19 February, 2023 09:07 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે બાંદરા (ઈસ્ટ)માં આવેલા માતોશ્રીની બહાર ઓપન જીપમાં કાર્યકરોને સંબોધ્યા હતા ઉદ્ધવ ઠાકરેએ. (તસવીર : પીટીઆઈ)
ચૂંટણી પંચે એકનાથ શિંદે જૂથને શિવસેનાનું નામ અને મૂળ ચિહન ધનુષબાણ આપતાં શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)ને પ્રચંડ આઘાત લાગ્યો હતો અને હજારો શિવસૈનિકોએ ગઈ કાલે બાંદરામાં માતોશ્રીની બહાર એકઠા થઈને શક્તિપ્રદર્શન કર્યું હતું. ચૂંટણી પંચના આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવશે એવી જાહેરાત પણ ઉદ્ધવ ઠાકરે દ્વારા કરાઈ હતી. આમ છતાં શિવસૈનિકોનો જુસ્સો જળવાઈ રહે અને તેઓ હતાશામાં સરી ન પડે એ માટે ઉદ્ધવ ઠાકરેએ ગઈ કાલે માતોશ્રીની બહાર શિવસૈનિકોને સંબોધ્યા હતા. એટલું જ નહીં, બાળાસાહેબ જે રીતે શરૂઆતના દિવસોમાં ગાડીના બૉનેટ પર ચડીને લોકોને સંબોધતા હતા એની કૉપી કરીને ઉદ્ધવ ઠાકરેએ ખુલ્લી જીપમાં આવીને શિવસૈનિકોને સંબોધ્યા હતા.
ભેગા થયેલા શિવસૈનિકોને સંબોધતાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે ‘મહાશિવરાત્રિના આગલા દિવસે શિવસેનાનું નામ ચોરાયું અને હવે ધનુષબાણ ચોરાયું છે. એ ચોરનારાઓને ખબર નથી કે તેમણે વનવાસીના છોકરા પર પથ્થર ફેંક્યો છે. મને ખબર છે કે તમે બધા બહુ ચિડાયા છો. એવો એક પણ પક્ષ નહીં હોય જેના પર છેલ્લાં પંચોતર વર્ષની લોકશાહીમાં આવો આઘાત થયો હશે. જો બીજેપી કે વડા પ્રધાનને એવું લાગતું હોય કે તેમની પાસે ગુલામ બનેલી જે સરકારી યંત્રણાઓ છે એને છુટ્ટી મૂકીને પક્ષોને ખતમ કરી શકે છે તો તેઓ બધા પક્ષોને ખતમ કરી શકશે, પણ શિવસેનાને ખતમ કરવી શક્ય નથી. તમારી ગમે એટલી પેઢીઓ આવે તો પણ શિવસેના ખતમ નહીં થાય. શિવસેના કોની છે એ બધાને ખબર છે. તેમને બાળાસાહેબનો ચહેરો જોઈએ છે, શિવસેનાનું નામ જોઈએ છે; પણ શિવસેનાનું કુટુંબ નથી જોઈતું. જે રીતે શિવસેના નામ ચોરોને આપવામાં આવ્યું, પવિત્ર ધનુષબાણ ચોરોને આપવામાં આવ્યું, જે કપટ અને કારસ્તાન કરીને આ લોકો રાજકારણ કરી રહ્યા છે એ જોતાં કદાચ મશાલનું ચિહન પણ આ લોકો કાઢી નાખે. હું જેમણે ધનુષબાણ ચોર્યું છે તેમને પડકાર ફેંકું છું કે જો મરદ હો તો તમે એ ધનુષબાણ લઈને આવજો અને અમે મશાલ લઈને ચૂંટણી લડવા ઊતરીશું. જોઈએ શું થાય છે, કારણ કે ધનુષબાણ ઊંચકવા માટે પણ મરદ જોઈએ. રાવણે પણ શિવધનુષ ઊંચકવાનો પ્રયાસ કર્યો હતો. શું થયું? ઊંધો પટકાયો હતો. એ જ રીતે આ ચોર અને ચોરબજારના માલિક શિવધનુષ ઉપાડ્યા પછી ઊંધા માથે પટકાશે એવો મને વિશ્વાસ છે. હું ક્યાંય હિંમત હાર્યો નથી અને હારવાનો પણ નથી. મારી તાકાત તમે છો. તમારા જોર પર જ હું ઊભો છું અને જ્યાં સુધી આ તાકાત મારી સાથે છે ત્યાં સુધી આવા કેટલાય ચોર કે ચોરના માલિક આવે તો ચૂંટણીમાં તેમને હરાવીને અને તેમની છાતી પર ચડી જઈને ભગવો ફરકાવવાની તાકાત અમારાં કાંડાંમાં છે.’
