18 January, 2023 09:02 AM IST | Mumbai | Mehul Jethva
હિમેશ ઉગમશી પડાયા અને લક્ષ જયસ્વાલ
કુર્લામાં રહેતો ૧૭ વર્ષનો ગુજરાતી ટીનેજર ઘરેથી પોતાના બે મિત્રો સાથે મોટરસાઇકલ પર વાળ કપાવવા નીકળ્યો હતો. સોશ્યલ મીડિયા પર વિડિયો બનાવવાનો શોખીન હોવાથી વાળ કપાવ્યા બાદ તે વાળમાં લગાવવાની જેલ લેવા ચેમ્બુર જઈ રહ્યો હતો. એ દરમ્યાન ચેમ્બુર નજીક હાઇવે પર અકસ્માતનો ભોગ બનતાં તેનું અને તેના એક મિત્રનાં ઘટનાસ્થળે જ મૃત્યુ થયાં હતાં. એકના એક પુત્રનું અકાળે મૃત્યુ થતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. ટિળકનગર પોલીસે આ ઘટનાની ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.
કુર્લા-વેસ્ટના બૈલબજારમાં સહકાર ચાલમાં રહેતો ૧૭ વર્ષનો હિમેશ ઉગમશી પડાયા તેના મિત્ર લક્ષ જયસ્વાલ અને અનીશ ગુપ્તા સાથે ૧૬ જાન્યુઆરીએ બપોરે એક વાગ્યે ઘરેથી વાળ કપાવવા નીકળ્યો હતો. એ વખતે લક્ષની મોટરસાઇકલ હિમેશ ચલાવી રહ્યો હતો. ત્રણે મિત્રો ટ્રિપલ સીટ પર સલૂનમાં પહોંચ્યા બાદ વાળ કપાયા પછી જેલ લેવા બન્ને મિત્રો સાથે હિમેશ ચેમ્બુર જઈ રહ્યો હતો. એ દરમ્યાન હાઇવે પર આગળ જતી કારે અચાનક લાઇન ચેન્જ કરી એ દરમ્યાન હિમેશે સંતુલન ગુમાવ્યું હતું અને મોટરસાઇકલ જોશભેર ડિવાઇડર સાથે અથડાઈ હતી. એમાં હિમેશ અને લક્ષનાં ઘટનાસ્થળે જ મૃત્યુ થયાં હતાં. બાઇક પર છેલ્લે બેસેલા અનીશને હાથ-પગમાં માર વાગ્યો હતો. ટિળકનગર પોલીસે અનીશની ફરિયાદ બાદ મૃત્યુ પામેલા બાઇક-ડ્રાઇવર હિમેશ પડાયા વિરુદ્ધ ફરિયાદ નોંધીને કરી તપાસ હાથ ધરી છે.
હિમેશના પિતરાઈ ભાઈ દિનેશ બારિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હિમેશ અમારા ઘરમાં સૌથી નાનો અને સૌનો લાડકો હતો. ગઈ કાલે તેણે પિતા ઉગમશી પાસે વાળ કપાવવા માટે પૈસા માગ્યા હતા. પિતાએ પહેલાં પૈસા આપવાની ના પાડી હતી એને લઈને તે રિસાઈને બેસી ગયો હતો. તેને રિસાયેલો જોઈને પિતાએ પૈસા આપ્યા એટલે તરત મમ્મીને એમ કહીને ઘરેથી નીકળ્યો કે હું હમણાં વાળ કપાવીને આવું છું, તું પાણી ગરમ કરી રાખ. તે તો ન આવ્યો, પણ તેના મૃત્યુના સમાચાર આવતાં અમારા પરિવારજનો પર આભ તૂટી પડ્યું છે. હિમેશને સોશ્યલ મીડિયા પર વિડિયો બનાવવાનો ભારે શોખ હતો. એ માટે તે સારાં કપડાં પહેરતો અને હમેશાં વાળ સેટ કરાવતો હતો. એ દિવસે પણ તે પોતાના વાળ સેટ કરાવવા માટે જેલ લેવા જઈ રહ્યો હતો.’
ફરિયાદ કરનાર અનીશ ગુપ્તાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે ત્રણ ખૂબ સારા મિત્રો હતા. હિમેશ કુર્લાની એક કૉલેજમાં અગિયારમા ધોરણમાં અભ્યાસ કરતો હતો અને લક્ષ પવઈની એક કૉલેજમાં સાયન્સની સ્ટડી કરી રહ્યો હતો. હું હાલમાં અગિયારમા ધોરણમાં સાયન્સની સ્ટડી કરી રહ્યો છું. આ ઘટનામાં મેં મારા સારા મિત્રો ગુમાવી દીધા છે.’
ટિળકનગરના એક પોલીસ અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ ઘટનાની ફરિયાદ નોંધીને અમે તપાસ હાથ ધરી છે. આ કેસમાં મોટરસાઇકલ ડ્રાઇવ કરનાર પાસે લાઇસન્સ નહોતું અને તે હેલ્મેટ પહેર્યા વિના ડ્રાઇવિંગ કરી રહ્યો હતો એવું પ્રાથમિક તપાસમાં જણાયું છે. આ કેસમાં મોટરસાઇકલ ડ્રાઇવ કરનાર કિશોર સામે અમે ફરિયાદ નોંધી છે.’