અમેરિકા ફાઇલિંગ-ફી વધારશે

07 January, 2023 11:35 AM IST  |  Mumbai | Somita Pal

આજે એચ૧-બીની રજિસ્ટ્રેશન-ફી ૧૦ ડૉલર છે એ વધારીને ૨૧૫ ડૉલર કરવાનો અમેરિકાની સરકાર ​ઇરાદો ધરાવે છે.

અમેરિકા ફાઇલિંગ-ફી વધારશે


મુંબઈ ઃ યુએસ સિટિઝનશિપ અને ઇમિગ્રેશન સર્વિસિસે મંગળવાર, ૩ જાન્યુઆરી ૨૦૨૩ના દિવસે ૪૬૯ પાનાંની એક દરખાસ્ત મૂકીને વિવિધ પ્રકારના વીઝાની ફાઇલિંગ-ફીમાં અધધધ વધારો સૂચવ્યો છે. આ વધારા ઉપર કોઈને કંઈ જણાવવું હોય, વિરોધ હોય તો એ ૬૦ દિવસમાં દર્શાવી શકશે. ત્યાર બાદ એ વધારો અમલમાં આવશે.
આજે એચ૧-બીની રજિસ્ટ્રેશન-ફી ૧૦ ડૉલર છે એ વધારીને ૨૧૫ ડૉલર કરવાનો અમેરિકાની સરકાર ​ઇરાદો ધરાવે છે. એચ-૧બી પિટિશનની ફાઇલિંગ-ફી આજે ૪૬૦ ડૉલર છે એ વધીને ૭૮૦ ડૉલર થશે.
ઈબી-૫ પ્રોગ્રામ હેઠળ ઇમિગ્રન્ટ વીઝા માટે જે પિટિશન દાખલ કરવાની રહે છે એની ફાઇલિંગ-ફી આજે ૩,૬૭૫ ડૉલર છે એ વધારીને ૧૧,૧૬૦ ડૉલર કરવામાં આવશે. ઈબી-૫ ઇન્વેસ્ટરો જેમને બે વર્ષનું ક​ન્ડિશનલ ગ્રીન કાર્ડ આપવામાં આવે છે એ કાયમનું કરવાની ફી આજે ૩,૮૩૫ ડૉલર છે એ ૯,૫૨૫ ડૉલર થવાની છે. 
આંતરકંપની ટ્રાન્સફર એલ-૧ વીઝાના પિટિશનની ફી જે ૪૬૦ ડૉલર છે એ વધારીને ૧,૩૮૫ ડૉલર થશે. 
આ સઘળી ફી મોટા ભાગે અમેરિકન માલિકોએ આપવાની રહે છે. આથી હવે પછી આ ફીવધારો અમલમાં આવે ત્યાર બાદ અમેરિકન એમ્પ્લૉયરો પરદેશી નોકરિયાત માટે પિટિશન દાખલ કરતાં બે વાર વિચાર કરશે.
એમ્પ્લૉયમેન્ટ ઑથોરાઇઝેશનની અરજીના આજે ૪૧૦ ડૉલર છે એ વધારીને ૬૫૦ ડૉલર કરવામાં આવશે. આવી અરજી જો ઑનલાઇન કરવામાં આવશે તો એની ફી વધારીને ૫૫૫ ડૉલર કરવામાં આવશે.
ગ્રીન કાર્ડ માટે જે ઍડ્જસ્ટમેન્ટ ઑફ સ્ટેટસની અરજી કરવામાં આવે છે એની બાયોમેટ્રિક સર્વિસ સાથેની ફી આજે ૧,૨૨૫ ડૉલર છે એ વધારીને ૧,૫૪૦ ડૉલર કરવાનો અમેરિકાની સરકાર ઇરાદો ધરાવે છે. 
નૅચરલાઇઝેશન દ્વારા જેઓ અમેરિકન નાગરિક બનવાની અરજી કરવાનો ઇરાદો ધરાવે છે તેમણે હાલમાં ફાઇલિંગ-ફી તરીકે ૬૪૦ ડૉલર આપવાના રહે છે એ વધારીને ૭૬૦ ડૉલરની કરવાનો અમેરિકાની સરકારનો ઇરાદો છે. 

