25 December, 2024 04:14 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફૉરેસ્ટ રેન્જ ઑફિસર સંદીપ ચૌરે
વસઈ તાલુકાના સસુનવઘર ગામની હદમાં આવેલા સસુપાડા ખાતેની સાત ગુંઠા જમીન વન વિભાગમાં આવતી હોવાથી આ જમીન ૨૦૦૭માં જપ્ત કરવામાં આવી હતી. જમીનના માલિકને આ જમીન પાછી આપવા માટે માંડવીના ફૉરેસ્ટ રેન્જ ઑફિસર સંદીપ ચૌરેએ તેના સહયોગી ચંદ્રકાંત પાટીલના માધ્યમથી વીસ લાખ રૂપિયાની માગણી કરી હતી. જમીનના માલિક ફૉરેસ્ટ ઑફિસરને લાંચ નહોતા આપવા માગતા એટલે તેણે પાલઘર પોલીસના ઍન્ટિ-કરપ્શન બ્યુરો (ACB)માં આ સંબંધી ફરિયાદ નોંધાવી હતી. ACBએ ફરિયાદની ચકાસણી કરતાં એ સાચી હોવાનું જણાતાં ગઈ કાલે છટકું ગોઠવવામાં આવ્યું હતું. ગઈ કાલે ફૉરેસ્ટ રેન્જ ઑફિસર વતી ચંદ્રકાંત પાટીલ દસ લાખ રૂપિયાની લાંચ સ્વીકારતાં રંગેહાથ ઝડપાઈ ગયો હતો. બાદમાં ફૉરેસ્ટ રેન્જ ઑફિસર સંદીપ ચૌરે સામે પણ લાંચ માગવાનો કેસ નોંધીને તેની પણ ધરપકડ કરવામાં આવી હતી.