03 December, 2024 07:10 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે
નવી સરકારની હજી શપથવિધિ નથી થઈ કે મુખ્ય પ્રધાનનું નામ પણ જાહેર કરવામાં નથી આવ્યું, પણ વિધાનસભાની હાર પરથી બોધપાઠ લીધો હોય એમ શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)એ આજે તેમની પાર્ટીના બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના ભૂતપૂર્વ નગરસેવકોની મીટિંગ બોલાવી છે. આ બેઠકમાં ઉદ્ધવ ઠાકરે તેમને સુધરાઈની ચૂંટણીના કામમાં લાગી જવાનું કહેવાની સાથે માર્ગદર્શન પણ આપશે. સુધરાઈમાં સૌથી વધારે નગરસેવકો ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના હતા.
ઉદ્ધવ ઠાકરેની પાર્ટીના અસ્તિત્વ માટે BMCનું ઇલેક્શન બહુ જ મહત્ત્વનું હોવાથી તેઓ કોઈ ચાન્સ લેવા નથી માગતા અને એટલે જ અત્યારથી બધાને કામે લાગી જવાનું કહી રહ્યા છે. ફેબ્રુઆરીમાં સુધરાઈની ચૂંટણી યોજાવાની શક્યતા છે.