12 October, 2023 12:20 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઉદ્ધવ ઠાકરે, એકનાથ શિંદે
એકનાથ શિંદે ગડચિરોલીના પાલક પ્રધાન હતા ત્યારે તેમણે નક્સલીઓ સામે કડક હાથે કામ લીધું હતું એટલે તેમને બે વખત જાનથી મારી નાખવાની ધમકી મળી હતી ત્યારે તેમને ઝેડ પ્લસ સિક્યૉરિટી આપવા સરકાર તૈયાર હતી, પણ ઉદ્ધવ ઠાકરેએ ફોન કરીને ન આપવાનું કહ્યું હોવાનો આરોપ સંજય ગાયકવાડે કર્યો
એકનાથ શિંદે જો ઉદ્ધવ ઠાકરેથી અલગ ન થયા હોત તો તેમને ઠાર મારવામાં આવત, કારણ કે તેમને જાનથી મારી નાખવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું એવો ગંભીર આરોપ એકનાથ શિંદે જૂથના વિધાનસભ્ય સંજય ગાયકવાડે ગઈ કાલે કર્યો હતો. મહાવિકાસ આઘાડી સરકારના તત્કાલીન મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ એકનાથ શિંદેને ઝેડ પ્લસ સિક્યૉરિટી ન આપવા માટે તત્કાલીન ગૃહપ્રધાન શંભુરાજ દેસાઈને ફોન કર્યો હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે. આ આરોપથી ખળભળાટ મચી ગયો છે.
વિધાનસભ્ય સંજય ગાયકવાડે ગઈ કાલે કહ્યું હતું કે ‘ઉદ્ધવ ઠાકરે જૂથના પ્રવક્તા સંજય રાઉતે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની ટીકા કરતાં કહ્યું હતું કે ઉદ્ધવ ઠાકરે આપતા હતા, પણ શિંદેએ તેમનો હાથ જ ખેંચી લીધો. તેમને મેં જવાબ આપ્યો કે જો અમે ઉદ્ધવ ઠાકરેનો હાથ ન લીધો હોત તો આજે કદાચ એકનાથ શિંદે જીવતા ન હોત. ગડચિરોલીના તેઓ પાલક પ્રધાન હતા ત્યારે તેમને નક્સલીઓએ જાનથી મારી નાખવાની બે વખત ધમકી આપી હતી.’
સંજય ગાયકવાડે આગળ કહ્યું હતું કે ‘નક્સલીઓની ધમકી બાદ એકનાથ શિંદેને જીવનું જોખમ ઊભું ન થાય એ માટે તત્કાલીન ગૃહપ્રધાન શંભુરાજ દેસાઈના ઘરે પ્રધાનોની બેઠક મળી હતી. એ બેઠકમાં એકનાથ શિંદેને ઝેડ પ્લસ સિક્યૉરિટી આપવાનો નિર્ણય લેવા બાબતે ચર્ચા ચાલુ હતી ત્યારે ઉદ્ધવ ઠાકરેએ માતોશ્રીમાંથી શંભુરાજ દેસાઈને ફોન કરીને એકનાથ શિંદેને ઝેડ પ્લસ સિક્યૉરિટી ન આપવાનું કહ્યું હતું. આમ કરીને એકનાથ શિંદેને શિવસેના પક્ષ જ નહીં, જીવનમાંથી જ ખતમ કરવાનું ષડ્યંત્ર ઘડવામાં આવ્યું હતું. આથી સંજય રાઉતે કહ્યું છે કે આપતાં-આપતાં હાથ ખેંચી લીધો. અમે જો હાથ ન ખેંચ્યો હોત તો તમે અમારા એકનાથ શિંદેનો બલિ ચડાવી દીધો હોત.’
સંજય ગાયકવાડે ઉદ્ધવ ઠાકરે પર ગંભીર આરોપ કર્યા બાદ શંભુરાજ દેસાઈએ કહ્યું હતું કે ‘એક વખત નહીં પણ બે વખત એકનાથ શિંદેને ધમકીનો પત્ર આવ્યો હતો. આ પત્રો અમે પોલીસને આપ્યા હતા. ધમકીના પત્રમાં એકનાથ શિંદેના પરિવારજનોનો પણ ઉલ્લેખ હતો. વિધાનસભ્યો સાથે આ બાબતે ચર્ચા થઈ. બાદમાં આ બાબતને ગંભીરતાથી લઈને તાત્કાલિક સિક્યૉરિટી બાબતે વિચાર કરવામાં આવ્યો હતો. બેઠકમાં એકનાથ શિંદેને ઝેડ પ્લસ સિક્યૉરિટી આપવાની સંમતિ થઈ હતી. આ બાબતનો પ્રસ્તાવ તત્કાલીન મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને મોકલવામાં આવ્યો હતો. અમારી બેઠક થઈ હતી ત્યારે ઉદ્ધવ ઠાકરેનો મને ફોન આવ્યો હતો. તેમણે બેઠક સંબંધી માહિતી લીધી હતી અને મને કહ્યું હતું કે આવી રીતે એકનાથ શિંદેને સિક્યૉરિટી આપી ન શકાય.’
આ વિશે ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા ચંદ્રકાંત ખૈરેએ કહ્યું હતું કે ‘આ આરોપમાં કંઈ તથ્ય નથી. ઉદ્ધવ ઠાકરે પર આવા ખોટા આરોપ કરવામાં આવી રહ્યા છે. સંજય ગાયકવાડ અત્યારે કંઈ પણ બોલી રહ્યા છે.’