વિકી ગણાત્રા: મોબાઇલની દુકાનથી રાજકારણ અને આજે પોલીસ-કસ્ટડીમાં

08 February, 2024 07:27 AM IST  |  Mumbai | Mehul Jethva

વિધાનસભ્ય ગણપત ગાયકવાડના પોલીસ સ્ટેશનમાં ફાયરિંગના સનસનાટીભર્યા કેસમાં પકડાયેલા કચ્છી લોહાણા યુવાનની સફર જાણવા જેવી છે

પોલીસ સ્ટેશનમાં ફાયરિંગ થયું એનો સીસીટીવી કૅમેરાના ફુટેજનો ગ્રૅબ.

હિલલાઇન પોલીસ સ્ટેશનમાં ફાયરિંગ કરવાની ઘટના બાદ ​વિધાનસભ્ય ગણપત ગાયકવાડ સાથે છ લોકો સામે કેસ નોંધવામાં આવ્યો હતો. એમાં સંદીપ સરવણકર અને હર્ષલ કાણે સહિત ગણપત ગાયકવાડની ધરપકડ કરવામાં આવી હતી; જ્યારે ગણપત ગાયકવાડના પુત્ર વૈભવ ગાયકવાડ, વિકી ગણાત્રા, નાગેશ બડેકર ફરાર થઈ ગયા હતા. આવી સ્થિતિમાં હવે થાણેના ખંડણીવિરોધી વિભાગ પાસે ઉદ્યોગપતિ અને બીજેપીના કાર્યકર્તા વિકી ગણાત્રાએ મંગળવારે સરેન્ડર કર્યું છે. વધુ બે ફરાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચની વિવિધ ટીમો શોધ કરી રહી છે. ૩૭ વર્ષનો દિવ્યેશ ઉર્ફે વિકી ગણાત્રા મૂળ તો મોબાઈલની દુકાન ચલાવતો અને ત્યાંથી એ રાજકારણમાં આવ્યો હતો. કલ્યાણના સુરેન્દ્રનગરમાં પરિવાર સાથે રહેતો ૩૭ વર્ષનો વિકી ગણાત્રા કચ્છી લોહાણા જ્ઞાતિનો છે. તે વર્ષો પહેલાં મોબાઇલની દુકાનમાં નોકરી કરતો હતો. ત્યાર બાદ તેની ઓળખ મોટા નેતાઓ સાથે થતાં તેણે રાજકારણમાં ઝંપલાવ્યું હતું.

ક્રાઇમ બ્રાન્ચે આપેલી માહિતી અનુસાર હિલલાઇન પોલીસ સ્ટેશનમાં શુક્રવારે રાત્રે બનેલી ઘટનામાં ગણપત ગાયકવાડે કરેલા ફાયરિંગ સંબંધી છ લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. એમાં કલ્યાણના સુરેન્દ્રનગરમાં રહેતો ૩૭ વર્ષનો દિવ્યેશ ઉર્ફે વિકી ગણાત્રા ઘટનાસ્થળે હાજર હતો. દરમ્યાન પોલીસ સ્ટેશનનાં સીસીટીવી ફુટેજ જે વાઇરલ થયાં હતાં એમાં વિકી ગણપત ગાયકવાડ પાસે આવી તેની સાથે વાત કરતો હોવાનું જોવા મળ્યું હતું. ત્યાર બાદ ગણપત ગાયકવાડે હિલલાઇન પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટરની કૅબિનમાં મહેશ ગાયકવાડ પર ફાયરિંગ કર્યું હતું. આ ઘટના બાદ પોલીસે વિકી સહિત ચારની ધરપકડ કરી છે, જ્યારે બીજા બે લોકોની તપાસ હાથ ધરવામાં આવી છે.

થાણેના ખંડણીવિરોધી વિભાગના સિનિયર ઇન્સ્પેક્ટર શેખર બાંડગેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મંગળવારે અમારી ટીમે વિકીની ધરપકડ કરી છે. વધુ તપાસ માટે તેને ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવ્યો છે.

ulhasnagar mehul jethva bharatiya janata party Crime News mumbai crime news mumbai news mumbai maharashtra news maharashtra kutchi community gujarati community news gujaratis of mumbai