04 April, 2024 07:33 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે માતોશ્રીમાં ઉદ્ધવ ઠાકરે સાથે ઉન્મેશ પાટીલ (જમણે) અને કિરણ પવાર (ડાબેથી બીજા). તસવીર: શાદાબ ખાન
ભારતીય જનતા પાર્ટી (BJP)એ જલગાંવના વર્તમાન સંસદસભ્ય ઉન્મેશ પાટીલની ટિકિટ કાપીને સ્મિતા વાઘને ઉમેદવાર બનાવતાં નારાજ ઉન્મેશ પાટીલ BJPને રામ-રામ કરીને ઉદ્ધવ ઠાકરેની શિવસેના (UBT-ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)માં જોડાઈ ગયા છે. જોકે શિવસેના (UBT)એ તેમને બદલે જલગાંવની બેઠક પરથી કિરણ પવારને ઉમેદવારી આપી છે. તેઓ ઉન્મેશ પાટીલની સાથે જ ઉદ્વવ ઠાકરેની પાર્ટીમાં જોડાયા હતા. એવું કહેવાય છે કે કિરણ પવાર ઉન્મેશ પાટીલના કટ્ટર સમર્થક છે. ૨૦૧૯માં ઉન્મેશ પાટીલ BJPમાંથી આશરે ૪ લાખ મતની બહુમતીથી ચૂંટાયા હતા.
ઉન્મેશ પાટીલે શિવસેનામાં જોડાતી વખતે પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે ‘BJPમાં મારા કામની કદર થઈ નથી. એક ભાઈએ દગો આપ્યો હોવા છતાં બીજો ભાઈ શિવસેના મારી સાથે છે એવો વિશ્વાસ હોવાથી તેમની સાથે જોડાઈ રહ્યો છું.’
આ પ્રસંગે બોલતાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે ‘યુઝ ઍન્ડ થ્રો એ BJPની વૃત્તિ છે, પણ ઉન્મેશ પાટીલે પ્રવાહથી વિરુદ્ધનો માર્ગ સ્વીકાર્યો છે. જલગાંવ મતદાર સંઘ અમે BJP માટે છોડતા હતા, પણ હવે જલગાંવમાં ભગવો લહેરાશે એમાં કોઈ શંકા નથી.’