ભીંડીબજારની વોટ-બૅન્ક ગુમાવવાના ડરથી રાહુલ ગાંધી અયોધ્યા ન ગયા

14 May, 2024 07:18 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભીંડીબજારની વોટ-બૅન્કના ડરથી અયોધ્યામાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠામાં સામેલ થવાનું આમંત્રણ આપવામાં આવ્યું હોવા છતાં રાહુલ ગાંધી નહોતા ગયા

અમિત શાહ (તસ્વીર: સૈયદ સમીર અબેદી)

મહાયુતિમાં સામેલ ભારતીય જનતા પાર્ટી (BJP)ના પાલઘર બેઠકના ઉમેદવાર ડૉ. હેમંત સાવરાના પ્રચાર માટે ગઈ કાલે વસઈમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની પ્રચારસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં અમિત શાહે રાહુલ ગાંધી, શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેને નિશાના પર લીધા હતા. અમિત શાહ શું-શું બોલ્યા એ જોઈએ...

ભીંડીબજારની વોટ-બૅન્કના ડરથી અયોધ્યામાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠામાં સામેલ થવાનું આમંત્રણ આપવામાં આવ્યું હોવા છતાં રાહુલ ગાંધી નહોતા ગયા. પાંચસો વર્ષથી લટકી રહેલા અયોધ્યાના રામમંદિરનો મામલો વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉકેલ્યો અને અહીં ભવ્ય રામમંદિરનું નિર્માણ કરીને લાંબા સમય સુધી ટેન્ટમાં રહેલા રામલલાની મૂર્તિની સ્થાપના કરી. અમારી સરકારે આ કામ કર્યું હોવા છતાં અમને વોટ-બૅન્કનો ડર નથી.

રાહુલ ગાંધી અને કૉન્ગ્રેસની સરકારે જમ્મુ-કાશ્મીરમાં કલમ ૩૭૦ હટાવવાનો વિરોધ કર્યો હતો. મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેએ કૉન્ગ્રેસ અને શરદ પવાર સાથે હાથ મિલાવ્યા છે તો ઉદ્ધવ ઠાકરેને સવાલ છે કે તેઓ કૉન્ગ્રેસના વલણ સાથે સંમત છે? આ સિવાય રાહુલ ગાંધી વારંવાર પ્રખર હિન્દુત્વવાદી સ્વતંત્રતાસેનાની વીર સાવરકરનું અપમાન કરે છે તો પોતાને હિન્દુત્વવાદી ગણાવતાઉદ્ધવ ઠાકરેને એ પણ મંજૂર છે? આ વિશે ઉદ્ધવ ઠાકરે કંઈ બોલશે? સનાતન ધર્મને ખતમ કરવાની વાત કરનારા સ્ટૅલિનની મહારાષ્ટ્રમાં સભાઓ કરવામાં આવી રહી છે. તેમની વાત સાથે પણ ઉદ્ધવ ઠાકરે સંમત છે?

વાયનાડના સંસદસભ્ય રાહુલ ગાંધીને લૉન્ચ કરવા કૉન્ગ્રેસે ૨૦ પ્રયાસ કર્યા છે. જેમનું લૉન્ચ અને રીલૉન્ચ ચાલી જ રહ્યું છે તે ચંદ્રાયન કેવી રીતે લૉન્ચ કરશે? રાહુલ ગાંધી કે તેમની સરકાર પાકિસ્તાનને એની ભાષામાં જવાબ આપી શકશે? તેઓ દેશમાંથી નક્સલવાદ અને આતકંવાદ ખતમ કરી શકશે? તેઓ ભારતને સમૃદ્ધ બનાવી શકશે?

વરસાદને લીધે મુખ્ય પ્રધાનના હેલિકૉપ્ટરનું ટાયર ફસાયું

વસઈની અમિત શાહની સભામાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. સભા પૂરી થઈ ત્યારે જ જોરદાર વરસાદ પડ્યો હતો. ખરાબ હવામાનને લીધે અમિત શાહ હેલિકૉપ્ટરને બદલે કારમાં મુંબઈ તરફ રવાના થયા હતા. બીજી તરફ વરસાદને લીધે જમીન ભીની થઈ જતાં મુખ્ય પ્રધાનના હેલિકૉપ્ટરનું ટાયર જમીનમાં ધસી ગયું હતું.

amit shah vasai Lok Sabha Election 2024 bharatiya janata party uddhav thackeray rahul gandhi sharad pawar