01 December, 2024 01:19 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
સાંતાક્રુઝ-ઈસ્ટના સુરેન્દ્રનગરમાં ગઈ કાલે વહેલી સવારે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)નાં બૅરિકેડ્સ ચોરી કરતી ગૅન્ગના સભ્ય મોહમ્મદ ચૌધરીની વાકોલા પોલીસે ધરપકડ કરી હતી. સુરેન્દ્રનગરમાં સિક્યૉરિટીનું કામ કરતો બાવીસ વર્ષનો આદિત્ય પટેલ રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેણે અમુક લોકોને ટેમ્પોમાં BMCનાં બૅરિકેડ્સ ભરતા જોયા હતા. તેમના પર શંકા આવતાં તેણે તાત્કાલિક ઘટનાની જાણ પોલીસને કરી હતી. ઉપરાંત જ્યાં સુધી પોલીસ ન આવે ત્યાં સુધી બીજા લોકોની મદદથી આરોપીઓને ત્યાં રોકી રાખ્યા હતા.
બૅરિકેડ્સ જે રીતે તેઓ ટેમ્પોમાં નાખી રહ્યા હતા એના પરથી તેઓ કંઈક ખોટું કરી રહ્યા છે એવું સ્પષ્ટ દેખાય આવતું હતું એમ જણાવતાં આદિત્ય પટેલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હું એ જ વિસ્તારમાં સિક્યૉરિટીનું કામ કરું છું. ગઈ કાલે વહેલી સવારે હું એ વિસ્તારમાં રાઉન્ડ મારી રહ્યો હતો ત્યારે એક મોટો ટેમ્પો ત્યાં આવી ઊભો હતો. એમાંથી ઊતરેલા લોકો BMCનાં લોખંડનાં બૅરિકેડ્સ એ ટેમ્પોમાં નાખી રહ્યા હતા. આટલી સવારે BMCના અધિકારીઓ કામ ન કરે એવું વિચારી હું આગળ વધ્યો હતો. મને જોઈને તેઓ ગભરાઈ ગયા હોય એવું તેમના મોઢા પરથી લાગી રહ્યું હતું એટલે મેં તાત્કાલિક મારી સાથે રહેલા બીજા લોકોને ઘટનાની જાણ કરી અને સાથે પોલીસને પણ જાણ કરી હતી. ઘટનાસ્થળે પોલીસ આવી ત્યારે મોટા ભાગના લોકો ભાગી ગયા હતા, પરંતુ તેમાંના એકને અમે પકડી પોલીસને હવાલે કર્યો હતો.’
આરોપી નાશિકમાં આ બૅરિકેડ્સ વેચતા હોવાની માહિતી અમને મળી છે એમ જણાવતાં વાકોલા પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘એક આરોપીની અમે ધરપકડ કરી છે અને જે ટેમ્પોમાં તેઓ બૅરિકેડ્સ લઈ જવાના હતા એ જપ્ત કર્યો છે. આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.’