વેસ્ટર્ન-સેન્ટ્રલ રેલવેનાં સ્ટેશનો બનશે ચકાચક

26 February, 2024 07:07 AM IST  |  Mumbai | Priti Khuman Thakur

આજે બપોરે ૧૨.૩૦ વાગ્યે વિડિયો કૉન્ફરન્સિંગ દ્વારા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ૪૧,૦૦૦ કરોડ રૂપિયાના ખર્ચે ભારતભરના ૨૦૦૦ રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન થશે.

માલાડ

ભારતને અત્યાધુનિક અને વિકાસના માર્ગે લઈ જવામાં ટ્રાન્સપોર્ટેશનનો મહત્ત્વનો ફાળો છે. એમાં રેલવે સરળની સાથે ઝડપી માર્ગ પણ છે એટલે એને વધુ અત્યાધુનિક બનાવવા માટે પીએમ અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ ૧૯,૦૦૦ કરોડ રૂપિયાથી વધુના ખર્ચે ૫૫૩ રેલવે સ્ટેશનોના પુનઃ વિકાસ માટે શિલાન્યાસ કરવામાં આવશે જેની પુરજોશમાં તૈયારીઓ કરવામાં આવી છે. દેશભરમાં ૨૧,૫૨૦ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનારા ૧૫૦૦ રોડઓવર બ્રિજ અને અન્ડરપાસનો પણ શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરવામાં આવશે. આજે બપોરે ૧૨.૩૦ વાગ્યે વિડિયો કૉન્ફરન્સિંગ દ્વારા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ૪૧,૦૦૦ કરોડ રૂપિયાના ખર્ચે ભારતભરના ૨૦૦૦ રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન થશે.

વેર્સ્ટન રેલવેનાં સ્ટેશનો
વેસ્ટર્ન રેલવેના મુંબઈ ઉપનગરીય વિભાગમાં અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ સ્ટેશનોના પુનઃ વિકાસમાં છ વિભાગોમાં ૬૬ સ્ટેશનોનો શિલાન્યાસ કરવામાં આવશે. એમાંથી ૪૬ સ્ટેશનો ગુજરાતમાં, ૧૧  મહારાષ્ટ્રમાં અને ૯ મધ્ય પ્રદેશમાં છે. મહારાષ્ટ્રનાં ૧૧ સ્ટેશનોમાંથી મુંબઈનાં મરીન લાઇન્સ, ચર્ની રોડ, ગ્રાન્ટ રોડ, લોઅર પરેલ, પ્રભાદેવી, જોગેશ્વરી, મલાડ અને પાલઘર એમ આઠ ઉપનગરીય સ્ટેશનોનો શિલાન્યાસ ૨૩૩ કરોડ રૂપિયાના ખર્ચે હાથ ધરવામાં આવશે. આ સ્ટેશનો પર કેવો વિકાસ થશે એના પર નજર નાખીએ.
મરીન લાઇન્સ : ૨૮ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. એમાં સર્વિસ બિલ્ડિંગ, એન્ટ્રી-એક્ઝિટ ગેટની સુધારણા, ફરતા વિસ્તારનું બ્યુટિફિકેશન, ફેન્સિંગમાં સુધારો, શૌચાલય બ્લૉક્સ અને ડ્રેનેજ સિસ્ટમમાં સુધારો, સ્ટ્રક્ચરલ સમારકામ અને છતનું રિપે​રિંગ, યોગ્ય બુકિંગ ઑફિસો, પીવાના પાણીની સુવિધા, બેઠક-વ્યવસ્થા, દિવ્યાંગજન સુવિધાઓનું અપગ્રેડેશન, પર્યાપ્ત પાર્કિંગ વિસ્તાર વગેરે સામેલ છે.