અત્યાર સુધીના ઇતિહાસમાં ક્યારેય મૂળ પક્ષનું નામ કે ચિહ્ન એમાંથી ભાગલા પડેલા લોકોને અપાયું નથી, પણ આ વખતે વડા પ્રધાનના ગુલામ એવા ચૂંટણી પંચે એવું કામ કર્યું છે એમ જણાવીને ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે ‘હવે આપણી પરીક્ષા છે. લડાઈ હવે શરૂ થઈ છે. આજે મારા હાથમાં કંઈ નથી. હું તમને કંઈ પણ આપી શકું એમ નથી. હું એટલું જ કહીશ કે આજે યુવાનોનું લોહી ઊકળી ઊઠ્યું છે અને એમ છતા સંયમ પાળ્યો છે. હવે શિવસૈનિકોનો ગુસ્સો ન જોતા. હું તમને હવે પછી શું કરવું એની સૂચનાઓ આપતો જઈશ. હવે શાંત પડવાનું નથી. આજથી જ ચૂંટણીની તૈયારીઓમાં લાગી જાવ. આપણે ભગવો લઈને આગળ વધવાનું છે. જ્યાં સુધી તમારા જેવા શિવસૈનિકો મારી સાથે છે ત્યાં સુધી વિરોધીઓની ગમે એટલી પેઢીઓ ઊતરી આવે તો પણ શિવસેનાને ખતમ નહીં કરી શકે.’
કાર પર ઊભા રહીને કૉપી કરવાથી બાળાસાહેબ નથી બનાતું : બીજેપી
માતોશ્રીની બહાર ઓપન કારમાં ઊભા રહી કાર્યકરોને અને સમર્થકોને ગઈ કાલે ઉદ્ધવ ઠાકરેએ સંબોધ્યા હતા. એની ખિલ્લી ઉડાવતાં બીજેપીએ કહ્યું હતું કે કાર પર ઊભા રહી બાળાસાહેબની કૉપી કરવાથી બાળાસાહેબ નથી બનાતું. બીજેપીના પ્રવક્તા કેશવ ઉપાધ્યેએ ટ્વીટ કરીને કહ્યું હતું કે ‘બાળાસાહેબની જેમ ગાડી પર ઊભા રહેવાની કૉપી કરવાથી કંઈ થતું નથી. બાળાસાહેબે દિવસ-રાત મહેનત કરી, કાર્યકર્તાઓને સંભાળ્યા, સંગઠન ઊભું કર્યું, સત્તા પર શિવસૈનિકને બેસાડ્યો. કૉપીબહાદુર તો ક્યારેય ઘરની બહાર ન પડ્યા, કાર્યકર્તાઓને ન મળ્યા, ઊભું કરેલું સંગઠન પણ ગુમાવી દીધું. વિશ્વાસઘાત કરીને પોતે જ સત્તા પર ચડી બેઠા.’ આ ટ્વીટ સાથે તેમણે બાળાસાહેબની કાર પર ઊભા રહીને ભાષણ કરતી તસવીર અને ગઈ કાલની ઉદ્ધવ ઠાકરેની કારમાંથી કાર્યકરોને સંબોધતી તસવીર મૂકીને ટિપ્પણી કરી હતી.