19 June, 2023 09:31 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઉદ્ધવ ઠાકરે જૂથનાં પ્રવક્તા અને વિધાન પરિષદનાં સભ્ય મનીષા કાયંદેએ ગઈ કાલે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે જૂથમાં પ્રવેશ કર્યો હતો.
આજે શિવસેનાનો સ્થાપના દિવસ છે એની પૂર્વસંધ્યાએ ઉદ્ધવ ઠાકરે જૂથમાં ફરી ભંગાણ થયું હતું. વિધાન પરિષદનાં સભ્ય મનીષા કાયંદે થાણેમાં આનંદ આશ્રમમાં જઈને એકનાથ શિંદેની હાજરીમાં શિવસેનામાં પ્રવેશ કર્યો હતો. એકનાથ શિંદેએ તેમનું સ્વાગત કર્યું હતું. મનીષા કાયંદેએ આ સમયે કહ્યું હતું કે ઉદ્ધવ ઠાકરે પક્ષના કોઈ નેતાનું સાંભળતા નથી અને દરરોજ સવારે કૉન્ગ્રેસ અને એનસીપીનો એજન્ડા ચલાવી રહ્યા છે. આ પોતાને પસંદ નથી અને પોતે બાળાસાહેબ ઠાકરેના વિચારને આગળ લઈ જવાનું કામ કરવા માગે છે એટલે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નેતૃત્વમાં બાળાસાહેબની શિવસેનામાં આવ્યા છે. ઉદ્ધવ ઠાકરે જૂથે કચરો જઈ રહ્યો છે એને જવા દેવાનું કહ્યું છે તેના જવાબમાં મનીષા કાયદેએ કહ્યું હતું કે કચરામાંથી જ આજકાલ વીજળી અને ઉર્જા બને છે. હવે તેઓ બાળાસાહેબ ઠાકરેના વિચારને આગળ લઈ જવાનું કામ કરનારા એકનાથ શિંદે સાથે ખભેખભો મીલાવીને યુવાનો અને મહિલાઓના ઉદ્ધારનો કાર્યક્રમ આગળ વધારશે.
ગયા વર્ષે એકનાથ શિંદે સહિતના શિવસેનાના ૪૦ વિધાનસભ્યોએ ઉદ્ધવ ઠાકરે સામે બળવો કર્યો હતો. ત્યાર બાદ હવે ઉદ્ધવ ઠાકરે સાથેનાં વિધાન પરિષદનાં સભ્ય મનીષા કાયંદેએ પણ એકનાથ શિંદે જૂથમાં સામેલ થવાનો નિર્ણય લીધો હતો અને ગઈ કાલે સવારથી તેમનો મોબાઇલ ફોન નૉટ રીચેબલ થઈ ગયો હતો.
મનીષા કાયંદે અને મુંબઈના શિવસેનાના ત્રણ નગરસેવકો એકનાથ શિંદેમાં સામેલ થવા વિશે ઉદ્ધવ ઠાકરે જૂથના રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે કહ્યું હતું કે ‘પક્ષપલટો કરનારા લોકો કચરો છે. હવાના ઝોકાથી કચરો આમતેમ ઊડે. હવાની દિશા બદલાશે ત્યારે તેઓ અમારી તરફ પણ આવશે. આ લોકો મહાન નથી. તેમને જ્યાં જવું હોય ત્યાં જવા દો.’
જીવનનાં ચાર વર્ષ વેડફાયાં
આજે શિવસેનાનો સ્થાપના દિવસ છે એની પૂર્વસંધ્યાએ ભાંડુપના શિવસેનાના ભૂતપૂર્વ વિધાનસભ્ય અને અત્યારે ઠાકરે જૂથના નેતા શિશિર શિંદેએ પોતાના પદ પરથી રાજીનામું આપતો પત્ર ઉદ્ધવ ઠાકરેને લખ્યો હતો. આ પત્રમાં તેમણે લખ્યું છે કે ‘૨૦૧૮ની ૧૯ જૂને મેં ફરી શિવસેનામાં પ્રવેશ કર્યો હતો. એ પછીનાં ચાર વર્ષમાં મને કોઈ પણ જવાબદારી નથી અપાઈ. શોભાનું પદ આપવાથી કાર્યકર કે નેતાનું મનોબળ તૂટી જાય છે. તમને મળવા માટે છ મહિનાથી પ્રયાસ કરું છું, પણ સમય નથી અપાતો. આથી મને લાગી રહ્યું છે કે મારા જીવનનાં અમૂલ્ય ચાર વર્ષ ફોકટ ગયાં. હું શિવસેનાના ઉપનેતાપદેથી રાજીનામું આપું છું. મારા કોઈ પણ કામથી શિવસેનાની બદનામી નથી થઈ.’
ઉલ્લેખનીય છે કે રાજ ઠાકરેએ શિવસેના છોડીને એમએનએસની સ્થાપના કરી હતી ત્યારે શિશિર શિંદે તેમની સાથે ગયા હતા અને ૨૦૦૯ની વિધાનસભા ચૂંટણીમાં તેઓ ભાંડુપમાંથી ચૂંટાઈ આવ્યા હતા. જોકે ૨૦૧૪ની ચૂંટણીમાં તેમનો પરાજય થયો હતો અને ૨૦૧૮માં તેઓ શિવસેનામાં પાછા ફર્યા હતા. એકનાથ શિંદેએ ગયા વર્ષે બળવો કર્યો ત્યાર બાદ ઉદ્ધવ ઠાકરેએ તેમની ઉપનેતાપદે નિયુક્તિ કરી હતી.