ચર્ની રોડ  : ૨૩ કરોડ રૂપિયા ખર્ચે વિકાસ થશે. એમાં એન્ટ્રી/એક્ઝિટ ગેટની સુધારણા, ફરતા વિસ્તારનું બ્યુટિફિકેશન, રોડ અને ફરતા વિસ્તારની સુધારણા, યોગ્ય બુકિંગ ઑફિસો, પીવાના પાણીની સુવિધા, બેઠક-વ્યવસ્થાની સુવિધા, દિવ્યાંગજન સુવિધાઓનું અપગ્રેડેશન, પાર્કિંગ વિસ્તાર વગેરે સામેલ છે.

ગ્રાન્ટ રોડ  : ૨૮ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. એમાં ફરતા વિસ્તારનું બ્યુ​ટિફિકેશન, પીએફ સર્ફેસિંગમાં સુધારો, શૌચાલય બ્લૉક્સ અને ડ્રેનેજ સિસ્ટમમાં સુધારો, ગ્રાન્ટ રોડ સ્ટેશન પર પૂર્વ બાજુએ સ્ટેશન પ્રવેશના હેરિટેજ બ્લૉકનું પુનઃસ્થાપન હાથ ધરવામાં આવશે. એમાં પથ્થરની સફાઈ, પોઇન્ટિંગ, લાઇન પ્લાસ્ટરિંગ, ડચમેન રિપેરિંગ અને મોનિયર ટાઇલ છતનો સમાવેશ થાય છે.

લોઅર પરેલ  : ૩૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. એમાં એન્ટ્રી-એક્ઝિટ ગેટની સુધારણા, અપ્રોચ રોડમાં સુધારો, શૌચાલય બ્લૉક્સ અને ડ્રેનેજ સિસ્ટમમાં સુધારો, દિવ્યાંગજન સુવિધાઓનું અપગ્રેડેશન વગેરે સામેલ છે.

પ્રભાદેવી  : ૨૧ કરોડ રૂપિયાના ખર્ચે વિકાસ કરવામાં આવશે. એમાં રોડ અને ફરતા વિસ્તારની સુધારણા, બુકિંગ ઑફિસો, પીવાના પાણીની સુવિધા, બેઠક-વ્યવસ્થા વગેરે સામેલ છે.

જોગેશ્વરી  : ૫૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. એમાં અપ્રોચ રોડમાં સુધારો, સ્ટ્રક્ચરલ સમારકામ, બુકિંગ ઑફિસો, પીવાના પાણીની સુવિધા, બેઠક-વ્યવસ્થા, લાઇટિંગ, દિવ્યાંગજન માટે સુવિધા વગેરે સામેલ છે.

મલાડ  : ૩૫ કરોડ રૂપિયાના ખર્ચે વિકાસ કરવામાં આવશે. એમાં ફરતા વિસ્તારનું બ્યુટિફિકેશન, શૌચાલય બ્લૉક્સ અને ડ્રેનેજ સિસ્ટમમાં સુધારો, યોગ્ય બુકિંગ ઑફિસો, પીવાના પાણીની સુવિધા, બેઠક-વ્યવસ્થા વગેરે સામેલ છે. મલાડમાં વધારાની સુવિધાઓ માટે બિનટિકિટ વિસ્તારની શોધખોળ કરવામાં આવશે.

પાલઘર  : ૧૮ કરોડ રૂપિયાના ખર્ચે વિકાસ કરવામાં આવશે. એમાં એન્ટ્રી-એક્ઝિટ ગેટની સુધારણા, ફેન્સિંગમાં સુધારો, પીએફ સર્ફેસિંગમાં સુધારો, શૌચાલય બ્લૉક્સ અને ડ્રેનેજ સિસ્ટમમાં સુધારો, બુકિંગ ઑફિસો, પીવાના પાણીની સુવિધા, બેઠક-વ્યવસ્થા, દિવ્યાંગજન સુવિધાઓનું અપગ્રેડેશન, પર્યાપ્ત પાર્કિંગ વિસ્તાર વગેરે સામેલ છે.

