20 June, 2023 08:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે કિંગ્સ સર્કલના ષણ્મુખાનંદ હૉલમાં ઉદ્ધવ ઠાકરેએ અને ગોરેગામના નેસ્કોમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ શિવસેનાના સ્થાપના દિન નિમિત્તે કાર્યકરોને સંબોધ્યા હતા (તસવીર : નિમેશ દવે અને શાદાબ ખાન)
શિવસેનામાં ગયા વર્ષે ઐતિહાસિક બળવો થયા બાદ ગઈ કાલે પહેલી વખત સ્થાપના દિવસના બે કાર્યક્રમ યોજાયા હતા. બાળાસાહેબ ઠાકરેના પુત્ર ઉદ્ધવ ઠાકરેએ કિંગ્સ સર્કલમાં આવેલા ષણ્મુખાનંદ હૉલમાં કાર્યકરોને કરેલા સંબોધનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, દેવેન્દ્ર ફડણવીસ અને એકનાથ શિંદેની મશ્કરી કરી હતી. પોતાનો સાથ છોડી રહેલા નેતાઓને તેમણે ગદ્દાર કહ્યા હતા અને જેઓ હજી પણ જવા માગે છે તેઓ ચાલ્યા જાય એવું આહવાન કર્યું હતું.
શિવસેનાના ૪૦ વિધાનસભ્યો સાથે ઐતિહાસિક બળવો કરીને બીજેપીના સહયોગથી મુખ્ય પ્રધાન બનેલા એકનાથ શિંદેએ ગોરેગામના નેસ્કો કૉમ્પ્લેક્સમાં કાર્યકરોને સંબોધન કરતી વખતે ઉદ્ધવ ઠાકરેને લીધે જ નેતાઓએ તેમનો સાથ છોડવો પડ્યો હોવાનું કહ્યું હતું. બીએમસી, લોકસભા, વિધાનસભા સહિત તમામ ચૂંટણીઓ મહાયુતિમાં લડીને મુંબઈ અને રાજ્યને નુકસાન પહોંચાડનારાઓને કાયમ માટે સત્તામાંથી બહાર કરવાનું આહવાન તેમણે જનતાને કર્યું હતું.
શિવસેનાના ૫૭મા સ્થાપના દિવસ નિમિત્તે ઉદ્ધવ ઠાકરેએ ષણ્મુખાનંદ હૉલમાં આયોજિત કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહની આકરી ટીકા કરતાં કહ્યું હતું કે ‘એકનાથ શિંદેએ વડા પ્રધાનને સૂર્ય કહ્યા. કોણ સૂર્ય? કેવા સૂર્ય? મણિપુર સળગી રહ્યું છે ત્યારે તેઓ અમેરિકાની મુલાકાતે ગયા છે. આવી વ્યક્તિને જનતા બરાબરનો પાઠ ભણાવશે. તેમની હાલત સિરિયાના સરમુખત્યાર ગદ્દાફી જેવી થશે. તેમને નમન કરનારા મહારાષ્ટ્રના નેતાઓ પાગલ છે. તેમની સમીર ચૌગુલે પાસે તપાસ કરાવવી જોઈએ. સત્તાસંઘર્ષના સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ એકનાથ શિંદે અને મંડળીએ સત્તા ગુમાવવી પડશે અને તેમણે ટૂર કંપની શરૂ કરવાનો વારો આવશે. તેમને સુરત, ગુવાહાટી અને ગોવાનો અનુભવ કામ લાગશે. આ સરકાર આવ્યા બાદથી જનતા તો પરેશાન છે, કુદરત પણ નારાજ છે. એથી જ વરસાદ નથી આવી રહ્યો. જેમને અમારો સાથ છોડીને જવું હોય તે જઈ શકે છે. વિરોધી જૂથ પાસે નેતાઓનું લિસ્ટ હોય તો મોકલે. હું સામે ચાલીને તેમને સોંપી દઈશ.’
ગોરેગામના નેસ્કો કૉમ્પ્લેક્સમાં આયોજિત શિવસેનાના સ્થાપના દિવસના બીજા કાર્યક્રમમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરેને ગદ્દાર ગણાવવાની સાથે તેમને લીધે જ પોતાના સહિત શિવસેનાના અનેક નેતાઓએ તેમનો સાથ છોડવો પડ્યો હોવાનું કહ્યું હતું.
