26 January, 2025 03:02 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તહવ્વુર રાણા
મુંબઈમાં ૧૦ પાકિસ્તાની આતંકવાદીઓએ ૨૦૦૮ની ૨૬ નવેમ્બરે હુમલો કર્યો હતો એના આરોપી મૂળ પાકિસ્તાની અને કૅનેડાના નાગરિક તહવ્વુર રાણાની અમેરિકામાં ૨૦૦૯માં ધરપકડ કરવામાં આવી હતી. ૧૬ વર્ષથી રાણા અમેરિકાની જેલમાં બંધ છે. તેને ભારતને સોંપવા માટે ૨૦૧૯માં ભારત સરકારે અમેરિકાની સરકારને વિનંતી કરી હતી. અમેરિકાની સુપ્રીમ કોર્ટમાં આ મામલો ચાલી રહ્યો હતો. સુપ્રીમ કોર્ટે ગઈ કાલે ભારત સરકારની પ્રત્યાર્પણની માગણીને મંજૂરી આપી હતી એટલે ૬૩ વર્ષના આરોપી તહવ્વુર રાણાને ભારત લાવવા માટેનો રસ્તો સાફ થઈ ગયો છે.
મૂળ પાકિસ્તાનનો તહવ્વુર રાણા કૅનેડાનો બિઝનેસમૅન હતો. તેની માતા અમેરિકન અને પિતા પાકિસ્તાની છે. તેણે મુંબઈમાં કરવામાં આવેલા ૨૬/૧૧ના સૌથી મોટા આતંકવાદી હુમલામાં મોટી ભૂમિકા ભજવી હતી. આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા માટે કામ કરનારા અમેરિકાના નાગરિક ડેવિડ કોલમૅન હેડલી સાથે મળીને આ હુમલાનું કાતવરું તહવ્વુર રાણાએ ઘડ્યું હોવાનો આરોપ છે. પોતાની ઇમિગ્રેશન કંપનીના માધ્યમથી તહવ્વુર રાણાએ ભારતમાં જાસૂસી કરીને માહિતી મેળવી હતી જે આતંકવાદી સંગઠન અને પાકિસ્તાનની જાસૂસી સંસ્થા ISIને સોંપી હતી. આથી ૨૦૦૯માં અમેરિકામાંથી તહવ્વુર રાણાની ધરપકડ કરીને તેની ઉપર શિકાગોની કોર્ટમાં કેસ ચલાવવામાં આવ્યા બાદ તેને ૩૫ વર્ષની સજા કરવામાં આવી હતી.