23 July, 2024 02:50 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
ઉદ્ધવ ઠાકરેએ ધારાવીના રીડેવલપમેન્ટ બાબતે અદાણીની ટીકા કરી છે ત્યારે ગઈ કાલે શિવસેનાના પ્રવક્તા અને ભૂતપૂર્વ સંસદસભ્ય સંજય નિરુપમે ધારાવી રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ વિશે ઉદ્ધવ ઠાકરેને નિશાના પર લેતાં કહ્યું હતું કે ઉદ્વવ ઠાકરે બાળાસાહેબના શપથ લઈને કહે કે તેમણે અદાણી પાસેથી ફન્ડ લીધું છે કે નહીં? પ્રેસ-કૉન્ફરન્સમાં સંજય નિરુપમે કહ્યું હતું કે ‘જાન્યુઆરી ૨૦૧૯માં મહાયુતિની સરકાર હતી ત્યારે ધારાવી રીડેવલપમેન્ટ માટે અદાણીને બદલે દુબઈની સેકલિન્ક ટેક્નૉલૉજી કૉર્પોરેશન નામની કંપનીને ટેન્ડર ફાળવવામાં આવ્યું હતું. જોકે કેટલીક ટેક્નિકલ મુશ્કેલીને લીધે આ કંપનીએ ટેન્ડર પાછું લઈ લીધું હતું. ૨૦૨૦માં તત્કાલીન મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ સેકલિન્કનું ટેન્ડર રદ કર્યું હતું અને અદાણી માટે રસ્તો સાફ કર્યો હતો. કોના દબાણમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો એ ઉદ્વવ ઠાકરેએ કહેવું જોઈએ. મહાવિકાસ આઘાડીની સરકારે ધારાવી રીડેવલપમેન્ટ માટેની ટેન્ડરની શરત મુજબ જ મહાયુતિની સરકારે અદાણી કંપનીનું ટેન્ડર મંજૂર કર્યું છે. તો વિરોધ શેનો? લોકસભાની ચૂંટણી પહેલાં મોરચો કાઢવામાં આવ્યો હતો અને હવે વિધાનસભાની ચૂંટણી માથા પર છે ત્યારે ફરી અદાણી કંપની પાસેથી ભંડોળ મેળવવા માટે વિરોધ થઈ રહ્યો છે? ઉદ્વવ ઠાકરેએ જવાબ આપવો જોઈએ.’
ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રના નવા મોહમ્મદ જિન્નાહ : અમિત શાહ બાદ MNSના નેતાએ પણ કર્યા શાબ્દિક પ્રહાર
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે રવિવારે પુણેમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના અધિવેશનમાં ઉદ્ધવ ઠાકરેને ઔરંગઝેબ ફૅન ક્લબના લીડર કહ્યા હતા. આના સંદર્ભમાં ગઈ કાલે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના નેતા પ્રકાશ મહાજને કહ્યું હતું કે ‘ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રના નવા મોહમ્મદ જિન્નાહ છે. તેઓ મુસ્લિમ અને મુસ્લિમો તેમના પ્રેમમાં છે. તેમણે શંકરાચાર્યના પગ ધોયા બાદ પણ હવે હિન્દુઓ તેમની સાથે નહીં જાય. વિશાળગડ પ્રકરણમાં સંજય રાઉત કેમ કંઈ બોલ્યા નહીં? હવે તેમનું સવારનું માઇક બંધ થઈ ગયું?’