મુખ્ય પ્રધાને તેમના ભાષણમાં કહ્યું હતું કે ‘ઘરમાં બેસીને કે ફેસબુકથી સરકાર કે પક્ષ ચલાવનારાને મુંબઈ સહિત રાજ્યભરની જનતા આગામી તમામ ચૂંટણીઓમાં જવાબ આપશે. અમે સરકારમાં આવ્યા બાદથી મુંબઈ બદલાઈ રહ્યું છે. અમે રસ્તાના ખાડાની સમસ્યા, મેટ્રોનો પ્રોજેક્ટ, આરેની મુશ્કેલી સહિત મુંબઈનાં મહત્ત્વનાં કામ આગળ વધાર્યાં છે. રાજ્યભરમાં ઝડપથી કામ કરવા માટે હેલિકૉપ્ટરમાં ફરું છું એનું તેમના પેટમાં દુઃખે છે. તેઓ સરકાર ચલાવવાને બદલે કાર ચલાવતા હતા. અઢી વર્ષમાં તેમણે જેટલી સહી કરી હતી એનાથી વધુ સહી હું રસ્તા, કાર કે મંત્રાલયમાં બેસીને એક દિવસમાં કરું છું. બાળાસાહેબ ઠાકરે કાયમ કાર્યકરોને મોટા કરતા હતા, જ્યારે તેમના પુત્રને બીજા નેતા મોટા થાય તો પોતાનું પદ જોખમમાં દેખાય છે એટલે કોઈને આગળ જવા નથી દેતા. રાજ્યમાં પહેલી વખત બીજેપી સાથેની યુતિમાં સરકાર બની હતી ત્યારે મનોહર જોષીનું તેમણે જાહેર સભામાં અપમાન કર્યું હતું. શિવસેનાના નેતાઓ તેમના નોકર કે ઘરઘાટી નથી. બહુ ખોખા ખોખા ન કરો. બાળાસાહેબની શરમ અમને આડે આવી રહી છે એટલે ચૂપ છીએ. બહુ બોલશો તો ખોખા ક્યાં ગયા એની માહિતી જનતા સામે મૂકી દઈશું.’
મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ આગળ કહ્યું હતું કે ‘બાળાસાહેબે એક સમયે કહેલું કે તેમને એક દિવસના વડા પ્રધાન બનાવવામાં આવે તો તેઓ કાશ્મીરમાંથી ૩૭૦મી કલમ હટાવી દેશે અને અયોધ્યામાં ભગવાન શ્રીરામનું મંદિર બનાવી દેશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહે બાળાસાહેબનું સપનું સાકાર કર્યું છે. વડા પ્રધાન મણીપુર સળગી રહ્યું છે ત્યારે અમેરિકાની મુલાકાતે ઉપડી ગયા હોવાનું તેઓ કહે છે. તેઓ ભૂલી જાય છે કે વડા પ્રધાને પાકિસ્તાનમાં ઘૂસીને સર્જીકલ સ્ટ્રાઈક કરી હતી. આવા જાંબાજ નેતા સાથે અમે યુતિ કરી છે એટલે આજે લાખો કાર્યકરો, હજારો નેતાઓ, વિધાનસભ્યો અને સાંસદો અમારી સાથે છે. તમે કૉન્ગ્રેસ સાથે હાથ મિલાવીને બાળાસાહેબની જ નહીં, જનતાની ગદ્દારી કરી છે. તમે અમને ગદ્દાર કહો છો, પણ જનતા સારી રીતે જાણે છે કે ગદ્દારી કોણે કરી છે. મુંબઈ સહિત આગામી તમામ ચૂંટણીમાં જનતા તમને બરાબરનો પાઠ ભણાવશે. આવતી કાલથી ક્રાંતિ દિવસની ઉજવણી શિવસેનાની દરેક શાખામાં થશે. સરકાર તમારા દરવાજેના કાર્યક્રમમાં કેન્દ્ર અને રાજ્ય સરકારે લીધેલા નિર્ણયોને રાજ્યના એકેએક નાગરિકને પહોંચાડવામાં આવશે. તેઓ ફેસબુકથી કામ કરે છે. અમે ફેસ ટુ ફેસ કામ કરીને તેમની દરેક ટીકાનો જવાબ આપીશું.’
