21 February, 2024 08:12 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
બીકેસીની ડાયમન્ડ માર્કેટમાં એક બ્રોકરે આશરે ૨૫થી વધુ વેપારીઓ પાસેથી સાડાસાત કરોડ કરતાં વધુનો માલ જાંગડ - પાવતી પર લીધા બાદ પૈસા ન આપતાં નાસી ગયો હોવાની ફરિયાદ બીકેસી પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી. અંતે આ ઘટનાની તપાસ કરતાં વેપારીનો માલ લઈને નાસી ગયેલા બ્રોકરની પોલીસે ગયા અઠવાડિયે ધરપકડ કરી હતી. તેની પાસેથી મળેલી માહિતીના આધારે પોલીસે વધુ બે બ્રોકરની ધરપકડ કરી છે. જોકે હજી સુધી પોલીસના હાથમાં કોઈ પ્રકારની રિકવરી લાગી નથી.
વિલે પાર્લે-વેસ્ટમાં જુહુ ગુલમોહર ક્રૉસ રોડની એક સોસાયટીમાં રહેતા અને આર. રાજેશ એક્સપોર્ટ્સના નામે ડાયમન્ડનો વ્યવસાય કરતા મહેશ ગજેરા સહિત બીડીબીના આશરે ૨૫ વેપારીઓ સાથે મેહુલ ઝવેરી નામના બ્રોકરે પોતાની પાસે મોટા ગ્રાહક હોવાનું કહી છેલ્લા બે મહિનામાં આશરે સાડાસાત કરોડ રૂપિયાનો માલ જાંગડ - પાવતી પર લીધો હતો. વેપારીઓએ માલનું પેમેન્ટ માગ્યું ત્યારે તે પેમેન્ટ આપવામાં નિષ્ફળ ગયો હતો. એની સાથે તેણે પોતાનો મોબાઇલ પણ બંધ કરી દેતાં વેપારીઓએ તેની સામે બીકેસી પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. અંતે પોલીસે તપાસ કરીને ૧૭ ફેબ્રુઆરીએ બ્રોકર મેહુલ ઝવેરીની ધરપકડ કરી હતી. તેની પાસેથી મળેલી માહિતીના આધારે પોલીસે બીડીબીના વધુ બે બ્રોકર દિનેશ ભાળશે અને શરદ હલદેની પણ ધરપકડ કરી હતી. આ ત્રણેને કોર્ટમાં હાજર કરતાં બાવીસ ફેબ્રુઆરી સુધીની પોલીસ-કસ્ટડી આપવામાં આવી છે.
બીકેસી પોલીસ સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ કેસમાં પ્રાથમિક તપાસ કરતાં જાણ થઈ હતી કે માસ્ટરમાઇન્ડ મેહુલ છેલ્લા બે મહિનાથી બીડીબીમાં જોરદાર ઍક્ટિવ થયો હતો. તેણે અનેક વેપારીઓ પાસેથી જાંગડ - પાવતી પર મોટો ગ્રાહક હોવાનું કહી માલ લીધો હતો. એ માલ તેણે રોલિંગ માટે ૧૦૦ રૂપિયાનો માલ ૯૦ રૂપિયામાં વેચ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. એટલું જ નહીં, તેણે જે બ્રોકરોને માલ વેચ્યો હતો એમની પણ અમે તપાસ કરી રહ્યા છીએ. આ કેસમાં ફરિયાદ નોંધાયા બાદ આશરે ચારથી પાંચ વેપારીઓ બીજા સામે આવ્યા છે જેમની પાસેથી મેહુલ અને તેના સાગરીતોએ માલ લીધો છે.’