વસઈ-ભાયંદર રો-રો ફેરી સર્વિસ થઈ ગઈ છે શરુ, માત્ર ૩૦ રુપિયામાં કરી શકશો સફર

21 February, 2024 04:08 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

Vasai – Bhayander Ro-Ro Ferry : આ રો-રો સેવા થાણે અને પાલઘર જિલ્લાઓ વચ્ચેની ૩૦ કિલોમીટરની સફરમાં ઘટાડો કરશે

શનિવારે વસઈમાં ટ્રાયલ રન દરમિયાન રોરો (તસવીર : હનીફ પટેલ)

પાલઘર જિલ્લાની વસઈ (Vasai) અને ભાયંદર (Bhayander) વચ્ચેની ૧.૮૯ નોટિકલ માઈલને આવરી લેતી પ્રથમ રો-રો ફેરી સેવા (Vasai – Bhayander Ro-Ro Ferry) મંગળવારથી શરૂ થઈ. આ સેવા સવારે ૬.૪૫ થી સાંજના ૭.૩૦ વાગ્યા સુધી અઠવાડિયાના બધા જ  કાર્યરત રહેશે. વસઈ અને ભાયંદરના પ્રવાસીઓ માટે ખરેખર ખુશીના સામાચાર છે.

મહારાષ્ટ્ર મેરીટાઇમ બોર્ડ – એમએમબી (Maharashtra Maritime Board - MMB)એ વસઈ (કિલ્લો) જેટી અને ભાયંદર (પશ્ચિમ) જેટી વચ્ચે અનેક ટ્રાયલ રન હાથ ધર્યા હતા. પાણીમાં ૩.૫ કિમીનું અંતર કાપવામાં વન-વેમાં લગભગ ૧૫ મિનિટ લાગશે. કુલ અંતરમાં ચાર કિમીનો રસ્તો પણ સામેલ છે. સુવર્ણદુર્ગ શિપિંગ એન્ડ મરીન સર્વિસીસ પ્રાઈવેટ લિમિટેડ, જે કોંકણ ક્ષેત્રમાં રો-રો સેવાઓનું સંચાલન કરે છે, તે જહાજ `જાહ્નવી`નું સંચાલન કરે છે. એક જ મુસાફરીમાં કુલ ૧૦૦ મુસાફરો અને ૩૩ વાહનો લઈ જઈ શકાય છે. આગામી ત્રણ મહિના માટે, વસઈ અને ભાયંદરથી લગભગ ૯૦ મિનિટના અંતરમાં બન્ને બાજુની આઠ મુસાફરી થશે. રો-રો સેવાઓનું સમયપત્રક બુધવારથી કાર્યરત થશે. ભાયંદર-વસઈ રોલ ઓન/રોલ ઓફ (રો-રો) સેવા થાણે અને પાલઘર જિલ્લાઓ વચ્ચેની ૩૦ કિલોમીટરની સફરમાં ઘટાડો કરશે.

એકનાથ શિંદે (Eknath Shinde)ની શિવસેના (Shiv Sena)ના થાણે (Thane)ના સાંસદ રાજન વિચારે (Rajan Vichare)એ ફેરી સર્વિસનું ઉદ્ઘાટન કર્યું. અરબી સમુદ્રની નયનરમ્ય સુંદરતા માણવા માટે વાહન ચાલકો અને સામાન્ય લોકો બંને જેટી પર ઉમટી પડ્યા હતા.

વસઈ-ભાયંદર રો-રો ફેરી સર્વિસમાં વસઈથી પ્રથમ સેવા સવારે ૬.૪૫ વાગ્યે શરૂ થશે અને ભાઈંદરથી પ્રથમ જહાજ સવારે ૭.૩૦ વાગ્યે ઉપડશે. એટલું જ નહીં, ફેરી ચૂકી જનારાઓ માટે જેટી પર વેઇટિંગ રૂમ બનાવવામાં આવ્યા છે.

એક રીલીઝ મુજબ, એક વખતની મુસાફરીનું ભાડું પુખ્ત વયના મુસાફરનું ૩૦ રુપિયા અને બાળકોનું ભાડું ૧૫ રુપિયા રહેશે. જ્યારે વાહનોનું ભાડું અલગ રહેશે. ટુ-વ્હીલર માટે પ્રતિ રાઈડ ૬૦ રૂપિયા, કાર માટે પ્રતિ રાઈડ ૧૮૦ રૂપિયા અને ઓટો-રિક્ષા માટે પ્રતિ રાઈડ ૧૦૦ રૂપિયા ભાડું છે.

થાણેના શિવસેના સાંસદ રાજન વિચારેએ કહ્યું હતું કે, ફેરી સેવા મુસાફરીના સમયમાં નોંધપાત્ર ઘટાડો કરશે અને વાહનોની ભીડને કારણે થતા પ્રદૂષણને દૂર કરશે. તેમણે વધુમાં એમ પણ ઉમેર્યું હતું કે, થાણે અને અન્ય જિલ્લાઓમાં અન્ય જેટીઓથી ફેરી સેવાઓ પણ ટૂંક સમયમાં શરૂ થશે.

તમને જણાવી દઈએ કે, વસઈ-ભાયંદર રો-રો ફેરી સર્વિસ મુંબઈ મેટ્રોપોલિટન રિજન (Mumbai Metropolitan Region  - MMR)માં આ બીજી રો-રો સેવા છે. પ્રથમ ફેરી વ્હાર્ફ (Wharf) અને માંડવા (Mandwa) રૂટ પર ચાલે છે.

નોંધનીય છે કે, રો-રો ફેરી સામાન્ય રીતે પેસેન્જરો, કાર અને કોમર્શિયલ વાહનોને લઈ જવા માટે હોય છે.

bhayander vasai thane palghar mumbai mumbai news