ચૂંટણી યોજાય તો બીજેપીને મોટો ફાયદો થવાની શક્યતા
રાજ્યની વિધાનસભાની ચૂંટણી અત્યારે યોજાય તો બીજેપીને મોટો ફાયદો થવાની શક્યતા ન્યુઝ અરેના ઇન્ડિયા નામના ટ્વિટર હૅન્ડલ દ્વારા કરવામાં આવેલા સર્વેમાં જણાવવામાં આવ્યું છે. મુખ્ય પ્રધાન તરીકે એકનાથ શિંદેને બદલે લોકોની પસંદગી દેવેન્દ્ર ફડણવીસ હોવાનું પણ આ સર્વેક્ષણમાં જણાઈ આવ્યું છે. જનતા અત્યારે કોને પસંદ કરે છે એ જાણવા માટે કરવામાં આવેલા સર્વેમાં બીજેપીને ૧૨૩થી ૧૨૯ બેઠક, એકનાથ શિંદે જૂથને ૨૫ બેઠક, એનસીપીને ૫૫થી ૫૬ બેઠક, કૉન્ગ્રેસને ૫૦થી ૫૩ બેઠક, ઉદ્ધવ ઠાકરે જૂથને ૧૭થી ૧૯ બેઠક તેમ જ અપક્ષોને ૧૨ બેઠક મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
મુખ્ય પ્રધાન તરીકે કોણ પસંદ છે એના સર્વેમાં દેવેન્દ્ર ફડણવીસને ૩૫ ટકા, કૉન્ગ્રેસના અશોક ચવાણને ૨૧ ટકા, અજિત પવારને ૧૪ ટકા, અત્યારના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને ૧૨ ટકા અને ઉદ્ધવ ઠાકરેને ૯ ટકા મતદારોએ મત આપ્યા હોવાનું જણાયું છે.
ઉદ્ધવ ઠાકરેએ કોવિડ રસીને લઈને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મજાક ઉડાડી
નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગઈ કાલે કલ્યાણમાં આયોજિત પક્ષની શિબિરમાં કહ્યું કે કોવિડની મહામારીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સમયસર વૅક્સિન ન બનાવી હોત તો આજે આપણે અહીં ન બેઠા હોત. તેમની આ વાતને લઈને ઉદ્ધવ ઠાકરેએ પક્ષના સ્થાપના દિન નિમિત્તના ભાષણમાં દેવેન્દ્ર ફડણવીસની વિડિયો-ક્લિપ માઇક પાસે લાવીને કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જો કોવિડની વૅક્સિન બનાવી હોય, તો સીરમ ઇન્સ્ટિટ્યૂટે શું કર્યું?
અજિતદાદા રાજકારણના બિગ બી
ઉદ્ધવ ઠાકરેની મરજી હશે ત્યાં સુધી તેઓ મહાવિકાસ આઘાડીમાં રહેશે એવું સંજય રાઉતે બે દિવસ પહેલાં કહ્યું હતું. જવાબમાં વિરોધ પક્ષના નેતા અજિત પવારે વિધાનસભ્યો અને વિધાન પરિષદના સભ્યોની સંખ્યાના આધારે વિરોધ પક્ષનું પદ આપવામાં આવવું જોઈએ એમ કહીને ઉદ્ધવ ઠાકરેને ચેતવણી આપી હતી. વિધાન પરિષદમાં અત્યારે વિરોધ પક્ષનું પદ અત્યારે ઉદ્ધવ ઠાકરે જૂથ પાસે છે. જોકે અત્યારે એનસીપીના સભ્યોની સંખ્યા વધારે છે એટલે ઉદ્ધવ ઠાકરે જૂથનું વિધાન પરિષદનું વિરોધ પક્ષનું પદ જોખમમાં મુકાઈ શકે છે. અજિત પવારની આ ચેતવણી બાદ સંજય રાઉતે ફેરવી તોળતાં કહ્યું હતું કે અજિતદાદા મહારાષ્ટ્રના રાજકારણના બિગ બી છે અને જ્યાં સુધી મહાવિકાસ આઘાડી રહેશે ત્યાં સુધી ઉદ્ધવ ઠાકરે સાથે રહેશે. સંજય રાઉતના આવા નિવેદન વિશે પૂછવામાં આવતાં અજિત પવારે કહ્યું હતું કે સંજય રાઉતે જો ખરેખર આવું કહ્યું હોય તો તેમનો આભાર.
મનીષા કાયંદે એકનાથ શિંદે જૂથમાં જોડાતાં હવે વિધાન પરિષદમાં ઉદ્ધવ ઠાકરે જૂથના સભ્યોની સંખ્યા કરતાં એનસીપીની સંખ્યા વધી ગઈ છે એટલે એનસીપીના નેતા અમોલ મિટકરી સહિત અજિત પવારે પણ વિધાન પરિષદમાં વિરોધ પક્ષના પદ માટેનો દાવો કર્યો છે.