અનંત-રાધિકાનાં અભેદ્ય લગ્નમાં બે વણનોતર્યા મહેમાન

14 July, 2024 06:46 AM IST  |  Mumbai | Mehul Jethva

વિરાર અને આંધ્ર પ્રદેશના આ યુવાનોને જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાંથી એક વાર બહાર કાઢ્યા પછી પણ તેઓ ફરી અંદર ઘૂસી જતાં પોલીસે કરી ધરપકડ : તેમનો ઇરાદો શું હતો એ જાણવા શરૂ કરી તપાસ

અનંત-રાધિકાનાં લગ્ન સમયેની તસવીર

ભારતના ટૉપના બિઝનેસમૅન મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણીના લગ્નસ્થળ જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતેથી શુક્રવારે બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ (BKC) પોલીસે બે લોકોની ધરપકડ કરી છે. લગ્નમાં ઘૂસણખોરી કરી રહેલા આ બન્નેને સિક્યૉરિટી ગાર્ડે એક વાર બહાર કાઢ્યા પછી તેઓ ફરી અંદર આવી જતાં પોલીસને બોલાવવામાં આવી હતી. BKC પોલીસે ટ્રેસપાસિંગની ફરિયાદ નોંધીને અત્યારે બન્નેની ધરપકડ કરી છે, પણ તેમનો લગ્નમાં ચોરીછૂપીથી આવવા પાછળનો ઇરાદો શું હતો એની તપાસ પોલીસ કરી રહી છે. પોલીસે તેમના કૉલડેટા સહિત વિવિધ માહિતીઓ ભેગી કરવાની કવાયત હાથ ધરી છે.

આંધ્ર પ્રદેશમાં રહેતા ૨૬ વર્ષના વેન્કટેશ અલુરી અને વિરારમાં રહેતા ૨૮ વર્ષના લુકમાન મોહમ્મદ શેખને લગ્નસ્થળ પરની સિક્યૉરિટીએ એક વાર પકડી બહાર કાઢ્યા બાદ પણ તેઓ બીજા રસ્તે અંદર પ્રવેશ્યા હતા.

અનંત અને રાધિકાના લગ્નસ્થળ જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં માત્ર આમંત્રિત મહેમાનોને જ એન્ટ્રી હતી અને તેમને પાસ ઇશ્યુ કરવામાં આવ્યા હતા. એ પાસ જેટલા પણ એન્ટ્રી-પૉઇન્ટ હતા ત્યાં સુરક્ષારક્ષકોને બતાવીને અંદર પ્રવેશવાનું આયોજન કરવામાં આવ્યું હતું એમ જણાવતાં BKC પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જિયો વર્લ્ડ સેન્ટર ખાતે પૅવિલિયન એકની બહાર તહેનાત સુરક્ષારક્ષક આકાશ યેવસકરે શુક્રવારે સવારે ૧૧ વાગ્યે એક શંકાસ્પદ ઇસમને પકડ્યો હતો. તેનું નામ અને સરનામું પૂછ્યું ત્યારે તેણે પહેલાં અસ્પષ્ટ જવાબ આપ્યા હતા. ત્યાર બાદ કડક રીતે પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ વેન્કટેશ નરસૈયા અલુરી હોવાનું કહી એ આંધ્ર પ્રદેશનો હોવાનુ જણાવ્યું હતું. તેની વધુ તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે તે સવારે ૯ વાગ્યે જિયો વર્લ્ડ સેન્ટરના ગેટ નંબર ૨૩માંથી પરવાનગી વિના પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જોકે ગેટ પરના સિક્યૉરિટી ગાર્ડે તેની પાસે પાસ ન હોવાથી તેને અંદર જતાં અટકાવ્યો હતો એટલે તે ગેટ નંબર ૧૯થી અંદર પ્રવેશી પૅવિલિયન સુધી પહોંચ્યો હતો. જોકે તે શા માટે આવ્યો અને કેવી રીતે અંદર પહોંચ્યો એની કોઈ સ્પષ્ટતા ન થતાં તેને અમારા તાબામાં લેવામાં આવ્યો હતો. અમે તેની સામે ટ્રેસપાસિંગનો ગુનો નોંધ્યો છે.’

જિયો વર્લ્ડ સેન્ટરના પહેલા માળે આવેલી મીટિંગ-રૂમમાંથી વિરારમાં રહેતો એક યુવાન શુક્રવારે રાતે પોણાત્રણ વાગ્યે મળી આવ્યો હતો એમ જણાવતાં BKC પોલીસ-સ્ટેશનના બીજા એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બલરામ સિંહ લાલ નામનો સિક્યૉરિટી ગાર્ડ શુક્રવારે રાતે વર્લ્ડ સેન્ટરમાં ફરજ બજાવી રહ્યો હતો ત્યારે તેને મીટિંગ-રૂમ નંબર ૧૦૪માં એક શંકાસ્પદ ઇસમ મળી આવ્યો હતો. તેનું નામ અને સરનામું પૂછ્યું ત્યારે તેણે શરૂઆતમાં અસ્પષ્ટ જવાબો આપ્યા હતા. સિક્યૉરિટી-મૅનેજર મનીષને આ વિશે જાણ કરતાં તેઓ ઘટનાસ્થળે આવ્યા હતા. તેમણે કડક રીતે આ યુવાનની પૂછપરછ કરતાં તેનું નામ લુકમાન મોહમ્મદ શફી શેખ હોવાનું કહી તે વિરારના બોલિંજ નાકામાં રહેતો હોવાનું જણાવ્યું હતું. તેની વધુ વિગતો લેતાં તેણે ગેટ નંબર ૧૦ પરથી રાતે ૮ વાગ્યે પ્રવેશવાની કોશિશ કરી હતી, પરંતુ ત્યાં હાજર સિક્યૉરિટીએ તેની પાસે પાસ ન હોવાથી તેને પ્રવેશ આપ્યો નહોતો. આમ છતાં તે કેવી રીતે અંદર આવ્યો અને તેનો ઇરાદો શું હતો એ જાણવા સિક્યૉરિટીએ તેને અમારા તાબામાં આપ્યો હતો.’

BKC પોલીસ-સ્ટેશનના પોલીસ-ઇન્સ્પેક્ટર અમાસીધ રામપુરેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ બન્ને કેસમાં અમે અલગ-અલગ ફરિયાદ નોંધ કરીને વધુ તપાસ હાથ ધરી છે. તેઓ શું ઇરાદે અંદર આવ્યા હતા એની માહિતી મેળવવામાં આવી રહી છે.’

mumbai news mumbai Anant Ambani Radhika Merchant Wedding bandra kurla complex mumbai police