ખાપ પંચાયત રદ તો થઈ ગઈ, પરંતુ દહેશત કાયમ

11 February, 2024 07:09 AM IST  |  Mumbai | Priti Khuman Thakur

અમુક ગ્રામજનો પાસેથી લીધેલી દંડની રકમ હજી સુધી પાછી આપવામાં નથી આવી અને ઉપરથી તેમના પર દાદાગીરી શરૂ કરવામાં આવી છે

જ્ઞાતિ પંચાયતના લોકોએ ઉમેશ વૈતીની રિક્ષાની તોડફોડ કરી હતી

વિરાર-વેસ્ટના ચિખલ ડોંગરી ગામમાં માંગેલા સમાજમાં ખાપ (જાતિ) પંચાયતની અનિચ્છનીય પ્રથા બંધ થઈ ગઈ હોવા છતાં ખાપ પંચાયતની દહેશત અને દાદાગીરી હજી ચાલુ જ છે. ખાપ પંચાયત દ્વારા વસૂલ કરવામાં આવેલા દંડની રકમ હજી સુધી કેટલાક ગ્રામજનોને પરત કરવામાં આવી નથી. દંડની રકમ પરત કરવાને બદલે પીડિત ગ્રામજનોને પરેશાન કરવાના પ્રકાર શરૂ થયા છે. આ બાબતે નારાજ પીડિત ગ્રામજનોએ અર્નાળા સાગરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

વિરારના ચિખલ ડોંગરી ગામમાં ખાપ પંચાયતનો મામલો સામે આવ્યો હતો. આ ગામમાં હિન્દુ માંગેલા સમુદાય રહે છે. એમાં આ ખાપ પંચાયતનો મુદ્દો તેમની વચ્ચે શરૂ થયો હતો. વિવિધ કારણોસર ગ્રામજનોને બહિષ્કૃત કરવામાં આવ્યા હતા અને સામાન્ય બાબતે પણ દંડ ફટકારવામાં આવતો હતો. આ મામલો પ્રકાશમાં આવ્યા બાદ ૧૭ લોકો સામે સામાજિક બહિષ્કાર કાયદા હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. વસઈના તહસીલદારે પણ આ બાબતે જાગૃતિ લાવવા માટે ગામમાં જનજાગૃતિ સભા યોજી હતી. ત્યાર બાદ જાહેરમાં માફી માગતાં ખાપ પંચાયત રદ કરવામાં આવી હતી તેમ જ જેમની પાસેથી દંડ વસૂલ કરવામાં આવ્યો હતો તેમને દંડની રકમ રીફન્ડ કરવાનું વચન આપવામાં આવ્યું હતું. જોકે ગામના ઉમેશ વૈતી પાસેથી ૭૦,૦૦૦ રૂપિયા અને દર્શન મહેર પાસેથી ૪૦,૦૦૦ રૂપિયા લીધેલો દંડ હજી સુધી પરત કરવામાં આવ્યો નથી. આ દંડની રકમ પાછી માગતાં તેમની સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં, તેમની રિક્ષા અને અન્ય વસ્તુઓનો નાશ કરવામાં આવ્યો હતો. એને કારણે ઉમેશ વૈતી અને દર્શન મહેરે અર્નાળા સાગરી પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી છે.

ગામની જ્ઞાતિ પંચાયત નાબૂદ થઈ છે એ ખૂબ જ આનંદની વાત છે, પરંતુ અમને દંડની રકમ પરત કરવાનું વચન આપવામાં આવ્યું હતું એ ત્રણ મહિના થવા આવ્યા છતાં હજી સુધી પૂરું થયું નથી એમ ફરિયાદી ઉમેશ વૈતીએ જણાવ્યું હતું. ગ્રામજનોએ પોલીસમાં ફરિયાદ નોંધાવ્યા બાદ ગામની જ્ઞાતિ પંચાયતના લોકોએ ઉમેશ વૈતીની રિક્ષાની તોડફોડ કરી હતી. ઉમેશ વૈતીએ કહ્યું હતું કે મેં પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, પરંતુ પોલીસે કોઈ કાર્યવાહી કરી નહોતી. અર્નાળા સાગરી પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર વિજય પાટીલે જણાવ્યું હતું કે અમને આ મામલે ફરિયાદ મળી છે અને અમે કાર્યવાહી કરી રહ્યા છીએ.

mumbai news mumbai virar