07 September, 2024 08:52 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નેહરોલી ગામમાં આવેલા ઘરમાંથી મુકુંદ રાઠોડ, તેમનાં પત્ની કંચન અને પુત્રી સંગીતાના મૃતદેહ મળી આવ્યા હતા
પાલઘર જિલ્લાના વાડા તાલુકામાં આવેલા નેહરોલી ગામમાં ૩૦ ઑગસ્ટે બંધ ઘરમાંથી મુકુંદ રાઠોડ, તેમનાં પત્ની કંચન રાઠોડ અને પુત્રી સંગીતાના કોહવાઈ ગયેલા મૃતદેહ મળી આવ્યા હતા. રાઠોડ પરિવાર અત્યંત સાધારણ હતો એટલે તેમની લૂંટના ઇરાદે હત્યા થવાની શક્યતા પ્રાથમિક તપાસમાં પોલીસને નહોતી જણાઈ. જોકે મુકુંદ રાઠોડે તેમના ઘરની બાજુનું મકાન ઉત્તર પ્રદેશના એક પરિવારને ભાડેથી આપ્યું હતું. તેના પર શંકા જતાં વાડા પોલીસે સ્નિફર ડૉગની મદદથી તપાસ કરતાં ડૉગ ભાડેથી રહેતા આરિફ અન્સારીના મકાન તરફ ગયો હતો. આથી પોલીસે આ વિશે સઘન તપાસ કરીને આરિફ અન્સારીની તેના ઉત્તર પ્રદેશમાં આવેલા ઘરેથી ધરપકડ કરી હતી. આરિફે ગુનો કબૂલતાં પોલીસને કહ્યું હતું કે તે ગામ જવા માગતો હતો અને તેની પાસે રૂપિયા નહોતા. મુકુંદ રાઠોડ પાસે રૂપિયા હોવાની શક્યતા હતી એટલે તે હથોડો પાછો આપવાના બહાને મુકુંદ રાઠોડના ઘરે ૧૭ ઑગસ્ટે બપોરે ગયો હતો. જોકે મુકુંદ રાઠોડ એ સમયે ઘરમાં નહોતા એટલે આરોપી આરિફે કંચન રાઠોડ અને સંગીતા રાઠોડના માથામાં હથોડો ફટકારીને તેમની હત્યા કરી હતી. બન્નેના મૃતદેહ પતરાની પેટીમાં નાખ્યા બાદ આરિફ ઘરની બહાર જવાની તૈયારીમાં હતો ત્યારે તેણે મુકુંદ રાઠોડને આવતા જોયા હતા. આરિફ ઘરની અંદર છુપાઈ ગયો હતો અને ઘરની અંદર આવેલા મુકુંડ રાઠોડના માથામાં પણ હથોડાના ફટકા મારતાં તેમનું પણ મૃત્યુ થયું હતું. ત્યાર બાદ રૂપિયા શોધતી વખતે કેટલાક ચાંદીના સિક્કા આરિફને હાથ લાગ્યા હતા એ લઈને તે પલાયન થઈ ગયો હતો.