આ ઉપરાંત મરીન લાઇન્સ, ચર્ની રોડ, ગ્રાન્ટ રોડ, લોઅર પરેલ, પ્રભાદેવી, જોગેશ્વરી અને મલાડ સ્ટેશન પર ૧૨ મીટર પહોળા ફુટઓવર બ્રિજની જોગવાઈનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ કામની કિંમત આશરે ૮૫.૨૩ કરોડ રૂપિયાની છે, જે ઉપરોક્ત સ્ટેશનોના કુલ ખર્ચમાં સામેલ છે. આ ફુટઓવર બ્રિજ પ્રવાસીઓ માટે યોગ્ય બેઠક, છૂટક કિઓસ્ક વગેરે જેવી સુવિધાઓ સાથે રૂફ પ્લાઝા તરીકે સેવા આપશે.

સેન્ટ્રલ રેલવેનાં સ્ટેશનો
અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ સેન્ટ્રલ રેલવેનાં ૩૬ સ્ટેશનોમાં મુંબઈ ડિવિઝનનાં ૧૨ સ્ટેશનોનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારીને એમને પ્રવાસીઓ માટે અત્યાધુનિક બનાવાશે. આ વર્ષના બજેટમાં મહારાષ્ટ્રને ૧૫,૫૫૪ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે અને અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ ૫૬ સ્ટેશનોને વિશ્વકક્ષાનાં રેલવે સ્ટેશન તરીકે વિકસાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ૫૬ સ્ટેશનમાંથી સેન્ટ્રલ રેલવેના મુંબઈ ડિવિઝનનાં ૧૨ સ્ટેશનો એવાં છે જેમનો મોટા પાયે પરિવર્તન અને પુનઃ વિકાસ કરાશે. મુંબઈ વિભાગનાં ૧૨ રેલવે સ્ટેશનોમાં ભાયખલા, સૅન્ડહર્સ્ટ રોડ, ચિંચપોકલી, વડાલા રોડ, માટુંગા, કુર્લા, વિદ્યાવિહાર, મુમ્બ્રા, દિવા, શહાડ, ટિટવાલા અને ઇગતપુરીનો સમાવેશ છે. આમાંથી મહત્ત્વનાં સ્ટેશનો પર શું થશે એની મહત્ત્વની માહિતી જાણીએ.

ભાયખલા : એનો પ્રોજેક્ટખર્ચ આશરે ૩૫.૨૫ કરોડ રૂપિયા છે. એમાં હાલની પૂર્વ બાજુની જૂની બુકિંગ ઑફિસનું ડિમોલિશન અને નવી બુકિંગ ઑફિસનું બાંધકામ, ડિજિટલ ઍડ્વર્ટાઇઝિંગ સ્ક્રીન સાથે ફ્લોરિંગ અને એસીપી ક્લેડિંગ બદલવું, પ્લૅટફૉર્મ-નંબર ૧, ૨, ૩ અને ૪ પર પર શૌચાલયનું બાંધકામ અને પ્લૅટફૉર્મ નંબર-૧ પરના હાલના શૌચાલયને તોડી પાડવું, વેસ્ટ બાજુ કલ્યાણ છેડે બહુમાળી પાર્કિંગ સુવિધાનું નિર્માણ સામેલ છે.

સૅન્ડહર્સ્ટ રોડ : એનો પ્રોજેક્ટખર્ચ ૧૬.૩૭ કરોડ રૂપિયા છે. એમાં હાલની બુકિંગ ઑફિસનું નવીનીકરણ, સ્ટેશન બિલ્ડિંગ ઍક્સેસ માટે રૅમ્પનું નવીનીકરણ અને દિવ્યાંગજનો માટે રૅમ્પ પર કવર પૂરું પાડવું વગેરે સામેલ છે.

