22 May, 2023 10:04 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આશિષ શેલાર
દાદરના વસંત સ્મૃતિમાં ગઈ કાલે ભારતીય જનતા પાર્ટીના મુંબઈના બધા જ મુખ્ય નેતાઓની હાજરીમાં કમિટીની બેઠક મળી હતી. એમાં મુંબઈ બીજેપીના અધ્યક્ષ આશિષ શેલારે ઉદ્ધવ ઠાકરેની ટીકા કરતાં કહ્યું હતું કે ‘રાજ્યની જનતા છેલ્લાં ૨૫ વર્ષથી શિવસેનાને અને ઉદ્ધવ ઠાકરેને નકારતી આવી છે અને તેમને સત્તા આપી નહોતી. અમે તેમની સાથે હતા ત્યારે તેમને ઓછી બેઠકો મળવા છતાં સત્તાનો સ્વાદ માણ્યો હતો, કારણ કે અમે હિન્દુત્વ માટે તેમને સમર્થન આપતા હતા. જોકે હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. હવે થનારી બીએમસીની ચૂંટણીમાં ઉદ્ધવજીની શિવસેનાને ૫૦ જેટલી બેઠક પણ નહીં મળે.’
આશિષ શેલારે વધુમાં જણાવ્યું હતું કે ‘બીએમસીની ચૂંટણીનો જો વિચાર કરીએ તો ૧૯૯૭માં ઉદ્ધવજીની શિવસેનાના ૧૦૩ નગરસેવક હતા. એ પછી ૧૯૯૭-૨૦૦૨માં એ આકંડો ઘટીને ૯૭નો થયો. એ પછી ૨૦૧૨માં તો ઘટીને ૭૫ થઈ ગયા. ત્યાર બાદ ૨૦૧૭માં ૮૪ થયા. જોકે એ વખતે અમે સાથે હતા એથી એ આંકડો ત્યાં સુધી પહોંચ્યો હતો. નહીં તો એ ૬૦ પર જ અટકી ગયા હોત. એથી મારું અનુમાન છે કે હવે પછી ઉદ્ધવજીની શિવસેનાને બીએમસીમાં ૫૦ જેટલી બેઠકો પણ નહીં મળે. મુંબઈગરાઓને પ્રામાણિક લોકો જોઈએ છે, જ્યારે ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરેની શિવસેના પાકીટમાર છે. પાકીટમારનો ધંધો કરનારાઓએ બીએમસીને અને મહાવિકાસ આઘાડીના ચોરોએ મુંબઈને લૂંટ્યું છે. પ્રામાણિક કામ કરનારા વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની સાથે મુંબઈગરા ઊભા રહેશે એ વિશે મને કોઈ શંકા નથી.’