01 September, 2024 09:22 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
બોરીવલી-ઈસ્ટના દૌલતનગરમાં રહેતા ૭૦ વર્ષના રાજેશ ગાંધીને ATMમાંથી પૈસા કાઢવામાં મદદ કરવાના બહાને એક ગઠિયાએ ૪૦,૪૭૭ રૂપિયા તડફાવી લીધા હોવાની ફરિયાદ શુક્રવારે કસ્તુરબા માર્ગ પોલીસ-સ્ટેશનમાં નોંધાઈ છે. એસ. વી. રોડ પર બૅન્ક ઑફ બરોડાના ATM પાસે મળેલા યુવાને ડેબિટ કાર્ડની અદલાબદલી કરીને રાજેશભાઈના ડેબિટ કાર્ડનો પાસવર્ડ જાણ્યા બાદ પૈસા ઉપાડી લીધા હોવાનો આરોપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.
રાજેશભાઈએ શરૂઆતમાં બૅન્કના ATMમાંથી પૈસા કાઢવાનો પ્રયાસ કર્યો ત્યારે ATMના ડિસ્પ્લે પર ડિક્લાઇન્ડ લખેલો મેસેજ જોવા મળ્યો હતો એમ જણાવતાં કસ્તુરબા માર્ગ પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શુક્રવારે સાંજે રાજેશભાઈને પૈસાની જરૂર હોવાથી તેઓ એસ. વી. રોડ પરના બૅન્ક ઑફ બરોડાના ATMમાં પૈસા કઢાવવા ગયા હતા. તેમણે પોતાનું ડેબિટ કાર્ડ મશીનમાં નાખ્યું ત્યારે મશીનમાં ડિક્લાઇન્ડનો મેસેજ આવ્યો હતો. એ સમયે તેમની પાછળ ઊભેલા એક યુવાને હું મદદ કરું એમ કહી રાજેશભાઈનું કાર્ડ લઈ મશીનમાં નાખીને રાજેશભાઈને ડેબિટ કાર્ડનો પાસવર્ડ મશીનમાં નાખવા કહ્યું હતું. તે યુવાન મદદ કરતો હોવાનું જોઈને રાજેશભાઈએ તેની સામે જ પોતાનો પાસવર્ડ મશીનમાં નાખ્યો હતો, પરંતુ મશીનના ડિસ્પ્લે પર ફરી એ જ લખેલું દેખાઈ આવ્યું હતું. એટલે બાજુમાં ઊભેલો યુવાન રાજેશભાઈના હાથમાં કાર્ડ આપીને બહાર નીકળી ગયો હતો. જોકે થોડી વારમાં જ તેમની બૅન્કમાંથી પાંચ ટ્રાન્ઝૅક્શનમાં ૪૦,૪૭૭ રૂપિયા ઊપડી ગયા હોવાનો મેસેજ આવ્યો હતો એટલું જ નહીં, જે કાર્ડ તેમના હાથમાં હતું એ જિનલ પ્રસાદ નામની મહિલાનું હોવાની માહિતી મળી હતી. અંતે તેમણે અમારી પાસે આ ઘટનાની ફરિયાદ નોંધાવી હતી.’