01 October, 2024 12:08 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
કલ્યાણ-ડોમ્બિવલી મ્યુનિસિપલ કૉર્પોરેશન (KDMC)ના લાઇસન્સ વિભાગે અમૂલ ઘી અને અમૂલ બટરનો ગેરકાયદે વેપાર કરતા ભિવંડીના બે જણની ધરપકડ કરી હતી અને તેમની પાસેથી અમૂલ ઘી અને બટરનો જથ્થો જપ્ત કર્યો હતો.
KDMCના માર્કેટ અને લાઇસન્સ વિભાગના અસિસ્ટન્ટ કમિશનર પ્રસાદ ઠાકુરને માહિતી મળી હતી કે KDMCની હદમાં અમૂલ ઘી અને અમૂલ બટરનું વેચાણ કરવા બે જણ આવવાના છે એટલે તેમણે તેમના ઑફિસર્સને જાણ કરીને રેઇડ પાડવા કહ્યું હતું. એ પછી ઑફિસરોએ વૉચ રાખી હતી. દરમ્યાન ભિવંડીમાં રહેતા મોમિન અબ્દુલ મુનાફ અને તૌસિફ કાઝી કારમાં આવ્યા ત્યારે ઑફિસરોએ તેમની પૂછપરછ કરી હતી અને કારમાંથી અમૂલ બટરનાં બે બૉક્સ (૩૦ કિલો) અને અમૂલ ઘીનાં પાંચ બૉક્સ (૧૨૫ કિલો) મળ્યાં હતાં, જે તેઓ અલગ-અલગ દુકાનમાં સપ્લાય કરવાના હતા. તેમની પાસે એ વેચવા માટેના લાઇસન્સની પૂછપરછ કરતાં તેમની પાસે એ ન હોવાનું જણાયું હતું. તેમણે અમૂલ બટર કુર્લાની એક પાર્ટી પાસેથી લીધું હોવાનું બિલ દેખાડ્યું હતું, પણ અમૂલ ઘીની ખરીદી બાબતે તેઓ સંતોષકારક જવાબ આપી શક્યા નહોતા. ઑફિસરોએ ઘી અને બટરનો જથ્થો જપ્ત કર્યો છે અને એનાં સૅમ્પલ ટેસ્ટિંગ માટે લૅબમાં મોકલ્યાં છે.