04 January, 2025 02:45 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
‘સામના’માં ની પ્રશંસા કરવામાં આવી
વિધાનસભાની ચૂંટણીમાં કારમા પરાજય બાદ ભારતીય જનતા પાર્ટી (BJP) પર આકરા પ્રહાર કરનારી ઉદ્ધવસેના અચાનક નરમ પડી છે. ઉદ્ધવસેનાના મુખપત્ર ‘સામના’માં ગઈ કાલે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની પ્રશંસા કરવામાં આવી હતી. મુખપત્રના અગ્રલેખમાં લખવામાં આવ્યું છે કે નક્સલવાદના જિલ્લાને બદલે ગડચિરોલીને પોલાદ સિટી તરીકેની નવી ઓળખ મુખ્ય પ્રધાન અપાવવાના હોય તો તેમનું સ્વાગત કરવું રહ્યું. ઉદ્ધવસેનાના રાજ્યસભાના સંસદસભ્ય અને મુખ્ય પ્રવક્તા સંજય રાઉતે કહ્યું હતું કે ‘સરકારે સારું કામ કર્યું છે એટલે અમે દેવેન્દ્ર ફડણવીસની પ્રશંસા કરી છે. ગડચિરોલીમાં નક્સલવાદીઓએ આત્મસમર્પણ કરીને બંધારણીય માર્ગ અપનાવ્યો છે એનું સ્વાગત છે. ગડચિરોલી જિલ્લાના અગાઉના પાલક પ્રધાન આ કામ કરી શક્યા હોત, પણ તેમણે વિકાસને બદલે વસૂલી કરી જેને લીધે નક્સલવાદ વધ્યો. અમે દેવેન્દ્ર ફડણવીસ સાથે કામ કર્યું છે અને એ સંબંધ કાયમ રાખ્યો છે, પણ અમે વિરોધ પક્ષમાં છીએ એટલે મુદ્દા ઉઠાવતા રહીશું.’
ઉલ્લેખનીય છે કે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ નવા વર્ષના પહેલા દિવસે ગડચિરોલીમાં રહ્યા હતા. આ સમયે ૧૧ નક્સલવાદીઓએ હથિયારનો ત્યાગ કરીને ભારતના બંધારણનો સ્વીકાર કર્યો હતો. આ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દેવેન્દ્ર ફડણવીસની પીઠ થાબડી છે.