18 December, 2024 07:15 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે નાગપુરમાં ઉદ્ધવ ઠાકરે અને દેવેન્દ્ર ફડણવીસ.
વિધાનસભાના સત્ર માટે નાગપુર પહોંચેલા રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે ગઈ કાલે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને મળવા પહોંચી જતાં રાજકીય ચર્ચાએ જોર પકડ્યું હતું. જોકે બન્ને પક્ષ તરફથી આને શુભેચ્છા મુલાકાત હોવાનું કહેવામાં આવી રહ્યું છે. પંદર મિનિટ ચાલેલી આ મુલાકાત વખતે ઉદ્ધવ ઠાકરેની સાથે આદિત્ય ઠાકરે, પાર્ટીના નેતા અને વિધાન પરિષદના સભ્ય અનિલ પરબ તેમ જ પાર્ટીના બાંદરા-ઈસ્ટના વિધાનસભ્ય વરુણ સરદેસાઈ પણ હતા.
આ મીટિંગ વિશે ઉદ્ધવસેનાનાં પ્રવક્તા સુષમા અંધારેએ કહ્યું હતું કે ‘ઉદ્ધવ ઠાકરે ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતાને નહીં પણ રાજ્યના મુખ્ય પ્રધાનને મળવા ગયા હતા. પરભણી અને બીડમાં થયેલી હત્યાને લીધે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાનો પ્રશ્ન નિર્માણ થયો હોવાથી સરકારે નક્કર પગલાં લેવાં જોઈએ એવી માગણી સાથે ઉદ્ધવ ઠાકરે તેમને મળ્યા હોવા જોઈએ.’
એકનાથ શિંદેની શિવસેનાના નેતા અને રાજ્યના કૅબિનેટ પ્રધાન સંજય શિરસાટે બન્ને નેતાઓની મુલાકાત વિશે કહ્યું હતું કે ‘ઉદ્ધવ ઠાકરેએ સમજદારી બતાવી એ પ્રશંસનીય કહેવાય. આવી જ સમજદારી જો તેમણે પહેલાં પણ બતાવી હોત તો આજે રાજ્યમાં જુદું જ રાજકીય ચિત્ર હોત. રાજકારણમાં બધાએ સંભાળીને રહેવું જોઈએ એ વાત કદાચ તેમને હવે સમજાઈ ગઈ હોય એવું લાગે છે.’