મહારાષ્ટ્રને બજેટમાં ઘણું મળ્યું છે, વિરોધ પક્ષો ખોટો નૅરે​ટિવ ન ફેલાવે : ફડણવીસ

24 July, 2024 02:06 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બજેટ બાદ શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે-UBT)ના આદિત્ય ઠાકરેએ કહ્યું હતું કે મહારાષ્ટ્ર દેશનું સૌથી વધારે ટૅક્સ આપતું રાજ્ય હોવા છતાં બજેટમાં એના ફાળે કંઈ ખાસ આવ્યું નથી

રાજ્યના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર દેવેન્દ્ર ફડણવીસ

બજેટની જાહેરાત થયા બાદ મહારાષ્ટ્રને આ બજેટમાં શું મળ્યું તો કહે ડિંગો એમ કહીને વિરોધ પક્ષોએ રીઍક્શન આપવા માંડતાં રાજ્યના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર દેવેન્દ્ર ફડણવીસે આ બાબતે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે ‘બજેટમાં મહારાષ્ટ્રને ઘણું બધું મળ્યું છે. વિરોધીઓ પહેલાં બજેટને ધ્યાનપૂર્વક જોઈ લે અને પછી રીઍક્શન આપે. આવો નેગેટિવ નૅરેટિવ ફેલાવવાની કંઈ જરૂર નથી.’ 
બજેટ બાદ શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે-UBT)ના આદિત્ય ઠાકરેએ કહ્યું હતું કે મહારાષ્ટ્ર દેશનું સૌથી વધારે ટૅક્સ આપતું રાજ્ય હોવા છતાં બજેટમાં એના ફાળે કંઈ ખાસ આવ્યું નથી.

આદિત્ય ઠાકરેના આ રીઍક્શન પછી દેવેન્દ્ર ફડણવીસે પત્રકાર-પરિષદ લઈને કહ્યું હતું કે ‘મહારાષ્ટ્રને મુંબઈ અર્બન ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ (MUTP) હેઠળ ૯૦૮ કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી છે જે મુંબઈના લોકલ રેલવે નેટવર્કને મજબૂત કરશે. મુંબઈ મેટ્રોને ૧૦૮૭ કરોડ રૂપિયા મળશે, જ્યારે મુંબઈ-દિલ્હી કૉરિડોર માટે ૪૯૯ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. મુંબઈ મેટ્રોપૉલિટન રીજનના ગ્રીન અર્બન ટ્રાન્સપોર્ટ માટે ૧૫૦ કરોડ રૂપિયા અને નાગપુર મેટ્રો માટે ૬૮૩ કરોડ રૂપિયાની રકમ ફાળવવામાં આવી છે. ૮૧૪ કરોડ રૂપિયા પુણે મેટ્રો અને પુણેની મૂળા અને મૂઠા નદી માટે ફાળવવામાં આવ્યા છે.’

કૉન્ગ્રેસના પી. ચિદમ્બરમ અને મહારાષ્ટ્રના વિરોધ પક્ષના નેતા વિજય વડેટ્ટીવારે એવો આક્ષેપ કર્યો હતો કે બજેટમાં રજૂ કરાયેલો ઍપ્રે​ન્ટિસશિપ પ્રોગ્રામ કૉન્ગ્રેસના ચૂંટણીઢંઢેરામાંથી લેવામાં આવ્યો છે. દેવેન્દ્ર ફડણવીસે એ વિશે કહ્યું હતું કે જો એવું હોય તો તેમણે બજેટને વખોડવું નહીં પણ વધાવવું જોઈએ. ફડણવીસે રાહુલ ગાંધીને પણ નિશાના પર લેતાં કહ્યું હતું કે ‘ચૂંટણી પહેલાં રાહુલ ગાંધીએ લોકોને કહ્યું હતું કે જો તેમની પાર્ટી ચૂંટણી જીતશે તો લોકોના અકાઉન્ટમાં દર વર્ષે એક લાખ રૂપિયા ‘ખટાખટ ખટાખટ’ જમા થશે. ઘણાં રાજ્યોમાં કૉન્ગ્રેસની સરકાર છે, પણ એ રાજ્યોની જનતાને આ સ્કીમ હેઠળ પૈસા આપવામાં આવ્યા હોય એવી માહિતી મળી નથી. તો એ ખટાખટ સ્કીમ ક્યાં છે?’

દેવેન્દ્ર ફડ‌ણવીસે કહ્યું હતું કે ‘હિમાચલ પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર નથી છતાં એને સારુંએવું ફન્ડ આપવામાં આવ્યું છે. મહારાષ્ટ્રને પણ પૂરતા પ્રમાણમાં ફન્ડ આપવામાં આવ્યું હોય ત્યારે બીજાં રાજ્યોને વધારે ફન્ડ મળ્યું એમ કહીને દુ:ખી થવાની જરૂર નથી.’ 

union budget devendra fadnavis maharashtra news aaditya thackeray shiv sena maharashtra mumbai mumbai news