આ પણ વાંચો:પૃથ્વી પર આવનારા વિનાશક પ્રલયથી બચવા શ્રીમંતો બનાવી રહ્યા છે બંકર

અમેરિકાની સરકારનું કહેવું છે કે આ ફીવધારો જે અધધધ છે અને અમુક કિસ્સાઓમાં ૨૦૦ ટકાથી વધુ છે એ ઇમિગ્રેશન ખાતાના ખર્ચને પહોંચી વળવા માટે જરૂરી છે.
સૌથી વધુ ફીવધારો ઈબી-૫ પ્રોગ્રામ હેઠળ જે પરદેશી રોકાણકારો અમેરિકાના માન્ય કરેલા રીજનલ સેન્ટરમાં આઠ લાખ ડૉલરનું રોકાણ કરીને ગ્રીન કાર્ડ મેળવવા ઇચ્છે છે તેમને લાગુ પડશે. અત્યાર સુધી તેમણે ઈબી-૫ પ્રોગ્રામ હેઠળ પિટિશન દાખલ કરવા માટે ૩,૬૭૫ ડૉલર ફાઇલિંગ-ફી તરીકે આપવા પડતા હતા અને પિટિશન અપ્રુવ્ડ થાય પછી જે બે વર્ષની મુદતને ક​ન્ડિશનલ ગ્રીન કાર્ડ મળે એ પર્મનન્ટ કરવા માટે ૩,૮૩૫ ડૉલર આપવા પડતા હતા. એને બદલે આ પ્રપોઝલ મંજૂર થતાં તેમણે ૧૧,૧૬૦ ડૉલર એટલે ૨૦૪ ટકાનો વધારો અને ૯,૫૨૫ ડૉલર એટલે ૧૪૮ ટકાનો વધારો આપવાનો રહેશે.
ઈબી-૫ પ્રોગ્રામ હેઠળ રોકાણની રકમ જે પહેલાં ૫,૦૦,૦૦૦ ડૉલરની હતી એ વધારીને ૮,૦૦,૦૦૦ ડૉલરની કરવામાં આવી છે. આની સાથે જ રીજનલ સેન્ટર જે નૉન-રીફન્ડેબલ ૫૦,૦૦૦ ડૉલર ઍડ્મિનિસ્ટ્રેટિવ-ફી તરીકે લેતા હતા એ તેમણે વધારીને ૭૦,૦૦૦ ડૉલરની કરી નાખી છે. અમેરિકન ઍટર્નીઓએ તેમની ફી જે ૧૫,૦૦૦ ડૉલર હતી એ વધારીને ૨૫,૦૦૦ની કરી નાખી છે. હવે આ ફીવધારાને કારણે રીજનલ સેન્ટરો એમની ઍડ્મિનિસ્ટ્રેટિવ-ફી પણ વધારી નાખશે. અમેરિકાની ઍટર્નીઓ પણ તેમની ફી વધારી દેશે. આજની તારીખમાં એક સામાન્ય કન્સલ્ટેશન માટે અમેરિકન ઇમિગ્રેશન ઍટર્ની ૫૦૦ ડૉલર ફી તરીકે લે છે. હવેથી તેઓ તેમની આ ફીમાં પણ વધારો કરે તો નવાઈ નહીં.
મારું મંતવ્ય છે કે વિશ્વના બધા જ દેશોના લોકોને અને ખાસ કરીને ભારતના લોકોને અમેરિકાનું એટલું બધું આકર્ષણ છે કે આવો જંગી ફીવધારો અમેરિકાની સરકારનો તેમ જ અમેરિકાના ઇમિગ્રેશન ઍટર્નીઓનો હોવા છતાં પણ તેઓ અમેરિકા જતા અટકશે નહીં. ગુજરાતના અમુક લોકો તો હજારો રૂપિયા આપીને અમેરિકામાં ગેરકાયદે પ્રવેશવાની કોશિશ કરે છે. એ તક અને છતના દેશે જ્યારથી ક્રિસ્ટોફર કોલંબસે ઈ. સ. ૧૪૯૨માં એની ખોજ કરી ત્યારથી વિશ્વના બધા જ દેશોના લોકોને પોતાના પ્રત્યે આકર્ષ્યા છે. વીઝાનો આ ફીવધારો તેમ જ ઍટર્નીઓની ફીનો વધારો તેમને અમેરિકા જતા અટકાવશે નહીં.
વીઝાના આ ફીવધારો તેમ જ ઍટર્નીની ફીનો વધારો ભારતીયોની અમેરિકા જવાની ઇચ્છાઓને ડામી નહીં શકે. તાત્પૂરતો પ્રત્યાઘાત જરૂર પડશે, પણ પછી પરિસ્થિતિ યથાવત્ જ રહેશે અને ભારતીયો તેમનાં અમેરિકન સપનાં સાકાર કરવા માટે ગમે એટલી વીઝા-ફી અને ગમે એટલી ઍટર્નીની ફી આપતાં ખચકાશે નહીં.

mumbai news united states of america