સમૃદ્ધિ એક્સપ્રેસવે પાસે વન્યજીવો વધી રહ્યા છે

13 February, 2024 08:05 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કૅમેરા-ટ્રેપ-ક્રૉસિંગ સ્ટ્રક્ચરનો ઉપયોગ કરીને વિવિધ વન્યજીવોની પ્રજાતિઓને કરવામાં આવી કેદ

ઓવરપાસ અને અન્ડરપાસ પર કૅમેરા-ટ્રેપમાં કેદ થયેલાં જંગલી પ્રાણીઓ

એક તરફ નાગપુર અને સિન્નર વચ્ચેના સમૃદ્ધિ એક્સપ્રેસવે પર વન્યજીવોનાં મૃત્યુના કિસ્સા સામે આવ્યા છે તો બીજી તરફ એક્સપ્રેસવે સ્ટ્રેચ પર વાઇલ્ડલાઇફ અન્ડરપાસ અને ઓવરપાસ પર મૂકવામાં આવેલા કૅમેરા-ટ્રેપમાં વિવિધ વન્યજીવોની પ્રજાતિઓના પુરાવા પણ મળ્યા છે. વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (ડબ્લ્યુઆઇઆઇ)એ મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કૉર્પોરેશન સાથે એક વર્ષ સુધીના એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે અને આ વર્ષની શરૂઆતમાં ક્રૉસિંગ સ્ટ્રક્ચર્સ પર મૉનિટરિંગ અભ્યાસ શરૂ કર્યો છે. આ અભ્યાસનો હેતુ વાઇલ્ડલાઇફ ક્રૉસિંગના સંદર્ભમાં માળખાકીય અને પર્યાવરણીય પરિબળો અનુસાર આ માહિતીનું વિશ્લેષણ કરવાનો છે. મૉનિટરિંગ ટીમે ડબ્લ્યુઆઇઆઇમાં વાઇલ્ડલાઇફ ઓવરપાસ અને વાઇલ્ડલાઇફ અન્ડરપાસમાં ૬૪ કૅમેરા-ટ્રેપ ગોઠવ્યા હતા. તેમને મૉનિટરિંગના પ્રથમ મહિનામાં ક્રૉસિંગ સ્ટ્રક્ચર્સ દ્વારા નાનાં સસ્તન પ્રાણીઓ અને માંસાહારી સહિત વિવિધ વન્યજીવ પ્રજાતિઓ મળી આવી છે. એમાં નીલગાય, ચિંકારા અને જંગલી ડુક્કર જેવા અનગ્યુલેટ્સ, નાનાં સસ્તન પ્રાણીઓ જેવા કે ભારતીય સસલું, ઇન્ડિયન ક્રેસ્ટેડ પૉર્ક્યુપાઇન અને મૉન્ગૂસ તેમ જ ચિત્તા અને ગ્રે લંગૂર જેવાં કાર્નિવૉરનો સમાવેશ થાય છે.
સમૃદ્ધિ એક્સપ્રેસવે એ મહારાષ્ટ્રનો આર્થિક અને કૃષિ હબને જોડતો મહત્ત્વનો ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ છે. ૭૦૧ કિમીનો આ એક્સપ્રેસવે નાગપુર નજીકના સૂકાં પાનખર જંગલોથી શરૂ કરીને ત્રણ વૈવિધ્યસભર આવાસોમાંથી પસાર થાય છે. એક્સપ્રેસવે કોઈ પણ સંરક્ષિત વિસ્તારમાંથી પસાર થતો નથી. જોકે એ વાઘ કૉરિડોર અને ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ, ભારતીય વરુ, કાળિયાર અને ચિંકારા જેવી બહુવિધ પ્રજાતિઓનાં રહેઠાણોમાંથી પસાર થાય છે. એક્સપ્રેસવે પરના વન્યજીવન પરની સંભવિત અસરને ઓળખીને એમએસઆરડીસીએ આયોજન અને બાંધકામના પ્રારંભિક તબક્કા દરમ્યાન વાઇલ્ડલાઇફ-ફ્રેન્ડ્લી પગલાંને સંકલિત કર્યાં. વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (ડબ્લ્યુઆઇઆઇ) દ્વારા ઇકૉલૉજિકલ સ્ટડી હાથ ધરવામાં આવ્યો હતો, જેણે એક્સપ્રેસવે સાથેના મહત્ત્વના વાઇલ્ડલાઇફ ફોકસ એરિયા અને સાઇટ-સ્પેસિફિક મિટિગેશન મેસર્સને ઓળખવામાં મદદ કરી હતી, જે અનુમાનિત અસરોને ઘટાડવામાં મદદ કરશે.

એમએસઆરડીસીના વાઇસ ચૅરમૅન અને મૅનેજિંગ ડિરેક્ટર ડૉ. અનિલકુમાર ગાયકવાડે જણાવ્યું હતું કે એક્સપ્રેસવેના આયોજનના તબક્કા દરમ્યાન શમનનાં પગલાં સૂચવવા માટે અમે વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા સાથે સહયોગ કરીને ખૂબ જ ખુશ છીએ. હવે અમે આગામી પાંચ વર્ષ માટે અન્ડરપાસ અને ઓવરપાસની દેખરેખ રાખવા માટે ડબ્લ્યુઆઇઆઇ સાથે કૉલબરેશન કર્યું છે. અમે એવી માહિતી જનરેટ કરવાની આશા રાખીએ છીએ જે એક્સપ્રેસવે પર વન્યજીવોની કનેક્ટિવિટીને વધુ બહેતર બનાવવા માટે મહત્ત્વની હશે. અમે આ હાઇવેને પ્રદેશના લોકો તથા વન્યજીવો બન્ને માટે ઉપકારક બનાવવા પ્રતિબદ્ધ છીએ.’

mumbai news mumbai samruddhi expressway maharashtra news