મોગેમ્બો કહે છે કે મેં તળિયાં ચાટ્યાં

20 February, 2023 08:41 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અમિત શાહ અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે જામી છે...

ઉદ્ધવ ઠાકરે અને અમિત શાહ


મુંબઈ ઃ ચૂંટણી પંચે શિવસેના નામ અને ધનુષ-બાણનું ચિહ્‍ન એકનાથ શિંદે જૂથને આપ્યાના ત્રણ દિવસ બાદ ગઈ કાલે છત્રપતિ શિવાજી મહારાજ જયંતી પ્રસંગે કોલ્હાપુરમાં આવેલા અમિત શાહે મુખ્ય પ્રધાન બનવા માટે ઉદ્ધવ ઠાકરેએ કૉન્ગ્રેસ અને રાષ્ટ્રવાદીના તળિયાં ચાટ્યાં એવી ટિપ્પણી કર્યા બાદ ધૂંધવાયેલા ઉદ્ધવ ઠાકરેએ જવાબ આપતાં અમિત શાહને મોગેમ્બો સાથે સરખાવતાં કહ્યું કે ‘મોગેમ્બો કહે છે કે મેં તળિયાં ચાટ્યાં. પણ હવે રાજ્યમાં જે ચાલી રહ્યું છે એ કઈ ચાટુગીરી છે? અને કોણ શું કરી રહ્યું છે એની જ ખબર નથી પડતી. મેં જ્યારે કૉન્ગ્રેસ સાથે યુતિ કરી ત્યારે કહ્યું કે મેં હિન્દુત્વ છોડ્યું. તો તમે જ્યારે મુફ્તી મોહમ્મદ સઈદ સાથે યુતિ કરી હતી એ વખતે શું હિન્દુત્વમાંથી ‘ટાઇમ પ્લીઝ’ લીધી હતી? પ્રમોદ મહાજનને એક વાર બાળાસાહેબે કહ્યું હતું કે એવો પણ સમય આવશે જ્યારે દેશના લોકો હિન્દુ તરીકે મતદાન કરશે. આજે હિન્દુ જાગ્યો છે, પણ તેની આંખમાં ધૂળ ફેંકાઈ રહી છે. ચૂંટણી નજીક આવે એટલે ગૌહત્યાનો અને હિજાબનો મુદ્દો ઉખેળવામાં આવે છે. આમ કરીને લોકોને છેતરવામાં આવે છે.’ 

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરતાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે ‘ઇન્કમ ટૅક્સ અને ઈડીને છૂટો દોર આપવાનો અને પછી કહેવાનું કે હું એકલો લડું છું. આનો કોઈ અર્થ ખરો. આજે બધી બાબતો 
ચેસબોર્ડ જેવી થઈ ગઈ છે, અમારામાંના કેટલાકને એ લોકો પટ્ટો બાંધીને લઈ ગયા છે.’ 

અમિત શાહે શું કહ્યું?
અમિત શાહે કોલ્હાપુરમાં લોકોને સંબોધતાં કહ્યું કે ‘અમારી યુતિનો વિજય થયો છે. શિવસેનાનું નામ અને ચિહ્‍ન બન્ને એકનાથ શિંદેના જૂથને મળ્યાં છે. એક વાર જોરદાર તાળીઓ પાડીને તેમને અભિનંદન આપો. જે લોકો જૂઠના આધારે હુંકાર કરી રહ્યા હતા તેમને હવે સમજાયું હશે કે સત્ય શું છે. ૨૦૧૯ની ચૂંટણી વખતે હું બીજેપીનો અધ્યક્ષ હતો. એ વખતે અમે સાથે મળી યુતિમાં ચૂંટણી લડ્યા હતા. પોતાના ફોટો કરતાં મોદીનો મોટો ફોટો લગાડીને ચૂંટણી લડ્યા. એ વખતે દેવેન્દ્ર ફડણવીસને તેમણે નેતા માન્યા હતા. જોકે ચૂંટણી પછી મુખ્ય પ્રધાનપદ મેળવવા વિરોધી વિચારધારા ધરાવતા કૉન્ગ્રેસ અને રાષ્ટ્રવાદીનાં તળિયાં ચાટ્યાં. આજે હવે તેમને સત્ય સમજાઈ ગયું હશે.’
જ્યારે આ બાબતે રાષ્ટ્રવાદીના વડા શરદ પવારે કહ્યું છે કે શિવસેના નામ અને ચિહ્‍ન બાબતે હું કોઈ વિવાદમાં નહીં પડું, મારે જે કહેવું હતું એ કહી ચૂક્યો છું.

mumbai news amit shah uddhav thackeray shiv sena