30 October, 2024 06:52 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
યુનાઇટેડ સોસાયટીઝ ઑફ સાયનના રહેવાસીઓ વતી પ્રમિત મહેતાએ ઉમેદવારી નોંધાવી હતી.
સેન્ટ્રલ મુંબઈની સાયન-કોલીવાડા વિધાનસભા બેઠકમાં ૨૦૧૯ની જેમ આ વખતે પણ ભારતીય જનતા પાર્ટી (BJP)ના બે ટર્મથી વિજયી થયેલા વિધાનસભ્ય કૅપ્ટન તમિલ સેલ્વન અને કૉન્ગ્રેસના ગણેશકુમાર યાદવ સામસામે છે. જોકે મહાયુતિ અને મહા વિકાસ આઘાડીના ઉમેદવારો સામે સાયનની સોસાયટીઓમાં રહેતા રહેવાસીઓમાં જબરદસ્ત આક્રોશ છે એટલે તેમણે યુનાઇટેડ સોસાયટીઝ ઑફ સાયન નામનું સંગઠન બનાવીને પોતાનો ઉમેદવાર ઉતાર્યો છે. ગઈ કાલે આ સંગઠને સાયનમાં રહેતા પ્રમિત મહેતાની અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી હતી.
યુનાઇટેડ સોસાયટીઝ ઑફ સાયન સંગઠન ઊભું કરવાની સાથે સોશ્યલ-સિવિક ઍક્ટિવિસ્ટ પાયલ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સાયન-કોલીવાડા વિધાનસભા બેઠક છ વૉર્ડમાં વિભાજિત છે, જેમાં ચાર વૉર્ડમાં સાયન-કોલીવાડા અને બે વૉર્ડમાં અમારી સોસાયટીઓનો સમાવેશ છે. દરેક રાજકીય પાર્ટી કાયમ સ્લમના મતદારોને તમામ પ્રકારના લાભ આપે છે, પણ સોસાયટીની વાત આવે છે ત્યારે તેઓ બહુ ધ્યાન આપતા નથી. પહેલાંની વાત અલગ હતી. હવે સ્લમનું મોટા પાયે રીડેવલપમેન્ટ થઈ રહ્યું છે એટલે સ્લમની સામે હાઉસિંગ સોસાયટીમાં રહેતા લોકોની સમસ્યા વધી રહી છે. અમને લાગે છે કે બીજા કરતાં આપણી જ કોઈ વ્યક્તિ અહીંની સમસ્યા પર ધ્યાન આપીને ઉકેલ લાવી શકશે. આથી પ્રમિત મહેતાને અમારા વતી અપક્ષ ચૂંટણી લડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રમિત મહેતા અહીં વર્ષોથી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરે છે એટલે કાયમ બધાના સંપર્કમાં હોય છે. આથી બધાએ તેમને જ ઉમેદવાર બનાવવાનો આગ્રહ રાખ્યો હતો.’