરોપીઓને પકડવા માટેના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે.’

mumbai mumbai news Crime News mumbai crime news vasai