26 December, 2022 10:36 AM IST | Mumbai | Samiullah Khan
અજિત પહેલવાન
૨૦૧૭માં ખાલી ખિસ્સા સાથે મુંબઈ આવી પહોંચેલા ૨૨ વર્ષના ક્રિકેટરે તેની ધગશથી સફળતાની કેડી કંડારી છે. પોતાનાં સપનાં સાકાર કરવા આ યુવકે રેલવે-સ્ટેશનનાં પ્લૅટફૉર્મ અને કન્સ્ટ્રક્શન સાઇટ્સ પર દિવસો વિતાવ્યા હતા. આજે અજિત પહેલવાન મુંબઈ ક્રિકેટ અસોસિએશન હેઠળ જુદી-જુદી ક્લબ માટે રમે છે અને તેની ગણના સ્ટાર ખેલાડીઓમાં થાય છે.
ઉત્તર પ્રદેશના જૌનપુરના રહેવાસી અજિત પહેલવાને ક્રિકેટર બનવા માટે ત્યાં થોડી ગડમથલ કરી, પણ નસીબે સાથ ન આપતાં તે દિલ્હી ગયો. ત્યાં પણ તક ન મળતાં આખરે એક મિત્રની સલાહથી ૨૦૧૭માં તે મુંબઈ આવી પહોંચ્યો. લેફ્ટ-હૅન્ડેડ બૅટ્સમૅન અને વિકેટકીપર અજિતે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘હું દિવસ દરમિયાન ફીલ્ડમાં પ્રૅક્ટિસ કરતો અને કન્સ્ટ્રક્શન સાઇટ કે મલાડ રેલવે સ્ટેશન પર જગ્યા મળે ત્યાં સૂઈ જતો. હું શૈલેશ ક્રિકેટ ઍકૅડેમી જઈ પહોંચ્યો. ત્યાં મને રમવાની તક મળી. એ પછી કોચે મને રોજ આવીને પ્રૅક્ટિસ કરવા જણાવ્યું. હું ફીલ્ડ પર પહોંચી જતો અને જે મળે એ ખાઈને પેટ ભરી લેતો.’
શૈલેશ ક્રિકેટ ઍકૅડેમીમાં ૧૬ વર્ષનો દાનિશ ચૌધરી તેનો ભાઈબંધ બની ગયો. અજિતે જણાવ્યું હતું કે ‘જ્યારે દાનિશને મારી સ્થિતિ વિશે જાણ થઈ ત્યારે તેણે તેના પિતા જાવેદ ચૌધરીને વાત કરી. જાવેદ સરે ૨૦૨૦માં કાંદિવલી વેસ્ટના એકતાનગરમાં આવેલી તેમની ઑફિસમાં રહેવા માટે મને જગ્યા કરી આપી. આશ્રય આપવાની સાથે તેમણે ભોજન અને આર્થિક સહાયની પણ ગોઠવણ કરી આપી. તેમના કારણે જ હું ખાસ કરીને કોરોનાકાળ દરમિયાન અહીં ટકી શક્યો.’
કારકિર્દી વિશે અજિત જણાવે છે, ‘મારા મિત્રોએ ૨૦૧૮માં મારા એમસીએ કાર્ડ માટેની ફી ભરવામાં મને મદદ કરી હતી. હું જુદી-જુદી ક્લબમાં રમવા લાગ્યો અને ૨૦૧૯માં અન્ડર-23 કૅમ્પ માટે પસંદ થયો.’
ત્યારથી અજિત કુર્લા બાપટ શીલ્ડ, શાલિની ભાલેકર ટ્રોફી અને કૉસ્મોપૉલિટન શીલ્ડ જેવી મહત્ત્વની ટુર્નામેન્ટ્સ રમી ચૂક્યો છે. કુર્લા બાપટ શીલ્ડ દરમિયાન તેણે બે મૅચમાં ૮૨ રન (૩૨ બૉલ) અને ૫૦ રન (૨૫ બૉલ) ફટકાર્યા હતા અને ધનરાજ પિલ્લેએ તેને મૅન ઑફ ધ મૅચ જાહેર કર્યો હતો.
ગયા અઠવાડિયે મુંબઈના નૅશનલ ક્રૉસ મેદાનમાં યોજાયેલી મૅચમાં અજિતે ૫૭ બૉલમાં ૧૩ ચોગ્ગા અને ૧૨ છગ્ગા સાથે ૧૪૭ રન ખડકી દીધા હતા, જેને કારણે તેની ટીમ હિન્દ સેવક ક્રિકેટ ક્લબ સામે જીતી ગઈ હતી.
તેના કોચ ઉમેશ પટવાલે જણાવ્યું હતું કે ‘અજિત ઓપનર છે અને વિકેટકીપર પણ છે. તે શીખવાની ક્ષમતા અને કાબેલિયત ધરાવે છે.’
ઉમેશ પટવાલ દસ વર્ષ સુધી અફઘાન નૅશનલ ક્રિકેટ ટીમના કોચ અને નેપાલ ક્રિકેટ ટીમના હેડ કોચ પણ રહી ચૂક્યા છે. અત્યારે તેઓ નેપાલમાં એવરેસ્ટ પ્રીમિયર લીગ માટેની ટીમનું કોચિંગ કરી રહ્યા છે.