19 March, 2023 08:02 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇન કરવાને બદલે હેલ્મેટ આપી રહેલા ટ્રાફિક ડિપાર્ટમેન્ટના અધિકારીઓ.
આ ઉપરાંત તેમના પરિવાર માટે તેમનું જીવન કેટલું મહત્ત્વનું છે એ વિશે કાઉન્સેલિંગ કરવામાં આવે છે
મુંબઈ-અમદાવાદ હાઇવે પર મોટરસાઇકલના અકસ્માતોમાં લોકોનાં થતાં મૃત્યુની સંખ્યામાં થઈ રહેલો વધારો અટકાવવા માટે પાલઘર જિલ્લાનો ટ્રાફિક ડિપાર્ટમેન્ટ નિયમનું ઉલ્લંઘન કરતા લોકોને બે ચૉઇસ આપી રહ્યો છે. એમાં પહેલી એ છે કે ૫૦૦ રૂપિયા વિધાઉટ હેલ્મેટનો ફાઇન ભરો અથવા ૩૦૦ રૂપિયાની હેલ્મેટ લો. બાઇકચાલકોને હેલ્મેટ આપવામાં આવ્યા બાદ તેમના પરિવાર માટે તેમનું જીવન કેટલું મહત્ત્વનું છે એ વિશે કાઉન્સેલિંગ કરવામાં આવે છે.
પાલઘર જિલ્લામાં ૨૦૨૨માં મોટરસાઇકલના ૨૬૫ અકસ્માતો થયા હતા જેમાં ૧૭૯ લોકોનાં મૃત્યુ થયાં હતાં અને ૧૪૩ લોકો જખમી થયા હતા. જાન્યુઆરી ૨૦૨૩માં ૨૮ અકસ્માતોમાં ૧૨ લોકોનાં મૃત્યુ થયાં હતાં અને ૧૭ લોકોને ઈજા થઈ હતી. ફેબ્રુઆરીમાં ૨૮ અકસ્માતોમાં ૧૭ લોકોનાં મૃત્યુ થયાં હતાં અને ૨૦ લોકોને ઈજા થઈ હતી. આ તમામ અકસ્માતોમાં મોટા ભાગનાં મોત માથામાં ઈજા થવાને કારણે થયાં હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. અકસ્માતમાં અને મૃત્યુની સંખ્યામાં ઘટાડો કરવા અને લોકોમાં જાગૃતિ લાવવા માટે પાલઘર પોલીસના એસપી બાળાસાહેબ પાટીલના પ્રયત્નોથી જિલ્લા ટ્રાફિક ડિપાર્ટમેન્ટ દ્વારા હેલ્મેટ વિના મુસાફરી કરતા લોકો પાસેથી ૫૦૦ રૂપિયાનો દંડ વસૂલ કરવાને બદલે માત્ર ૩૦૦ રૂપિયામાં હેલ્મેટ આપવામાં આવે છે. પાલઘર, મનોર, બોઈસર અને મુંબઈ-અમદાવાદ હાઇવેનાં મુખ્ય સ્થળો પર હેલ્મેટ વિનાના વાહનચાલકો સામે આ અભિયાન અમલમાં મુકાયું છે. ગઈ કાલે માત્ર એક દિવસમાં ૪૫ વાહનચાલકોને ફાઇન ન કરતાં હેલ્મેટ આપવામાં આવી હતી.
પાલઘર પોલીસના એસપી બાળાસાહેબ પાટીલએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પાલઘર વિભાગમાં મોટા ભાગના મોટરસાઇકલ અકસ્માતોમાં એવું જોવા મળ્યું હતું કે મૃત્યુ પામનાર વ્યક્તિને માથામાં ઈજા થવાને કારણે તેનું મૃત્યુ થયું છે. કેટલાક કિસ્સામાં એવું જોવા મળ્યું છે કે અકસ્માત પછી મૃત્યુ પામનાર વ્યક્તિનો આખો પરિવાર રખડી પડતો હોય છે. એ જોતાં અમે લોકોને ફાઇન ન કરતાં આઇએસઆઇ માર્કવાળી હેલ્મેટ જેની કિંમત ૭૦૦ રૂપિયા છે એ માત્ર ૩૦૦ રૂપિયામાં આપીએ છીએ. અમારી આ ડ્રાઇવ આવતા દિવસોમાં ચાલુ રાખવામાં આવશે. હેલ્મેટ ન પહેરતા લોકોનું અમારા તરફથી કાઉન્સેલિંગ પણ કરવામાં આવી રહ્યું છે.’
પાલઘર ટ્રાફિક ડિપાર્ટમેન્ટના સિનિયર અધિકારી આસિફ બેગે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ ડ્રાઇવ અમે ગઈ કાલથી શરૂ કરી છે. અમારા વિભાગના એક હેલ્મેટ વિક્રેતા સાથે અમે કો-ઑર્ડિનેટ કરીને તેની પાસેથી આઇએસઆઇ માર્કવાળી હેલ્મેટ ઓછા ભાવે લોકો માટે ઉપલબ્ધ કરાવી છે. આવનારા દિવસોમાં દરેક સ્થળે આવી કાર્યવાહી કરવામાં આવશે.’