હું આવતી કાલથી ગૉગલ્સ પહેરીને આવું કે?

28 June, 2024 03:07 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કોણ કોને આંખ મારે છે એવું પુછાતાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું...

ઉદ્ધવ-ફડણવીસ એક લિફ્ટમાં

મહારાષ્ટ્ર સરકારનું મુંબઈમાં ગઈ કાલે છેલ્લું સત્ર શરૂ થયું ત્યારે વિધાનભવનમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના વ​રિષ્ઠ નેતા ચંદ્રકાંત પાટીલ અને ઉદ્ધવ ઠાકરેની મુલાકાતઅંબાદાસ દાનવેની કૅબિનમાં થઈ હતી. ઉદ્ધવ ઠાકરેએ ચંદ્રકાંત પાટીલને પેંડો ખવડાવીને મોઢું મીઠું કરાવ્યું હતું. આ મુલાકાત બાદ ઉદ્ધવ ઠાકરે અંબાદાસ દાનવેની કૅબિનમાંથી બહાર નીકળ્યા ત્યારે પત્રકારોએ તેમની પ્રતિક્રિયા જાણવાનો પ્રયાસ કર્યો હતો. એક પત્રકારે કહ્યું હતું કે કોણ કોને આંખ મારે છે એ ખબર પડવી જોઈએ. આ સાંભળીને ઉદ્ધવ ઠાકરેએ મશ્કરીમાં કહ્યું હતું કે હું આવતી કાલથી ગૉગલ્સ પહેરીને આવું કે? તેમના જવાબથી બધા હસી પડ્યા હતા.

ઉલ્લેખનીય છે કે ચંદ્રકાંત પાટીલ મોટી કૅડબરી લઈને રાવસાહેબ દાનવેની કૅબિનમાં ગયા ત્યારે તેમણે ઉદ્ધવ ઠાકરે જૂથના વિધાન પરિષદના મુંબઈ ગ્રૅજ્યુએટ્સ કૉન્સ્ટિટ્યુઅન્સીના ઉમેદવાર અનિલ પરબને ઍડ્વાન્સમાં અભિનંદન પણ આપ્યાં હતાં. ચંદ્રકાંત પાટીલની આ મુલાકાતથી જાત-જાતની ચર્ચા શરૂ થઈ હતી.

ઉદ્ધવ-ફડણવીસ એક લિફ્ટમાં

વિધાનભવનમાં ગઈ કાલે દેવેન્દ્ર ફડણવીસ અને ઉદ્ધવ ઠાકરે પહોંચ્યા ત્યારે એક લિફ્ટમાં બન્ને નેતા સાથે થઈ ગયા હતા. બન્ને નેતા લિફ્ટની રાહ જોઈને ઊભા હતા ત્યારે તેમની વચ્ચે કેટલીક વાતચીત પણ થઈ હતી. ઉદ્ધવ ઠાકરેએ દેવેન્દ્ર ફડણવીસની લોકસભાની ચૂંટણીમાં ખૂબ ટીકા કરી હતી એટલે લાગતું હતું કે દેવેન્દ્ર ફડણવીસ ઉદ્ધવ ઠાકરે સાથે વાત નહીં કરે. જોકે તેમણે હસતા ચહેરે ઉદ્ધવ ઠાકરે સાથે વાત કરી હતી.

ઉદ્ધવ ઠાકરે દેવેન્દ્ર ફડણવીસ સાથે લિફ્ટમાં જતાં જાત-જાતની ચર્ચા શરૂ થઈ હતી. આ વિશે ઉદ્ધવ ઠાકરેએ બાદમાં કહ્યું હતું કે ‘લોકોને ‘ના ના કરતે પ્યાર તુમ્હીં સે કર બૈઠે’ ગીત યાદ આવી રહ્યું હશે, પણ એવું કંઈ નથી થયું. લિફ્ટને કાન નથી હોતા એટલે આવી રીતે મુલાકાત થવી સારી વાત છે. અચાનક આ મુલાકાત થઈ હતી એટલે એનો કોઈ અર્થ ન કાઢવો જોઈએ.’

shiv sena uddhav thackeray maha vikas aghadi bharatiya janata party devendra fadnavis maharashtra news maharashtra mumbai mumbai news