બોગસ વિઝા પર યુકે જવા માગતા પટેલ દંપતીની પોલીસે કરી ધરપકડ

29 June, 2023 09:40 AM IST  |  Mumbai | Mehul Jethva

વડોદરાનાં આ ગુજરાતી પતિ-પત્નીએ એજન્ટને ૨૭ લાખ રૂપિયા આપીને બોગસ વિઝા તૈયાર કર્યા હતા અને એ મેળવવા માટે કોલ્હાપુરની શિવાજી યુનિવર્સિટીથી ઍડ્વાન્સ અકાઉન્ટન્ટની ડિગ્રી પણ મેળવી હતી

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)

વડોદરામાં રહેતા ગુજરાતી દંપતીએ એજન્ટને આશરે ૨૭ લાખ રૂપિયા આપીને યુકે જવા માટે એમ્પ્લૉયમેન્ટ વિઝા તૈયાર કર્યા હતા. એટલું જ નહીં, આ વિઝા મેળવવા માટે કોલ્હાપુરની શિવાજી યુનિવર્સિટીથી ઍડ્વાન્સ અકાઉન્ટન્ટની ડિગ્રી પણ મેળવી હતી. જોકે ઇમિગ્રેશન વિભાગના અધિકારીને શંકા જતાં બન્નેને અટકાવવામાં આવ્યાં હતાં. ત્યાર બાદ તમામ માહિતીઓ સામે આવતાં બન્નેની ધરપકડ કરીને તેમની સામે છેતરપિંડી સાથે વિવિધ કલમો હેઠળ સહાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર ઇમિગ્રેશન વિભાગમાં કાર્યરત કૉન્સ્ટેબલ અમરજિત અસ્થાના ૨૭ જૂને મુંબઈથી યુકે જતી ફ્લાઇટમાં જવા માગતા પ્રવાસીઓના ડૉક્યુમેન્ટ્સની તપાસ કરી રહ્યા હતા ત્યારે ભારતીય પાસપોર્ટ ધરાવતી બાવીસ વર્ષની કૃપા દિલીપ પટેલના વિઝા તપાસ્યા હતા, જેમાં તે પતિ દિલીપ સાથે એમ્પ્લૉયમેન્ટ વિઝા પર યુકે જવા માગતી હોવાનું સમજાયું હતું. જોકે તેના પર શંકા આવતાં એની વધુ તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે તેણે માત્ર એચએસસી સુધી જ અભ્યાસ કર્યો હતો. જોકે એમ્પ્લૉયમેન્ટ વિઝામાં આપેલા ડૉક્યુમેન્ટ્સમાં તેણે કોલ્હાપુરની શિવાજી યુનિવર્સિટીમાંથી બૅચલર ઑફ કૉમર્સ (ઍડ્વાન્સ અકાઉન્ટ)ની ડિગ્રી મેળવી હોવાની માહિતી આપી હતી. અંતે તેને વિંગ ઇન્ચાર્જ અધિકારી પાસે લઈ ગયા બાદ તેની કડક પૂછપરછ કરતાં તેણે કહ્યું હતું કે યુકેના વિઝા તૈયાર કરવા માટે તેણે વડોદરાના માંજલપુર વિસ્તારના એજન્ટ બિનીત બ્રહ્મક્ષત્રિયને ૨૭ લાખ રૂપિયા આપ્યા હતા. તેણે પહેલાં કૃપાના વિઝા તૈયાર કર્યા હતા. એ મળી ગયા બાદ તેણે તેના પતિ દિલીપના વિઝા પણ તૈયાર કર્યા હોવાનું સામે આવ્યું હતું. અંતે આ ઘટનાની જાણ સહાર પોલીસ સ્ટેશનને કરવામાં આવતાં બન્ને સામે છેતરપિંડી સાથે અન્ય કલમો હેઠળ ફરિયાદ નોંધીને તેમની ધરપકડ કરવામાં આવી હતી.

સહાર પોલીસ સ્ટેશનના તપાસ અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર સુનીલ વાઘરેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બન્ને સામે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે. આ કેસમાં અન્ય આરોપીની સંડોવણી હોવાની પૂરેપૂરી શક્યતાઓ છે, જેની તપાસ અમે કરી રહ્યા છે. આરોપી દંપતી વિઝા મેળવીને નોકરી માટે યુકે જવા માગતું હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે.’

vadodara united kingdom kolhapur Crime News mumbai crime news mumbai mumbai news chhatrapati shivaji international airport mumbai airport mehul jethva