બે ભેજાબાજ મિત્રોએ મ્હાડાની બોગસ વેબસાઇટ બનાવીને લાખો રૂપિયા પડાવ્યા

19 August, 2024 06:53 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સસ્તામાં ફ્લૅટ મેળવવા માગતા સાત લોકો પાસેથી પૈસા ઑનલાઇન ટ્રાન્સફર અને કૅશમાં લીધા હોવાનું જણાતાં ‍BKCની સાઇબર પોલીસે ધરપકડ કરી

મ્હાડાની બોગસ વેબસાઇટ બનાવીને ફ્રૉડ કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવેલા આરોપીઓ સાથે BKC સાઇબર પોલીસની ટીમ.

મુંબઈમાં મહારાષ્ટ્ર હાઉસિંગ એરિયા ડેવલપમેન્ટ ઑથોરિટી (MHADA-મ્હાડા)નાં સસ્તાં ઘર અને ઇન્ડસ્ટ્રિયલ ગાળા મેળવવા માગતા લોકો પાસેથી લાખો રૂપિયા પડાવવાના મામલામાં બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ (BKC) સાઇબર પોલીસ-સ્ટેશને બે મિત્રોની ધરપકડ કરી છે. લોઅર પરેલમાં રહેતા ગુજરાતી યુવક કલ્પેશ સેવક અને નાલાસોપારામાં રહેતા મરાઠી યુવક અમોલ પટેલે મ્હાડાની બોગસ વેબસાઇટ બનાવીને આ ફ્રૉડ કર્યો હોવાનું પોલીસની તપાસમાં જણાઈ આવ્યું છે.

આ કેસના તપાસ અધિકારી ઇન્સ્પેક્ટર બાળાસાહેબ કાનાવડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમને ફરિયાદ મળી હતી કે કોઈક મ્હાડાની બોગસ વેબસાઇટ બનાવીને લોકોને સસ્તામાં ફ્લૅટ અને ગાળા આપવા માટે પેમેન્ટ લઈ રહ્યું છે. અમે તપાસ કરી તો ખ્યાલ આવ્યો હતો કે મ્હાડાની વેબસાઇટ બનાવવામાં આવી છે જેમાં મ્હાડાની સત્તાવાર વેબસાઇટની જેમ લૉગ-ઇન કરવાની વ્યવસ્થા હતી. સસ્તામાં ઘર મેળવવા માગતા લોકોને ટાર્ગેટ કરવા આરોપી યુવકો કલ્પેશ સેવક અને અમોલ પટેલે સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરી હતી. સાત લોકોએ આ જાહેરાત મ્હાડાની સત્તાવાર હોવાનું માનીને આરોપીઓનો સંપર્ક કર્યો હતો. અત્યાર સુધી સાત લોકોએ પાંચથી ૧૯ લાખ રૂપિયા જેટલી રકમ આરોપીઓને ઑનલાઇન ટ્રાન્સફર કરી હોવાનું અને કૅશમાં આપી હોવાનું જણાયું છે. આરોપી યુવકો શિક્ષિત નથી એટલે તેમણે કોઈકની મદદથી બોગસ વેબસાઇટ બનાવી હોવાની શક્યતા છે. આથી આ મામલામાં વધુ આરોપીઓ હોઈ શકે છે. આરોપીઓની ૨૩ ઑગસ્ટ સુધીની પોલીસ-કસ્ટડી મેળવવામાં આવી છે. આરોપીઓ સામે અગાઉ પણ ગુના નોંધવામાં આવ્યા હોવાનું જણાયું છે.’

mumbai news mumbai MHADA cyber crime Crime News mumbai crime news bandra kurla complex