30 October, 2024 11:24 AM IST | Pune | Gujarati Mid-day Correspondent
અકસ્માતની તસવીર
પુણે-સોલાપુર નૅશનલ હાઇવે પર વરવંડ ગામ પાસે સોમવારે સ્ટેટ ટ્રાન્સપોર્ટ (ST)ની બે બસ સામસામે અથડાતાં ગોઝારો અકસ્માત થયો હતો. એમાં એક મહિલા સહિત બે જણનાં મોત થયાં હતાં, જ્યારે ૬૪ જણ ઘાયલ થયા હતા. એમાં બેથી ત્રણ જણ ગંભીર હોવાનું કહેવાઈ રહ્યું છે. આ સંદર્ભે માહિતી આપતાં પોલીસ-ઇન્સ્પેક્ટર નારાયણ દેશમુખે કહ્યું હતું કે ‘સોલાપુરથી પુણે જઈ રહેલી બસની સામે અચાનક એક ટૂ-વ્હીલર આવી જતાં એને બચાવવાના ચક્કરમાં બસ-ડ્રાઇવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને બસ ડિવાઇડર કુદાવીને સામેની લેનમાં જઈ ચડી હતી. એ વખતે સામેથી બીજી ST બસ આવી રહી હતી. બન્ને બસ સામસામે અથડાતાં જોરદાર અકસ્માત થયો હતો.’
આ બન્ને બસમાં કુલ મળીને ૧૧૦ પ્રવાસીઓ પ્રવાસ કરી રહ્યા હતા. અકસ્માતમાં બન્ને બસના ડ્રાઇવર અને કન્ડક્ટર જખમી થયા હતા, જ્યારે બે જણનાં મૃત્યુ થયાં હતા અને બીજા ૬૪ પ્રવાસીઓ પણ ઘાયલ થયા છે, જેમાંથી બેથી ત્રણ જણની હાલત ગંભીર હોવાનું કહેવાઈ રહ્યું છે. ઘાયલોને નજીકની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.