શુક્રવારે રાષ્ટ્રસંત શ્રી નમ્રમુનિ મહારાજસાહેબના સાંનિધ્યમાં યોજાયો વર્ષીતપ પારણાં મહોત્સવ

11 May, 2024 11:50 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અક્ષયતૃતીયાના પ્રસંગે પાવનધામના આંગણે ‘ઑલવેઝ કૅર’ ઍનિમલ ક્લિનિકનું લૉન્ચિંગ થયું

રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજસાહેબ

‘હે પ્રભુ! મને પણ જો તક મળે
તો એક વાર વર્ષીતપની આરાધના
કરીને મારા ભવને સાર્થક કરી લેવો છે’

એવી પ્રેરક ભાવના પ્રસરાવીને રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજસાહેબના સાંનિધ્યમાં અક્ષયતૃતીયાના પાવન દિવસે યોજાયેલો વર્ષીતપ પારણાં મહોત્સવ તપધર્મની જયકાર વર્તાવીને ભક્તિભાવે ઊજવાયો હતો.

શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ પાવનધામના ઉપક્રમે કાંદિવલી સ્થિત રઘુલીલા મૉલ ખાતે આયોજિત વર્ષીતપ પારણાં મહોત્સવના આ અવસરે પરમ ગુરુદેવના સાંનિધ્યમાં પારણું કરવા આવેલા અનેક તપસ્વી આરાધકોની અનુમોદના કરવા બહોળી સંખ્યામાં ઉપસ્થિત ભાવિકોની સાથે લાઇવના માધ્યમે દેશ-વિદેશના હજારો ભાવિકો જોડાઈ ગયા હતા.

અક્ષયતૃતીયાના પાવનકારી દિવસે રાષ્ટ્રસંત પરમ ગુરુદેવની કરુણા ભાવના સાથે પાવનધામના આંગણે અબોલ એવાં ઘાયલ અને અસ્વસ્થ પશુ-પંખીઓની સારવાર હેતુ ‘ઑલવેઝ કૅર’ ઍનિમલ ક્લિનિકનું ઉદ્ઘાટન કરવામાં આવતાં અક્ષયતૃતીયા પાવન પરમાર્થની તૃતીયા બની ગઈ હતી.

એ સાથે જ મહારાષ્ટ્રના પડઘા સ્થિત પરમધામ સાધના સંકુલ ખાતે નૂતન ગૌશાળામાં પણ અક્ષયતૃતીયાના પાવન દિવસે સેંકડો ગાયોને આશ્રયસ્થાન આપીને એમને શાતાસમાધિ આપવાનું પરમાર્થ કરવામાં આવતાં જાણે સોનામાં સુગંધ ભળી હતી.

તપશ્ચર્યાથી આત્માને ભાવિત કરી લેવાનો બોધ આપતા આ અવસરે પરમ ગુરુદેવે ફરમાવ્યું હતું કે શરીરને જીર્ણશીર્ણ કરી દેનારી પીડા પર પણ જે વિજય પ્રાપ્ત કરીને, પોતાના મનને મક્કમ કરીને જે તપસાધના કરે છે એ જ વીર હોય છે, એ જ પરમાત્મા હોય છે.

વિશેષમાં અખંડ ૪૫૪ દિવસ સુધી આયંબિલ તપની મૌન સાથે ઉગ્ર આરાધના સાથે ચાર લાખ નમસ્કાર મંત્ર લેખન કરનારાં પૂજ્ય શ્રી પરમકૃપાજી મહાસતીજીને આ અવસરે પારણાં કરાવવામાં આવ્યાં હતાં.

પરમ ગુરુદેવના શ્રી મુખેથી તપશ્ચર્યાની ભાવ આલોચના સાથે તેમના પાવન હસ્તે વર્ષીતપની આરાધના કરનારા અનેક તપસ્વીઓને પારણાં કરાવવામાં આવ્યાં હતાં અને શ્રી સંઘ દ્વારા તપસ્વીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

mumbai news mumbai jain community gujarati community news gujaratis of mumbai