04 December, 2024 01:00 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
વસઈ-વેસ્ટમાં રહેતી ૨૯ વર્ષની જ્યોતિ મકવાણા રવિવારે રાજસ્થાનથી મુંબઈ આવતી વખતે ભગત કી કોઠી ટ્રેનમાં આશરે સાડાચાર લાખ રૂપિયાની માલમતા ભૂલીને નીચે ઊતરી ગઈ હતી. એ જ રીતે સોમવારે બોરીવલી-વેસ્ટના વઝીરા નાકા વિસ્તારમાં રહેતી ૩૨ વર્ષની દીપ્તિ પેટકર લોકલ ટ્રેનમાં ૫૦,૦૦૦ રૂપિયાની માલમતા ભૂલીને ઊતરી ગઈ હતી. આ બન્ને ઘટનામાં બોરીવલી ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP)એ મહિલાઓની ફરિયાદ નોંધીને રેલવે ટ્રેનો ઉપરાંત સ્ટેશન વિસ્તારના ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજના આધારે મહિલાઓ દ્વારા ભુલાઈ ગયેલી બૅગની તપાસ શરૂ કરી છે.
બોરીવલી સ્ટેશન આવતાં મેં મારો તમામ સામાન નીચે ઉતાર્યો હતો, પણ જે બૅગમાં મારી જ્વેલરી અને પૈસા હતાં એ લેવાનું હું ભૂલી ગઈ હતી એમ જણાવીને જ્યોતિ મકવાણાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘લગ્ન નિમિત્તે હું રાજસ્થાન ગઈ હતી. ત્યાંથી મેં શનિવારે રાતે ભગત કી કોઠી ટ્રેનના AC કોચમાં પ્રવાસ શરૂ કર્યો હતો. રવિવારે સવારે આશરે સાડાદસ વાગ્યે ટ્રેન બોરીવલીના પ્લૅટફૉર્મ-નંબર આઠ પર આવી હતી. એ સમયે ટ્રેન થોડી વાર ઊભી રહેવાની હોવાથી મેં જલદી-જલદીમાં મારો સામાન ઉતાર્યો હતો અને પ્લૅટફૉર્મની બહાર જઈ રહી હતી ત્યારે મારી જે બૅગમાં પૈસા અને દાગીના રાખ્યા હતા એ હું ટ્રેનમાં જ ભૂલી ગઈ હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. એટલે મેં તાત્કાલિક GRPની મદદ લીધી હતી. તેમણે આગળ ટ્રેનમાં તરત તપાસ કરાવી હતી. જોકે મારી બૅગ મળી નહોતી. અંતે મારા આશરે ૪ લાખ રૂપિયાના દાગીના અને ૫૦,૦૦૦ રૂપિયાની રોકડ ચોરાઈ હોવાની ફરિયાદ બોરીવલી GRPમાં નોંધાવી હતી.’
બીજા બનાવમાં લોકલ ટ્રેનના મહિલા ડબ્બામાં દીપ્તિ પેટકર પોતાની બૅગ ભૂલી ગઈ હતી એમ જણાવીને બોરીવલી GRPના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘દીપ્તિ સોમવારે સાંજે અંધેરી સ્ટેશનથી ફાસ્ટ ટ્રેનના મહિલા ડબ્બામાં બોરીવલી આવવા પ્રવાસ કરી હતી. એ દરમ્યાન બોરીવલી સ્ટેશન આવતાં તેણે ટ્રેનમાંથી ઊતરી આગળ ચાલવાનું શરૂ કર્યું ત્યારે પોતાની હૅન્ડબૅગ સાઇડમાં મૂકી હોવાથી રહી ગઈ હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. અંતે તેણે આ ઘટનાની ફરિયાદ અમને કરી હતી, પણ એ હૅન્ડબૅગ વિશે કોઈ જાતની માહિતી મળી નહોતી. અંતે ૧૩,૦૦૦ રૂપિયાની રોકડ અને ૩૦,૦૦૦ રૂપિયાના દાગીના સહિત મોબાઇલની ચોરી થવા હોવાની ફરિયાદ અમે નોંધી છે.’