ઉદ્ધવ ઠાકરેની દેવેન્દ્ર ફડણવીસને ચેતવણી, સામે નાયબ મુખ્ય પ્રધાનનો પલટવાર

01 August, 2024 07:02 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એક તર તૂ રાહશીલ કિંવા મી તરી રાહીન, હું કોઈના નાદમાં લાગતો નથી, મારા નાદમાં કોઈ લાગે તો તેને છોડતો નથી

ઉદ્ધવ ઠાકરે, દેવેન્દ્ર ફડણવીસ

ઉદ્ધવ ઠાકરેએ ગઈ કાલે રંગશારદા સભાગૃહમાં આયોજિત પક્ષના કાર્યક્રમમાં કહ્યું હતું કે ‘અનિલ દેશમુખે મને કહ્યું કે કઈ રીતે મને અને આદિત્યને જેલમાં નાખવાનો ફડણવીસનો પ્લાન હતો. હું બધું સહન કરીને ​હિંમતપૂર્વક ઊભો રહ્યો છું. એક તર તૂ તરી રાહશીલ કિંવા મી તરી રાહીન.’

ઉદ્ધવ ઠાકરેએ આરપારની લડાઈ લડવાનું જાહેર કર્યું છે એટલે આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટી (BJP) અને ઉદ્ધવ ઠાકરે વચ્ચેની લડત વધુ સંઘર્ષમય થવાની શક્યતા છે.

મુંબઈના પદાધિકારીઓને સંબોધતાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે ‘છેલ્લા કેટલાક દિવસથી અનેક મોટા નેતા આવીને મળ્યા. તેઓ કહે છે કે ઉદ્ધવજી, તમે દેશને દિશા દેખાડી છે. મેં કહ્યું કે જ્યાં સુધી આપણે સીધા છીએ ત્યાં સુધી સીધા, પણ વાંકાને જવાબ આપવાની તાકાત રાખું છું. BJPની જે ચોર કંપની છે એ રાજકારણના નપુંસક માણસો છે. લોકસભાની ચૂંટણીમાં અમે લડ્યા એટલે મોદીને પરસેવો વળી ગયો. હું નગરસેવક નહોતો અને સીધો મુખ્ય પ્રધાન બન્યો. જે શક્ય હતું એ કર્યું. આપણા માટે આ છેલ્લું આહવાન છે. એ પછી આપણને પડકારનાર કોઈ બચશે નહીં. આ લોકોએ આપણો પક્ષ અને કુટુંબ ફોડ્યાં. મુંબઈને બચાવવા માટે આપણે લડવું પડશે. આ બધું બે વેપારી (નરેન્દ્ર મોદી અને અમિત શાહ) કરી રહ્યા છે. આપણે આ લોકોને મૂળથી ઉખેડવાના છે.’

ઉદ્ધવ ઠાકરેએ વડા પ્રધાનને નિશાન બનાવીને પડકાર ફેંકતાં કહ્યું હતું કે ‘વિધાનસભાની ચૂંટણીમાં વડા પ્રધાન મુંબઈમાં પ્રચાર કરવા આવશે તો લોકસભાની ચૂંટણીની જેમ આગામી ચૂંટણીમાં પણ મારા શિવસૈનિકો તેમને તાકાત બતાવી દેશે.’

ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટનો પણ વિરોધ કરતાં તેમણે કહ્યું હતું કે જો અમારી સરકાર આવશે તો અમે આ પ્રોજેક્ટને જ રદ કરી નાખીશું. ઉદ્ધવ ઠાકરેએ જે શબ્દબાણ છોડ્યાં એના વિશે ​પ્રતિક્રિયા આપતાં રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગઈ કાલે કહ્યું હતું કે ‘મારો એક સિદ્ધાંત પાકો છે. હું કોઈના નાદમાં લાગતો નથી. જો કોઈ નાદમાં લાગે તો છોડતો નથી. યોગ્ય સમયે જવાબ આપીશ.’

ઉદ્ધવ ઠાકરેના મોઢે ઉશ્કેરણીજનક ભાષા શોભતી નથી : ચંદ્રશેખર બાવનકુળે

BJPના પ્રદેશાધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેએ કહ્યું હતું કે ‘હું જવાબદારીથી કહું છું કે લોકસભાની ચૂંટણીમાં નાશિક અને મુંબઈના વિજયી સરઘસમાં પાકિસ્તાનના ઝંડા હતા. હવે ઉદ્ધવ ઠાકરેએ કહ્યું છે હું મુસ્લિમ મત અને ક્રિશ્ચિયન મતના આધારે દેવેન્દ્ર ફડણવીસને જોઈ લઈશ, BJPને જોઈ લઈશ, તેમના નેતાઓને જોઈ લઈશ, આ નેતાઓ પર તૂટી પડો. આવી કોની ઉશ્કેરણી કરો છો, કોના ભરોસે કરો છો? ધારાવીમાં હત્યા થઈ રહી છે. ઉદ્ધવ ઠાકરેના મોઢે ઉશ્કેરણીજનક ભાષા શોભતી નથી. આ રાજ્ય સંસ્કારી છે. અહીં જાત-પાતનું રાજકારણ કરીને સમાજમાં દ્વેષ ઊભો કરવાનું કામ તમે કર્યું છે. આ રાજ્યમાં હિન્દુ-મુસ્લિમ સમાજ ક્યારેય અલગ રહેતો નથી, પણ તમે સમાજનું ધ્રુવીકરણ કરો છો એની સામે અમને વાંધો છે. હરહર મહાદેવ કહીને આવી ભાષા બોલો છો. શું આ બાળાસાહેબના સંસ્કાર છે? BJP આનો જવાબ આપશે.’

aaditya thackeray uddhav thackeray shiv sena bharatiya janata party devendra fadnavis maharashtra news political news