16 July, 2023 11:11 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
જેવી રીતે પોપટનો જીવ પીંજરામાં હોય છે એમ અમારા નેતૃત્વનો જીવ મુંબઈ મહાનગરપાલિકામાં હતો. એટલે દેવેન્દ્ર ફડણવીસે એક પળનોય વિચાર કર્યા વિના મારા એક શબ્દ પર મુંબઈ મહાનગરપાલિકામાં શિવસેનાને બિનવિરોધ મેયરપદ આપ્યું હતું. આમ કહીને મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ગઈ કાલે ઉદ્ધવ ઠાકરેની ટીકા કરી હતી.
શુક્રવારે કોલ્હાપુરમાં શિવસેનાના પદાધિકારીઓના એક કાર્યક્રમમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું હતું કે ‘ખરો યુતિ ધર્મ દેવેન્દ્ર ફડણવીસે બરાબર રીતે પાળ્યો છે. તેઓ ખરા નિષ્કલંક માણસ છે. ૨૦૧૯માં બીજેપી સાથેની યુતિ તોડીને બાળાસાહેબના નામને તમે કલંક લગાવ્યું હતું.’ આમ કહીને મુખ્ય પ્રધાને ઉદ્ધવ ઠાકરેએ દેવેન્દ્ર ફડણવીસને નાગપુરના કલંક હોવાનો જવાબ આપ્યો હતો.
મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ આગળ કહ્યું હતું કે ‘૨૦૧૪માં બીજેપી-શિવસેનાની યુતિ ન થવા પાછળનું કારણ ઉદ્ધવ ઠાકરેનો અવિશ્વાસ હતો. તેમણે કેવું વર્તન કર્યું હતું એનું આત્મપરીક્ષણ કરવું જોઈએ. મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીનું પરિણામ આવ્યું હતું ત્યારે બીજેપીએ મેયર બનાવવા માટેની તૈયારી કરી લીધી હતી. જોકે મેં દેવેન્દ્ર ફડણવીસને કહ્યું હતું કે જેમ પોપટનો જીવ ક્યાંક હોય છે એમ અમારા નેતાનો જીવ મહાપાલિકામાં છે. આથી શિવસેનાને બિનવિરોધ મેયર આપો. દેવેન્દ્ર ફડણવીસે મારા એક શબ્દ પર મુંબઈ મહાનગરપાલિકા શિવસેનાને આપી અને મેયરની ચૂંટણી નહોતા લડ્યા. આ વાત દેવેન્દ્ર ફડણવીસે અત્યાર સુધી કહી નથી. ૨૦૧૮માં તેઓ મુખ્ય પ્રધાન હતા ત્યારે એકનાથ શિંદે નાયબ મુખ્ય પ્રધાન બની શક્યા હોત, પણ ઉદ્ધવ ઠાકરેએ આવી ચર્ચા આગળ નહોતી વધારી. યુતિ ટકાવી રાખવા માટે ફડણવીસે ભરપૂર પ્રયાસ કર્યા હતા, પરંતુ તમે તેમના ૪૦થી ૫૦ ફોનના જવાબ નહોતા આપ્યા અને ૨૦૧૯માં યુતિ તોડી નાખી હતી. ત્યાર બાદ બાળાસાહેબના વિચારોને પડતા મૂકીને વિરોધીઓ સાથે સત્તા સ્થાપી.’
