14 December, 2024 04:21 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઉદ્ધવ ઠાકરે
દાદરમાં રેલવેની હદમાં આવેલું ૮૦ વર્ષ જૂનું હનુમાનનું મંદિર તોડી પાડવાની રેલવેએ નોટિસ મોકલી હોવાથી હવે હિન્દુત્વના નામ પર બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ની ચૂંટણી લડવા માગતા ઉદ્ધવ ઠાકરેના હાથમાં મુદ્દો આવી ગયો છે અને એટલે જ તેમણે ગઈ કાલે પ્રેસ-કૉન્ફરન્સ કરીને આ મુદ્દા પર ભારતીય જનતા પાર્ટી (BJP)ને નિશાન બનાવી હતી. તેમણે કહ્યું હતું કે ‘દાદરમાં રેલવેએ ૮૦ વર્ષ જૂના હનુમાનના મંદિરને તોડી પાડવા માટે નોટિસ મોકલી છે એ વિશે દેવેન્દ્ર ફડણવીસ કેમ ચૂપ છે? એક હૈં તો સેફ હૈંનું શું થયું? મહાયુતિના રાજમાં મંદિરો પણ સલામત નથી.’
જોકે આના જવાબમાં BJPના નેતા પ્રસાદ લાડે કહ્યું હતું કે ‘હિન્દુઓનું કોઈ મંદિર તોડવામાં નહીં આવે. આ BJPનો શબ્દ છે.’
આ સિવાય ઉદ્ધવ ઠાકરેએ બંગલાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર બાબતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પણ ટીકા કરી હતી. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે મોદી યુક્રેનનું યુદ્ધ અટકાવી શકે છે તો બંગલાદેશમાં હિન્દુઓને બચાવવા માટે કેમ કંઈ નથી કરી રહ્યા? ભારતીય જનતા પાર્ટી (BJP)ના પ્રદેશાધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેએ ઉદ્ધવ ઠાકરેને જવાબ આપતાં કહ્યું હતું કે ‘વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરવાની ઉદ્ધવ ઠાકરેની લાયકાત નથી. કૉન્ગ્રેસના ખોળામાં બેસીને તેઓ હિન્દુત્વની વાત કરી રહ્યા છે. તેમનો હિન્દુત્વ પ્રત્યેનો પ્રેમ કેવો છે એ જનતાએ અઢી વર્ષમાં જોયો છે. પાલઘરમાં સાધુનો હત્યાકાંડ અને તમારી હિન્દુવિરોધી ભૂમિકા કોઈ ભૂલી નહીં શકે. BJP માટે હિન્દુત્વવાદ રાજકારણનો વિષય નથી. હિન્દુત્વ અમારી શ્રદ્ધા, પ્રાણ અને વિશ્વાસ છે. સત્તા માટે તમે હિન્દુ હૃદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરેનો પ્રખર હિન્દુત્વવાદી વિચાર છોડ્યો. આના પરથી જ તમારી હિન્દુઓ પ્રત્યેની નિષ્ઠા સમજાય છે.’