ચિંચપોકલી : ૧૧.૮૧ કરોડ રૂપિયા પ્રોજેક્ટખર્ચ સંભાવિત છે. એમાં હાલના પ્લૅટફૉર્મ પર ફ્લોરિંગ બદલવું, પ્લૅટફૉર્મ પરના તમામ પીવાના પાણીના ફાઉન્ટનનું સમારકામ કરવું, હાલની બુકિંગ ઑફિસનું સમારકામ, પૂર્વ અને પશ્ચિમ બાજુના પ્રવેશદ્વારનું નવીનીકરણ, એસટીપી સાથે વધારાના ગટર, ગંદા પાણી અને માટીના કચરાના જોડાણ દ્વારા સ્ટેશન વિસ્તારના ડ્રેનેજમાં સુધારો કરવો વગેરે સામેલ છે.

વડાલા રોડ : ૨૩.૦૨ કરોડ રૂપિયાના ખર્ચે પુનઃ વિકાસ કરાશે. એમાં વડાલા સ્ટેશન પર નવા ગેટનો પ્રસ્તાવ, એસીપી શીટ્સ સાથે બુકિંગ ઑફિસ અને વિખરાયેલી એલઈડી લાઇટો, હાલના જીઆરપી બિલ્ડિંગનું સમારકામ, બુકિંગ ઑફિસનું સમારકામ અને દિવ્યાંગ મૈત્રીપૂર્ણ સાથે નવા બુકિંગ કાઉન્ટરની દરખાસ્ત અને વધુ સંખ્યામાં એટીવીએમ મશીનોની દરખાસ્ત, પ્લૅટફૉર્મ પર અસ્તિત્વમાં રહેલા જૂના કવરને તોડી પાડવું અને નવું કરવું, પ્લૅટફૉર્મ પર હાલની ડ્રેનેજ પાઇપ બદલવી વગેરે સામેલ છે.

માટુંગા : ૧૭.૨૮ કરોડ રૂપિયાનો ખર્ચ કરાશે. એમાં પ્લૅટફૉર્મની સપાટીને વધારવી અને રીસર્ફેસ કરવી, સ્ટેશનમાં પ્રવેશ માટે ફુટપાથમાં સુધારો, કલાત્મક કમ્પાઉન્ડ વૉલની જોગવાઈ, કવર ઓવર પ્લૅટફૉર્મનું સમારકામ અને ફરીથી રંગકામ વગેરે સામેલ છે.

કુર્લા : ૨૧.૮૧ કરોડ રૂપિયા ખર્ચે પુનઃ વિકાસ કરાશે. એમાં દિવ્યાંગ-ફ્રેન્ડ્લી ટિકિટવિન્ડોની જોગવાઈ સાથે હાલની બુકિંગ ઑફિસનું સમારકામ, પ્લૅટફૉર્મ શીટ્સ પર જૂના કવરને બદલવું, પ્લૅટફૉર્મ સર્ફેસિંગનું સમારકામ, પૂર્વ બાજુએ નવા મુખ્ય પ્રવેશ/એક્ઝિટ ગેટનું બાંધકામ વગેરે સામેલ છે.

વિદ્યાવિહાર : ૩૨.૭૮ કરોડ રૂપિયાનો ખર્ચ કરાશે. એમાં મુંબઈ સીએસએમટી છેડે નવા ૬ મીટર પહોળા ફુટઓવર બ્રિજની જોગવાઈ, પરિભ્રમણ વિસ્તાર સુધારણા, જેમાં બુકિંગ ઑફિસોના સુધારાનો સમાવેશ, બે એસ્કેલેટરની જોગવાઈ, સ્ટેશનમાં કુલ પાંચ પ્રવેશદ્વારોને સુધારવાં, હાલના શૌચાલય અને રાહ જોવાની જગ્યાનું નવીનીકરણ કરવું વગેરે સામેલ છે.

mumbai news mumbai narendra modi western railway central railway mumbai transport mumbai trains