પહેલાં વિરોધ અને હવે પ્રશંસા
અજિત પવાર એનસીપીમાં બળવો કરીને રાજ્ય સરકારમાં સામેલ થયા. ત્યાર બાદ તેમને નાણાં ખાતું આપવામાં આવ્યું. મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને તેમના સહયોગી વિધાનસભ્યો દ્વારા અજિત પવારને નાણાં ખાતું આપવા સામે વિરોધ કરવામાં આવ્યો હતો. જોકે શુક્રવારે એનસીપીના નેતાઓને ખાતાની વહેંચણી કરવામાં આવ્યા બાદ હવે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ સૂર બદલ્યા છે. ગઈ કાલે મુખ્ય પ્રધાને કહ્યું હતું કે ‘અજિત પવારને બધા દબંગ નેતા કહે છે. તેઓ કડક હોવાનો દાવો કરાય છે, પણ એવું નથી. તેઓ બધાને સાથે લઈને ચલનારા નેતા છે. તેઓ સરકારમાં જોડાવાથી સરકારમાં સામેલ ત્રણેય પક્ષના વિધાનસભ્યોને અન્યાય ન થાય એની કાળજી તેઓ રાખશે.’ નાશિકમાં ‘સરકાર તમારા દ્વારે’ કાર્યક્રમમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ અજિત પવારની ભરપૂર પ્રશંસા કરી હતી અને તેઓ એક સારા નાણાપ્રધાન સાબિત થશે એવું કહ્યું હતું.
કાકીના ખબર લેવા સિલ્વર ઓક ગયો હતો : અજિત પવાર
કાકા શરદ પવાર સામે બળવો કરીને રાજ્ય સરકારમાં નાણાપ્રધાન બનેલા અજિત પવારે ગઈ કાલે અચાનક એનસીપી ચીફ શરદ પવારના મુંબઈના સત્તાવાર નિવાસસ્થાન સિલ્વર ઓક બંગલાની મુલાકાત લીધી હતી. અજિત પવારની આ મુલાકાતથી બધા ચોંકી ઊઠ્યા હતા. અજિત પવારે આ વિશે કહ્યું કે ‘કાકી પ્રતિભા પવારનું હાથનું ઑપરેશન થયું હતું. બપોરે તેમનું ઑપરેશન થયું ત્યારે હું બિઝી હતો એટલે તેમના ખબરઅંતર પૂછવા માટે જઈ નહોતો શક્યો. સુપ્રિયાને ફોન કર્યો તો તેણે કહ્યું કે પ્રતિભાઆઈ ઘરે આવી ગયાં છે. એટલે હું તેમને મળવા સિલ્વર ઓક બંગલે ગયો હતો. રાજકારણ રાજકારણના સ્થળે અને કુટુંબ કુટુંબના ઠેકાણે છે. ભારતીય સંસ્કૃતિમાં કુટુંબને વિશેષ મહત્ત્વ છે. પહેલાં દાદા-દાદી અને ત્યાર બાદ માતા-પિતા. કાકા-કાકીએ શીખવ્યું છે કે કામના સ્થળે કામ કરવાની સાથે કુટુંબને પણ સમય આપવો જોઈએ.’
ખાતાંની વહેંચણીની જેમ બધું સરળતાથી પાર પડશે
અજિત પવાર રાજ્ય સરકારમાં સામેલ થયા બાદ એકનાથ શિંદે જૂથમાં ભારે અસંતોષ થયો હોવાની અટકળો લગાવાતી હતી. સરકારમાં અજિત પવારને મહત્ત્વનાં ખાતાં ફાળવાશે તો શિંદે જૂથ હાંસિયામાં ધકેલાઈ જશે એવી વાતો થઈ રહી હતી. જોકે શુક્રવારે અજિત પવાર જૂથના ૯ પ્રધાનોને ખાતાંની વહેંચણી સર્વસંમતિથી કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. નાયબ મુખ્ય પ્રધાન અને બીજેપીના વરિષ્ઠ નેતા દેવેન્દ્ર ફડણવીસે ગઈ કાલે કહ્યું હતું કે ‘સરકારમાં સામેલ ત્રણેય પક્ષમાં કોઈ નારાજગી નથી. અમે બધું સર્વસંમતિથી કરીએ છીએ અને ખાતાંની વહેંચણી પણ એવી જ રીતે કરવામાં આવી છે. હવે પાલક પ્રધાન અને પ્રધાનમંડળના વિસ્તરણનો નિર્ણય પણ સૌને વિશ્વાસમાં રાખીને લેવામાં આવશે.’