08 November, 2023 08:06 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફાઈલ ફોટો
Vande Sadharan Express: રેલવે મુસાફરોને ટૂંક સમયમાં વંદે સાધારણ ટ્રેનની ભેટ મળી શકે છે. મુસાફરોને ટૂંક સમયમાં આ ટ્રેનની સેવા આપવા માટે, રેલવેએ વંદે સાધારણ ટ્રેનની ટ્રાયલ રન શરૂ કરી છે. મંગળવારે અમદાવાદ-મુંબઈ વચ્ચે ટ્રેનની ટેકનિકલ ટ્રાયલ થઈ હતી. અમદાવાદથી મુંબઈ સેન્ટ્રલ પહોંચવામાં ટ્રેનને લગભગ 6 કલાક 30 મિનિટનો સમય લાગ્યો હતો. બુધવારે ટ્રેનની સ્પીડ ટ્રાયલ થવાની છે. આ ટ્રેન મુંબઈ સેન્ટ્રલ અને અમદાવાદ વચ્ચે 130 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડશે. ટ્રેન મુંબઈ સેન્ટ્રલથી સવારે 6.40 કલાકે ઉપડશે અને સુરત થઈને અમદાવાદ પહોંચશે.
વંદે સાધારણ ટ્રેનમાં કુલ 22 કોચ હશે. 22માંથી 12 કોચ સ્લીપર, 8 કોચ સેકન્ડ ક્લાસ અને 2 કોચ લગેજ હશે. ટ્રેનને પુશ-પુલ ટેક્નોલોજી પર ચલાવવામાં આવશે, જેથી તે વધુ ઝડપે દોડી શકે. પુશ-પુલ હેઠળ, આગળનું એન્જિન વાહનને ખેંચે છે, જ્યારે પાછળનું એન્જિન દબાણ કરે છે. આ ટ્રેનના બંને એન્જિન WAP-5 સિરીઝના હશે. આ એન્જિન ભારતીય રેલ્વેની મધ્યમ અંતરની ઝડપી ટ્રેનોમાં લગાવવામાં આવે છે. આ ટ્રેનની મહત્તમ સ્પીડ 130 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડવા સક્ષમ છે, જ્યારે વંદે ભારત એક્સપ્રેસ 160 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડે છે.
આ જાહેરાત જુલાઈમાં કરવામાં આવી હતી
જુલાઈમાં, ભારતીય રેલ્વેએ સામાન્ય ટ્રેનોમાં મુસાફરી કરનારાઓ માટે જાહેરાત કરી હતી. કહેવામાં આવ્યું હતું કે આ ટ્રેનોને `વંદે ભારત એક્સપ્રેસ` જેવી બનાવવામાં આવશે. આ નોન-એસી ટ્રેનો હશે અને તેનું ભાડું પણ `વંદે ભારત એક્સપ્રેસ` કરતા ઓછું હશે. આ ટ્રેનોને હવે ‘વંદે સાધરણ’ ટ્રેન કહેવામાં આવે છે.