સુબહ કા ભૂલા શામ કો વાપસ આયા
કૉન્ગ્રેસમાંથી સસ્પેન્ડ કરવામાં આવેલા નાગપુરના ભૂતપૂર્વ વિધાનસભ્ય આશિષ દેશમુખે ગઈ કાલે ફરી બીજેપીમાં પ્રવેશ કર્યો હતો. બીજેપીમાં પ્રવેશ બાદ આશિષ દેશમુખે કહ્યું હતું કે ‘સુબહ કા ભૂલા શામ કો વાપસ આયે તો ઉસે ભુલા નહીં કહતે. બીજેપી છોડવાની ભૂલનું મને દુઃખ છે. હવે ફરી બીજેપીમાં આવવાનો આનંદ છે. ઓબીસી બાબતે માફી માગવાની માગણી મેં કરી હતી એટલે મને કૉન્ગ્રેસે સસ્પેન્ડ કર્યો. કૉન્ગ્રેસે અગાઉ રાફેલ બાબતે માફી માગી હતી. મંડલ કશિનનનો કૉન્ગ્રેસ અને ગાંધી પરિવારે વિરોધ કર્યો હતો. આથી કૉન્ગ્રેસની નીતિ ઓબીસીવિરોધી છે. રાહુલ ગાંધીએ પણ માફી માગી હોત તો આજે તેમનું સાંસદપદ ન જાત. કૉન્ગ્રેસ હવે બુઢ્ઢી થઈ ગઈ છે, જર્જરિત થઈ ગઈ છે, પર્ફોર્મન્સ નથી રહ્યો. એની સામે બીજેપીમાં પારિવારિક વાતાવરણ છે. ૨૦૨૪માં હું કોઈ પણ ચૂંટણી નહીં લડું તથા ઓબીસી અને વિદર્ભ માટે કામ કરીશ. કટોલમાંથી કાકાગીરી, સાવનેરમાંથી દાદાગીરી અને વિદર્ભની નાનાગીરી ખતમ કરવાનું કામ હાથમાં લઈશ. અહીંથી બીજેપી જેને ઉમેદવારી આપશે તેને વિજયી બનાવવાના તમામ પ્રયાસ કરીશ.’
અજિત પવારે ધનુષબાણ પકડીને ક્યાં નિશાન તાક્યું?
રાજ્યના વિરોધ પક્ષના નેતા અજિત પવારને એનસીપીમાં શરદ પવારે હાંસિયામાં મૂકી દીધા છે ત્યારે ગઈ કાલે બારામતીમાં હૅપી સ્ટ્રીટ કાર્યક્રમમાં સામેલ થયા બાદ અજિત પવારે ધનુષબાણ હાથમાં લઈને નિશાન તાક્યું હતું. આથી અજિત પવારે કોના પર આ નિશાન તાક્યું છે એની ચર્ચા શરૂ થઈ છે. અજિત પવાર રાજ્યના રાજકારણમાં મોટું નામ છે અને અત્યારે તેમને શરદ પવારે પક્ષમાં કોઈ મહત્ત્વનું પદ આપ્યું નથી ત્યારે આ મરાઠા નેતાને પોતાના પક્ષે કરવા માટે બીજેપી દ્વારા પ્રયાસ કરાઈ રહ્યા છે.
૨૦ જૂને વિશ્વ ખોખા દિવસ ઊજવાશે
એકનાથ શિંદે જૂથ પર આકરી ટીકા કરતાં આદિત્ય ઠાકરેએ ગઈ કાલે કહ્યું હતું કે ‘રાજ્યમાં કેટલાક લોકો એવા છે જેઓ બીજાના પિતાની ચોરી કરનારા છે. બીજાના પિતાની સાથે પોતાનો ફોટો લગાવીને પોતાની રાજકીય કરીઅર કેવી રીતે આગળ વધારી શકાય છે એ આ લોકો જાણે છે. આજે સારો દિવસ છે. આજે કોઈ પણ તેમનું નામ ન લે. જોકે એક વર્ષ પહેલાં જ્યારે શિવસેનામાં ગદ્દારી થઈ ત્યારે મારા પિતાનો ફોટો અને નામ લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે મારા પિતાએ બતાવી દીધું છે કે તેઓ કોણ છે. મારા દાદાના આશીર્વાદથી ટૂંક સમયમાં જ બધું સ્પષ્ટ થઈ જશે. ૧૯ જૂને શિવસેનાનો સ્થાપના દિવસ છે, પણ કેટલાક લોકોએ આજે ટ્વીટ કરી છે. ૨૦ જૂન સૌથી મહત્ત્વનો દિવસ છે. આ દિવસને વિશ્વ ખોખા દિવસ તરીકે ઊજવવો જોઈએ, કારણ કે આ બળવાની નોંધ વિશ્વના ૩૩ દેશોએ લીધી હતી.’