ઉદ્ધવ ઠાકરે, છેલ્લાં ૨૫ વર્ષમાં મુંબઈ માટે તમે કરેલું એક સારું કાર્ય બતાવો

11 April, 2024 08:33 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દેવેન્દ્ર ફડણવીસે મુંબઈમાં ચૂંટણીપ્રચારનો શુભારંભ કરીને શિવસેનાને ફેંક્યો પડકાર

દેવેન્દ્ર ફડણવીસની ફાઇલ તસવીર

નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગઈ કાલે મુંબઈની છ લોકસભાની બેઠકો માટે નૅશનલ ડેમોક્રેટિક અલાયન્સ (NDA)ના ઉમેદવારો માટે ચૂંટણીપ્રચારનો વિધિવત્ આરંભ કરતાં મહાવિકાસ આઘાડી (MVA)ના સાથી પક્ષ શિવસેનાના ઉદ્ધવ ઠાકરેને પડકાર ફેંકતાં કહ્યું હતું કે તમે છેલ્લાં ૨૫ વર્ષમાં મુંબઈ મહાનગરપાલિકામાં કરેલા શાસનમાંથી મુંબઈગરા માટે કરેલું એક સારું કામ જણાવો.

મોદી સરકારના કામની પ્રશંસા કરતાં ફડણવીસે કહ્યું હતું કે ‘કેન્દ્રમાં મોદી સરકાર અને રાજ્યમાં મહાયુતિ સરકારે છેલ્લાં ૧૦ વર્ષમાં મુંબઈના સામાન્ય માનવીના જીવનમાં બદલાવ આવે એવાં કાર્યો કર્યાં છે. વિકાસનાં આ કામોથી લોકોને ફાયદો થયો છે. મોદી સરકાર થાક્યા વિના લોકોની ભલાઈનાં કામો કરે છે. લોકોએ ફરી નરેન્દ્ર મોદીને વડા પ્રધાનપદે ચૂંટી કાઢવા જોઈએ જેથી આગામી પાંચ વર્ષમાં મુંબઈનો સર્વાંગી વિકાસ થશે.’

મહાયુતિની સરખામણી ટ્રેન સાથે કરતાં ફડણવીસે કહ્યું હતું કે ‘મહાયુતિ ટ્રેન જેવી છે અને એમાં સામાન્ય માનવીને સમાવવા જગ્યા છે. આ ટ્રેન સર્વસમાવેશી છે અને એનું એન્જિન નરેન્દ્ર મોદી છે. બીજી તરફ MVA છે અને એના તમામ નેતા એવું માને છે કે તેઓ એન્જિન છે. આ ટ્રેન દિશાવિહીન છે.’

devendra fadnavis uddhav thackeray bharatiya janata party shiv sena mumbai mumbai news