નાલાસોપારામાં વેપારીની દુકાનમાં ચોરી કરવા ઘૂસેલા બે ચોર પકડાયા

23 February, 2024 12:15 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નાલાસોપારા સ્ટેશન નજીક કપડાંની એક દુકાનનું શટર તોડીને બે ચોર એને લૂંટવાના પ્લાન સાથે બુધવારે વહેલી સવારે અંદર ઘૂસ્યા હતા. જોકે નાઇટ પૅટ્રોલિંગ કરી રહેલી ટીમને દુકાનનું શટર ખુલ્લું દેખાતાં એેણે તપાસ કરી હતી અને બે ચોરોને રેડ-હૅન્ડેડ પકડી પાડ્યા હતા.

ધરપકડ માટે વાપરવામાં આવેલી પ્રતીકાત્મક ફાઈલ તસવીર

નાલાસોપારા સ્ટેશન નજીક કપડાંની એક દુકાનનું શટર તોડીને બે ચોર એને લૂંટવાના પ્લાન સાથે બુધવારે વહેલી સવારે અંદર ઘૂસ્યા હતા. જોકે નાઇટ પૅટ્રોલિંગ કરી રહેલી ટીમને દુકાનનું શટર ખુલ્લું દેખાતાં એેણે તપાસ કરી હતી અને બે ચોરોને રેડ-હૅન્ડેડ પકડી પાડ્યા હતા. અંતે દુકાનના માલિકને જાણ કરીને બન્ને વિરુદ્ધ તુળીંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.

નાલાસોપારા-પૂર્વમાં વિનાયક દર્શન ટાંકી રોડ નજીક એક સોસાયટીમાં રહેતા અને નાલાસોપારા સ્ટેશનના સાઇડ રોડ પર કૃષ્ણા ક્રીએશન નામની કપડાંની દુકાન ધરાવતા ૩૭ વર્ષના કાનજી ભાનુશાલીએ કરેલી ફરિયાદ અનુસાર ૨૦ ફેબ્રુઆરીએ રાત્રે સાડાનવ વાગ્યે તેઓ રો​જિંદા ક્રમની જેમ દુકાન બંધ કરીને ઘરે ગયા હતા. ત્યાર બાદ રાત્રે અઢી વાગ્યે તેમને તુળીંજ પોલીસ સ્ટેશનના અધિકારીઓએ ફોન કરીને તેમની દુકાને આવવા કહ્યું હતું. તેઓ દુકાને પહોંચ્યા ત્યારે તેમને જાણ થઈ હતી કે તેમની દુકાનનું લોખંડનું શટર તોડીને દીપક ભૂમિ અને મનોજ ગાવડે અંદર ઘૂસ્યા હતા. તેમણે પહેલાં કૅશ કાઉન્ટરમાં પડેલા ૧૨,૦૦૦ રૂપિયાની ચોરી કરી હતી અને સાથે બીજી ચોરીને અંજામ આપવાનો પ્લાન તૈયાર કર્યો હતો. જોકે નાઇટ પૅટ્રો​લિંગ કરતા પોલીસ અધિકારીઓએ દુકાનનું શટર ખુલ્લું જોઈને બન્ને લોકોની ધરપકડ કરી હતી.

તુળીંજ પોલીસ સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારા અધિકારીઓ નાઇટ પૅટ્રો​લિંગ કરી રહ્યા હતા ત્યારે સ્ટેશન વિસ્તારમાં તેઓ રાતે એક દુકાનનું શટર ખુલ્લું જોઈને તપાસ કરવા અંદર ગયા હતા. એ સમયે તેમણે બે ચોરોને ચોરી કરતાં પકડી પાડ્યા હતા. આરોપીઓ પર પહેલાં પણ આવા કેસો નોંધાયા હોવાની માહિતી હાલમાં અમારી સામે આવી છે.’

mumbai news nalasopara mumbai mumbai police mumbai crime news Crime News