27 August, 2024 02:53 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ઑનલાઇન ઇન્વેસ્ટમેન્ટ કરીને ટૂંકા ગાળામાં વધુ નફો કરવાની લોભામણી જાહેરાતોના ચક્કરમાં ફસાઈ લોકો એમાં પૈસા ગુમાવી રહ્યા છે. સાઇબર-ગઠિયાઓના આવા નવા-નવા નુસખાઓથી સાવધ રહેવાની ચેતવણી મીરા-ભાઈંદર વસઈ-વિરાર પોલીસે આપી છે.
મીરા રોડમાં રહેતા ૩૧ વર્ષના ધૈર્ય કિરણ સોનીએ ઑનલાઇન શૅરમાર્કેટ ઍપમાં પૈસાનું રોકાણ કર્યું હતું અને તેની સાથે છેતરપિંડી થઈ હતી. જોકે તેની સાથે સાઇબર-ફ્રૉડ કરનાર ગઠિયાએ તેને અલગ-અલગ ખાતામાં પૈસા જમા કરાવવા કહ્યું હતું. એથી ધૈર્ય તેના કહેવા મુજબ અને તેણે મોકલાવેલી લિન્કમાં વખતોવખત રોકાણ કરતો ગયો અને આમ તેણે કુલ ૨૦,૪૦,૧૯૩ રૂપિયાનું રોકાણ કર્યું હતું. જ્યારે તેણે ઍપમાં બતાવવામાં આવતો પ્રૉફિટ મેળવવાની કોશિશ કરી તો તેને એ ન મળ્યો એટલે તેને ખ્યાલ આવ્યો કે તેની સાથે સાઇબર-ફ્રૉડ થયો છે. તેણે આ બાબતે કાશીગાવ પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. કાશીગાવ પોલીસે ઝડપી કાર્યવાહી કરીને બૅન્કના નોડલ ઑફિસરને ઈમેઇલ કરી જાણ કરી અને એના પુરાવા આપ્યા હતા. નોડલ ઑફિસરે દરમ્યાનગીરી કરી ગઠિયાનાં અલગ-અલગ અકાઉન્ટ્સમાંના પૈસા ફ્રીઝ કરતાં આખરે ૭,૫૦,૦૦૦ રૂપિયા બચી ગયા હતા અને એ ધૈર્યને પાછા આપવામાં આવ્યા હતા, પરંતુ ધૈર્યએ ૧૩ લાખ રૂપિયા ગુમાવ્યા હતા.
આવી જ છેતરપિંડીની બીજી એક ઘટના વિરારની એક વ્યક્તિ સાથે થઈ હતી. તેણે ટેલિગ્રામ ચૅનલ પર ઇન્વેસ્ટમેન્ટ ઍપની ઍડ જોઈ હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે તમારા રોકાણ પર ટૂંકા ગાળામાં વધુ નફો મેળવો. આથી તેણે એ ઇન્વેસ્ટમેન્ટ ઍપ પર થોડા-થોડા કરીને કુલ ૧૧.૬૦ લાખ રૂપિયા ઇન્વેસ્ટ કર્યા હતા. જોકે ત્યાર બાદ પ્રૉફિટ કઢાવવા જતાં એ ન મળતાં તેણે મીરા-ભાઈંદર વસઈ-વિરાર પોલીસના સાઇબર પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. એ સંદર્ભે તપાસ કરી સાઇબર પોલીસે તેના કુલ ઇન્વેસ્ટમેન્ટમાંથી ૭.૨૦ લાખ રૂપિયાની રકમ પાછી મેળવી હતી. આમ તેણે ૪.૪૦ લાખ રૂપિયા ખોવા પડ્યા હતા.