સિક્યૉરિટી ગાર્ડ ન હોવાનું જાણીને વસઈની દુકાનમાં બે યુવકે લૂંટ કરી

12 January, 2025 03:31 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મયંક જ્વેલર્સમાં માલિક એકલા હતા એ જોઈ અંદર ઘૂસી પિસ્ટલની અણીએ હુમલો કરીને ૪૫ લાખ રૂપિયાના દાગીના તફડાવી લીધા

આ દુકાનમાં બે લૂંટારાએ દુકાનમાલિક રતિલાલ સિંઘવી પર હુમલો કર્યો હતો.

વસઈ-વેસ્ટમાં અગરવાલ-દોશી કૉમ્પ્લેક્સની લોટસ સોસાયટીમાં આવેલી મયંક જ્વેલર્સ  નામની દુકાનમાં શુક્રવારે રાત્રે દુકાનમાલિક રતિલાલ સિંઘવીના માથામાં પિસ્ટલ ફટકારીને બે લૂંટારાઓએ ૪૫ લાખ રૂપિયાના દાગીનાની લૂંટ કરવાની ઘટના બની હતી. હેલ્મેટ અને માસ્ક પહેરીને આવેલા બે યુવકોએ લૂંટ કરી હોવાની ઘટના દુકાનના ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરામાં કેદ થઈ ગઈ છે. એમાં તેઓ રોડની બીજી બાજુએ બાઇક ઊભી રાખીને દુકાનમાં પ્રવેશ્યા હોવાનું જણાઈ આવ્યું છે. પોલીસે વિવિધ ટીમ બનાવીને આરોપીઓને ઝડપવાની કામગીરી હાથ ધરી છે. જોકે પોલીસનું કહેવું છે કે જ્વેલર્સની દુકાનોમાં લાખો રૂપિયાના દાગીના હોય છે ત્યારે દુકાનદારોએ સલામતી માટે ગાર્ડ રાખવા જોઈએ અથવા તો દુકાન બંધ કે ખોલતી વખતે સેફમાંથી દાગીના ડિસ્પ્લેમાં મૂકતી વખતે શટર બંધ રાખવું જોઈએ. મોટા ભાગના જ્વેલર્સ સિક્યૉરિટીના આ નિયમનું પાલન નથી કરતા જેનો લાભ લૂંટારાઓ લે છે.

વસઈના અગરવાલ-દોશી કૉમ્પ્લેક્સમાં આવેલી મયંક જ્વેલર્સની દુકાન.

વસઈની માણિકપુર પોલીસે જણાવ્યું હતું કે ‘શુક્રવારે રાત્રે ૯.૧૫ વાગ્યે મયંક જ્વેલર્સના ૬૦ વર્ષના માલિક રતિલાલ સિંઘવી દુકાન બંધ કરવા માટે ‌ડિસ્પ્લેમાં રાખવામાં આવેલા દાગીના સેફમાં મૂકી રહ્યા હતા ત્યારે હેલ્મેટ અને માસ્ક પહેરાના બે યુવકો દુકાનમાં પહોંચ્યા હતા. રતિલાલ સિંઘવીએ આ યુવકોનો પ્રતિકાર કરવાનો પ્રયાસ કર્યો ત્યારે હેલ્મેટ પહેરેલા લૂંટારાએ તેમના માથામાં પિસ્ટલ ફટકારી હતી, જેને લીધે રતિલાલ સિંઘવીના માથામાંથી લોહી નીકળવા માંડ્યું હતું. બાદમાં લૂંટારાઓએ દુકાનમાલિકને એક ખુરસીમાં ધક્કો મારી જબરદસ્તી બેસાડી દઈને તેમના મોઢા પર હાથ મૂકી દીધો હતો અને બૉક્સમાં રાખેલા દાગીના આંચકવાની શરૂઆત કરી હતી. બૉક્સમાંથી દાગીના કાઢવામાં સમય લાગતો હતો એટલે લૂંટારાઓએ ૧૫થી ૨૦ બૉક્સ પોતાની પાસેની બૅગમાં મૂકી દીધા હતા અને પલાયન થઈ ગયા હતા.

હુમલા બાદ દુકાનમાલિકને એક ખુરસીમાં બેસાડી દઈને મોઢા પર હાથ મૂકી દીધો હોવાનું CCTV કૅમેરાના ફુટેજમાં જણાઈ આવ્યું છે.

માણિકપુર પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર હરિલાલ જાધવે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મયંક જ્વેલર્સમાં રતિલાલ સિંઘવી તેમના પુત્ર મનીષ સાથે કામકાજ કરે છે. શુક્રવારે રાત્રે લૂંટ થઈ ત્યારે મનીષ કોઈક કામથી બહાર ગયો હતો એટલે રતિલાલ સિંઘવી દુકાનમાં એકલા હતા. એનો ફાયદો લૂંટારાઓએ લીધો હતો. CCTV કૅમેરાના ફુટેજમાં લૂંટની આ આખી ઘટના કેદ થઈ ગઈ છે. આરોપીઓએ ૪૫ લાખ રૂપિયાના દાગીનાની લૂંટ કરી હોવાનું પ્રાથમિક રીતે જણાઈ આવ્યું છે.  CCTV કૅમેરાના ફુટેજના આધારે આરોપીઓને શોધવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.’

vasai crime news mumbai crime news news mumbai police mumbai mumbai news