મહારાષ્ટ્ર દ્વારા ચૂકવવામાં આવેલી ટૅક્સની રકમના ૫૦ ટકા પાછા કરો: ઉદ્ધવ

13 February, 2024 07:43 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેમણે પૂછ્યું હતું કે ‘બાકીની રકમનું શું થશે? તમે કેવા પ્રકારની રેવડીઓ વહેંચો છો? મારું કહેવું છે કે મહારાષ્ટ્ર તમને ૧ રૂપિયો આપે છે, ત્યારે એનો અડધો ભાગ અમને રાજ્યના વિકાસ માટે પાછો આપો

ઉદ્ધવ ઠાકરે

શિવસેના (યુબીટી) પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું છે કે કેન્દ્રએ રાજ્યના વિકાસ માટે મહારાષ્ટ્રમાંથી એકત્ર કરાયેલા ભંડોળમાંથી ૫૦ ટકા રકમ ટૅક્સ તરીકે પરત કરવી જોઈએ. એક સ્થાનિક કાર્યક્રમમાં બોલતાં મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાને સમાન માગણીઓ માટે કર્ણાટક અને કેરલ જેવાં દક્ષિણ રાજ્યોએ નવી દિલ્હીમાં યોજેલી વિરોધ રેલીઓનો પણ ઉલ્લેખ કર્યો હતો.

ઉદ્ધવ ઠાકરેએ દાવો કર્યો હતો કે મહારાષ્ટ્ર ટૅક્સ તરીકે કેન્દ્રને એક રૂપિયો મોકલે છે ત્યારે એને માત્ર સાત પૈસા પાછા મળે છે. તેમણે પૂછ્યું હતું કે ‘બાકીની રકમનું શું થશે? તમે કેવા પ્રકારની રેવડીઓ વહેંચો છો? મારું કહેવું છે કે મહારાષ્ટ્ર તમને ૧ રૂપિયો આપે છે, ત્યારે એનો અડધો ભાગ અમને રાજ્યના વિકાસ માટે પાછો આપો. તમે અમારા રાજ્યને લૂંટી રહ્યા છો. જ્યારે અમે (ઇન્ડિયા ગ્રુપ) સત્તામાં આવીશું ત્યારે હું વર્તમાન ટૅક્સ-શૅરિંગ બદલવા પર ભાર મૂકીશ.’

૭ ફેબ્રુઆરીએ મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાની આગેવાની હેઠળ કર્ણાટકના ટોચના કૉન્ગ્રેસી નેતાઓએ નવી દિલ્હીમાં જંતર-મંતર ખાતે રાજ્યને કરવેરાના વિનિમયમાં થયેલા ‘અન્યાય’ વિશે કેન્દ્ર વિરુદ્ધ વિરોધ-પ્રદર્શન કર્યું હતું. 

mumbai news mumbai uddhav thackeray congress maharashtra news